AnandToday
AnandToday
Tuesday, 30 Apr 2024 18:30 pm
AnandToday

AnandToday

આણંદમાં મહિલાઓએ સનેડો સનેડો ફ્લેશ મોબ ગીત દ્વારા  મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો

આણંદ ખાતે સામૂહિક મહેંદી  મુકાવી મતદાન જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો 

મહિલાઓએ અચૂક મતદાન કરીશું ના શપથ લીધા

આણંદ, 
આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. 
લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગુજરાત રાજ્યમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગે વિવિધ પ્રકારના મતદાન જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. 
આ  સંદર્ભે સ્વીપ અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન અંતર્ગત આણંદ જિલ્લામાં વિવિધ  મતદાન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા નાગરિકો પોતે પણ મતદાન કરે અને અન્યને પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રેરણા આપે એવી અપીલ કરવામાં આવી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે આણંદ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગે વિવિધ પ્રકારની મતદાન જાગૃતિ પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. 
મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લાભરમાં સામૂહિક મહેંદી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 
આણંદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ મહિલાઓને નમ્ર અપીલ કરતાં જણાવ્યું હતું કે આણંદ જિલ્લાના જે મતદાન મથકો ખાતે ગત ચૂંટણીમાં પુરુષ મતદાનની  સરખામણીમાં મહિલા મતદારોનું પ્રમાણ ઓછું છે તેવી જગ્યાએ આ ચૂંટણીમાં મહિલાઓ મહત્તમ મતદાન કરે તે જરૂરી છે. 
શ્રી પ્રવીણ ચૌધરીએ આ પ્રસંગે પોતાના હાથ પર મહેંદી દ્વારા મતદાન અવશ્ય મતદાન કરો તેવું સૂત્ર લખાવીને સૌને પ્રેરિત કર્યા હતા. 
આ તકે આણંદ ખાતે ૭૦૦ જેટલા મહિલા કર્મીઓ પ્રાથમિક શાળા, હાઈસ્કૂલના શિક્ષિકાઓ, આંગણવાડી ના બહેનો, આશા બહેનો, આરોગ્ય વિભાગના  મહિલા કર્મીઓ, અને અન્ય મહિલા કર્મચારીઓએ આ કાર્યક્રમમાં જોડાયા હતા. 
ઉપસ્થિત તમામ મહિલાઓએ મહેંદી કાર્યક્રમમાં ભાગ લેતા પહેલાં સનેડો સનેડો ફ્લેશ મોબ ગીત દ્વારા પણ મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો. 
૧૬-આણંદ લોકસભા મત વિસ્તારના તમામ ૦૭ વિધાનસભા મતવિસ્તારમાં મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા મહિલાઓ ને હાજર રાખી મહેંદી મુકાવવાના અને આ કાર્યક્રમ દ્વારા મતદાન જાગૃતિના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. 
મહિલાઓએ મતદાન જાગૃત્તિ માટે તા. ૭ મે - ૨૦૨૪ ના રોજ મતદાન કરીએ, મેરા મત મેરા અધિકાર,  મતદાન દેશ કા મહાન ત્યૌહાર જેવા વિવિધ સૂત્રોને અવનવી મહેંદી મૂકાવીને મહિલાઓએ અનોખી રીતે મતદાન જાગૃત્તિ કાર્યક્રમમાં પોતાનો સહયોગ આપ્યો હતો. આ તકે મહિલાઓએ મતદાન કરવા માટે અનુરોધ કરતી મહેંદી મૂકાવી ૧૦૦ ટકા મતદાન કરવાના શપથ લીધા હતા.
આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિતાબેન લાછુન, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદી ,સોજીત્રા વિધાનસભા મત વિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી હેતલબેન ભાલીયા, નાયબ કલેકટર શ્રી ડોડીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અર્ચનાબેન પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓ જોડાયા હતા.

મહિલાઓ મહત્તમ મતદાન કરે - જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી

આણંદ જિલ્લામાં  ગત ચૂંટણીમાં જે મતદાન મથકો ખાતે મહિલાઓના મતદાનની ટકાવારી ઓછી છે ત્યાં મહિલાઓ મહત્તમ મતદાન કરે તે માટે અપીલ - જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી