AnandToday
AnandToday
Wednesday, 17 Apr 2024 18:30 pm
AnandToday

AnandToday

આણંદ લોકસભા બેઠક કોંગેસના ઉમેદવાર અમિત ચાવડા આજે પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે વિજય મુહૂર્તમાં નામાંકનપત્ર ભરશે

અમિત ચાવડાનો આણંદમાં ભવ્ય રોડ શો યોજાશે 

કોંગ્રેસના દિગ્ગજ-પ્રદેશ નેતાઓ,પૂર્વ ધારાસભ્ય અને મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહેશે

આણંદ
આણંદ લોકસભા બેઠકના કોગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા આજે18મી એપ્રિલ ગુરૂવારના રોજ  પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે વિજય મુહૂર્તમાં નામાંકનપત્ર ભરશે. ફોર્મ ભરતી વખતે અમિત ચાવડા સાથે કોંગ્રેસના દિગ્ગજ-પ્રદેશ નેતાઓ જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી,મુકુલ વાસનિકજી - (પ્રભારી ગુજરાત કોંગ્રેસ સમિતિ ) તથા શક્તિસિંહ ગોહિલ (પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ) સહિત આણંદ જિલ્લાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય,સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકતાઓ ઉપસ્થિત રહેશે .

આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાનો આજે આણંદમાં ભવ્ય રોડ શો યોજાશે .જોકે નામાંકન ભરતા પહેલા તેઓ પોતાની કુળદેવીના પૂજન અર્ચન કર્યા બાદ કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે મોટી સંખ્યામાં આણંદ શહેરના લોટીયા ભાગોળ ખાતે આવી પહોંચશે અને સવારે 9:00 કલાકે લોટીયા ભાગોળ સ્થિત  મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ ખાતેથી રેલી સ્વરૂપે ગામડી વડ,રેલવે ગોદી ખાતે પહોંચશે .જ્યાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર પહેરાવી વિજય ના નાદ સાથે અમુલ ડેરી રોડ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ખાતે આવી પહોંચે જ્યાં કોંગ્રેસની ભવ્ય વિજય સંકલ્પ રેલીનું સમાપન થશે . કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે અમૂલ ડેરી રોડ થઈ ગણેશ ચોકડી ખાતે પહોંચશે અને ત્યાંથી સીધા આણંદ કલેકટર કચેરી ખાતે રવાના થશે .જ્યાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભરશે.જોકે, નામાંકન પત્ર ભરાયા બાદ ચૂંટણીનો માહોલ બરાબર જામશે


આણંદ લોક્સભા બેઠક પર પાટીદાર V/S ક્ષત્રિય વચ્ચે કાંટે કી ટક્કર થશે

અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ બેઠક પર વર્ષોથી કોંગ્રેસનો દબદબો રહ્યો છે.જોકે. ગત ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં આણંદવાસીઓએ કોંગ્રેસને જાકારો આપ્યો હતો.
આણંદ બેઠક પર ભાજપના મિતેષ પટેલે કોંગ્રેસના ભરત સોલંકીને 1,97,718 મતોથી હરાવ્યાં અને આણંદ બેઠક પર ભગવો લહેરાવ્યો હતો આ વર્ષે પણ ભાજપે અહીં મિતેશ પટેલને રીપિટ કર્યા છે. જ્યારે કોગ્રેસમાં અહીંથી અમિત ચાવડાને મેદાને ઉતાર્યા છે આ વખતની ચૂંટણીમાં આણંદ બેઠક પર પાટીદાર V/S ક્ષત્રિય વચ્ચે કાંટે કી ટક્કર થશે ગુજરાતના તમામ સર્વેમાં ભાજપના વન વે જીતના દાવાઓ થઈ રહ્યાં છે. ત્યારે આ વખતે આણંદ બેઠક પર ભાજપનું કમળ ખીલશે કે કચડાશે ? પરંતુ જીતનો નવો રેકોર્ડ બનશે તેવું રાજકીય વિશેષજ્ઞનું માનવું છે ભાજપ માટે આ વખતે સૌથી મોટો પડકાર ભાજપની જૂથબંધી અને જ્ઞાતિવાદના સમીકરણ છે. આણંદ લોકસભા બેઠક પર  પાટીદાર કરતા ક્ષત્રિય,દલિત મુસ્લિમ સહિત અન્ય જ્ઞાતિના મતદારોનું વિશેષ પ્રભુત્વ છે .ત્યારે કોંગ્રેસ આ વખતે ખામ થિયરીનો ઉપયોગ કરી ચિત્ર પલટાવી શકે તેમ છે .ત્યારે જોવું રહ્યું કે આણંદ બેઠક પર ફરી થી ભાજપનો ભગવો લહેરાય છે કે પછી કોંગ્રેસનો પંજો ભાજપની બેઠક આચકી લે છે ?અર્થાત આણંદ જિલ્લાવાસીઓ આણંદ બેઠક પર  પરિવર્તન કરે છે કે પુનરાવર્તન !