આણંદ ટુડે | આણંદ,
લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અને ખંભાત પેટા ચૂંટણીને ધ્યાને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીની રાહબરી હેઠળ સમગ્ર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે સઘન પ્રયાસ હાથ ધરાયા છે. જિલ્લાનો એક પણ મતદાર મત આપ્યા વગર રહી ન જાય તે માટે ઘરે-ઘરે જઈને મતદારોને લોકશાહીના મહાપર્વમાં મત આપવા માટે જાગૃત કરવાના પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર કરી રહ્યું છે.
મતદાર જાગૃતિના જિલ્લા ચૂંટણી તંત્રના પ્રયાસોથી પ્રેરાઈને હવે આણંદ જિલ્લાના પેટલાદમાં વ્યવસાય કરતાં નાનાથી મોટા સુધીના ૫૧ જેટલા વ્યવસાયકારો પણ આગળ આવ્યા છે. લોકસભાની આ ચૂંટણીમાં મતદાન વધે તે માટે આ વ્યવસાયકારોએ મતદાન કરેલ મતદારોને ૧૦ ટકા થી લઈને ૨૫ ટકા જેટલું માતબર ડીસ્કાઉન્ટ આપવાની અનોખી પહેલરૂપ જાહેરાત પણ કરી છે.
પેટલાદ મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી પી. આર. જાનીના પ્રયાસોથી પેટલાદ શહેરી વિસ્તારમાં ચા કે શેરડીના રસનો વ્યવસાય કરતાં નાના વ્યવસાયિકો થી લઈને હોટલ - રેસ્ટોરન્ટ કે જવેલર્સનો વ્યવસાય કરતાં મોટા વ્યવસાયકારો - વેપારી મંડળોએ પોતાની નૈતિક ફરજ સમજીને મતદાન જાગૃતિના પ્રયાસોને સમર્થન આપ્યું છે. લોકશાહીના જતન અર્થે મતદાન જાગૃતિ માટે કટિબધ્ધતા દર્શાવતી પેટલાદના નાના - મોટા વેપારીઓ અને તેમના મંડળની મતદારોને અનોખી ઓફર છે, "કરો મતદાન, મેળવો ડિસ્કાઉન્ટ"
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે પોતાના નૈતિક ફરજ દર્શાવતા પેટલાદ વેપારીઓમાં પેટ્રોલ પંપ ધારકો, હોટલ માલિકો, સ્માર્ટ બજાર, જવેલર્સ જેવા મોટા વર્ગથી લઈ રસ ઘર, ટી સેન્ટર ચલાવતાં નાના વર્ગના વ્યવસાયકારો મળી ૫૧ જેટલા વ્યવસાયી એકમોએ મતદાર તા. ૭ મી મે ને મંગળવારે મતદાન કરીને આવે તે દિવસે લઈને તા. ૧૨ મી મે શનિવાર સુધી મતદારોની આંગળી ઉપર ઈન્ડેલીબલ ઈન્કની ચકાસણી કરીને ૧૦ થી ૨૫ ટકા જેટલુ બમ્પર ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે.
પેટલાદ નગરપાલિકાના ૫૧ જેટલા નાના-મોટા વેપારીઓએ દર્શાવેલી લોકશાહીના જતન માટેની "કરો મતદાન, મેળવો ડિસ્કાઉન્ટ"ની અનોખી ઓફર મતદારોને મતદાન કરી ઝડપી લેવા માટે પેટલાદ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીએ અનુરોધ કર્યો છે.
-૦-૦-૦-