AnandToday
AnandToday
Monday, 15 Apr 2024 18:30 pm
AnandToday

AnandToday

આંગણે આવેલા અણમોલ અવસર (ચૂંટણી)નું અનોખું આમંત્રણ

પેટલાદ વિધાનસભા મતવિસ્તારમાં મહિલા મતદારોને મતદાન માટેની આમંત્રણ પત્રિકા વિતરણ કરાઈ

સહ પરિવાર મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા મહિલા મતદારોને ખાસ અનુરોધ કરાયો

આણંદ, 
 વિવિધતામાં એકતા ધરાવતા ભારતમાં અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ વચ્ચે એક પરંપરા એવી છે જે લગભગ દેશભરમાં જોવા મળે છે. અને એ છે આંગણે આવેલા અવસરના આમંત્રણની. 

પારિવારિક અને માંગલિક પ્રસંગોના આમંત્રણની પ્રથાને એક સોપાન આગળ વધારતાં ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા લોકશાહીના મહાપર્વમાં મતદાન માટે મતદારોને સહપરિવાર આમંત્રણ પાઠવતી પત્રિકા મોકલવા અંગેનો નિર્ધાર કરવામાં આવ્યો છે. 

આણંદ જિલ્લાની વાત કરીએ તો, લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના  મતદારો પોતાના મતાધિકારનો મહત્તમ ઉપયોગ કરીને લોકશાહીના પર્વની ગૌરવભેર ઉજવણી કરે તે માટે સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃત્તિના ભગીરથ પ્રયાસો કરાઈ રહ્યા છે. 

આગામી મે મહિનાની ૭ મી તારીખે લોકશાહીના મહાપર્વની ઉજવણી આણંદ જિલ્લામાં કરવામાં આવનાર છે, ત્યારે જિલ્લાના ૧૭૭૩ મતદાન મથકોમાં મહિલા મતદારોની મતદાનમાં સહભાગીતા વધારવા જિલ્લા  ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પુરૂષો અને મહિલાઓના મતદાનની ટકાવારીનો તફાવત ૧૦ ટકા કરતાં વધુ હોય તેવા અને કુલ મતદાન ૫૦ ટકા કરતાં ઓછું હોય તેવા મતદાન મથકોની ઓળખ કરવામાં આવી છે. 

આણંદ જિલ્લામાં ગત ચૂંટણીમાં સ્ત્રી - પુરૂષ મતદાનમાં જોવા મળેલા ૧૦ ટકાથી વધુના તફાવતને દૂર કરવા જિલ્લાના ૩૦૯ મતદાર વિસ્તારમાં હાથ ધરાયું ચૂનાવ પાઠશાળા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. 

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૫૦ ટકાથી ઓછું મતદાન ધરાવતાં ૩૩ મતદાન મથકોની ઓળખ કરીને મતદાન જાગૃતિનો સ્તુત્ય પ્રયાસ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. 

જિલ્લાના આવા ઓળખ કરાયેલા લગભગ તમામ મતદાન મથકો પર મહિલાઓના મતદાનનું પ્રમાણ વધે તે માટે  સપરિવાર મતદાન કરવા અનુરોધ કરતી પેટલાદ વિધાનસભા મતવિસ્તારમાં ૩૭ મતદાન મથકોની મહિલાઓને  આમંત્રણ પત્રિકાઓ પાઠવવામાં આવી છે. 
આણંદ લોકસભા મત વિસ્તારમાં આ આમંત્રણ પત્રિકા થકી મહિલા મતદારોને દૈનિક કામગીરીની વ્યસ્તતામાંથી થોડો સમય કાઢી સહપરિવાર મતદાન કરવા તથા અન્યોને પણ મતદાન માટે પ્રેરણા આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
-૦-૦-૦-