હિન્દી સિનેમાના ગીતકાર ગુલશન બાવરા (ગુલશન કુમાર મહેતા)નો પાકિસ્તાનમાં જન્મ (1937)
તેમનું 'ઉપકાર' ફિલ્મના "મેરે દેશ કી ધરતી..." અને 'ઝંજીર' ફિલ્મના "યારી હે ઈમાન મેરા યાર મેરી ઝીંદગી..." માટે ફિલ્મફેર એવોર્ડથી સન્માન થયું છે
* અમેરિકામાં કોંગ્રેસના પ્રથમ હિંદુ સભ્ય અને પ્રથમ સામોન- કોંગ્રેસના અમેરિકન વોટિંગ સભ્ય રહેલ તુલસી ગબાર્ડનો જન્મ (1981)
તેઓ અમેરિકન રાજકારણી અને યુનાઈટેડ સ્ટેટ્સ આર્મી રિઝર્વ ઓફિસર છે જેમણે 2013 થી 2021 સુધી હવાઈના 2જી કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ માટે યુએસ પ્રતિનિધિ તરીકે સેવા આપી હતી
* ટેસ્ટ ક્રિકેટમાં તમામ પોઝિશન પર બેટિંગ કરનાર એકમાત્ર ભારતીય બેટ્સમેન અને પદ્મ ભૂષણથી સન્માનિત ક્રિકેટર (44 ટેસ્ટ રમનાર) મુલવંતરાય હિંમતલાલ "વિનુ" માંકડનો જામનગર ખાતે જન્મ (1917)
કપિલ દેવે ઝડપી બોલિંગ અને બેટીંગ કરીને ભારતીય ક્રિકેટનું સમીકરણ બદલ્યું તે પહેલાં, મુલવંતરાય 'વિનુ' માંકડને દેશ માટે રમનાર મહાન ઓલરાઉન્ડર તરીકે સ્વીકારવામાં આવ્યા હતા
પોતાની લાંબી કારકિર્દી દરમિયાન, એક સાચા બેટ્સમેન તરીકે પોતાનું સ્થાન જાળવી શક્યા અને તેમણે 72 ટેસ્ટ ઇનિંગ્સમાંથી 40 જેટલી ઇનિંગ્સમાં ઓપનિંગ કર્યું હતું
માંકડે ઇંગ્લિશ બેટ્સમેનોની 52 રનમાં 8 વિકેટ અને 53 રનમાં 4 વિકેટ લેતા ભારતે તેની પ્રથમ ટેસ્ટ જીત નોંધાવી હતી
ચેન્નાઈમાં ન્યુઝીલેન્ડ સામે પંકજ રોય સાથે 413 રનની ઓપનિંગ ભાગીદારી (માંકડના 231 રન સાથે) થઈ, જે એક વિશ્વ વિક્રમ છે અને જે 52 વર્ષ સુધી ટકી કોઈ તોડી શક્યું ન હતું
માંકડે 44 ટેસ્ટમાં, પાંચ સદી સાથે 31.47ની એવરેજથી 2109 રન બનાવ્યા અને 162 વિકેટો લીધી છે
* લોકસભાના મહિલા સાંસદ તરીકે સૌથી લાંબો સમય (1989-2019) સેવા આપનાર અને લોકસભાના અધ્યક્ષ (2014-2019) રહેલ ભાજપના આગેવાન નેતા સુમિત્રા મહાજનનો જન્મ (1943)
તેઓ મધ્યપ્રદેશના ઇન્દોરથી સતત ચૂંટાતા હતા
* ટેસ્ટ ક્રિકેટમાં સર્વોચ્ચ 400 (અણનમ)નો વ્યક્તિગત સ્કોરનો વિશ્વ વિક્રમ બનાવનાર પ્રથમ વ્યક્તિ વેસ્ટ ઈન્ડિયન ક્રિકેટ બ્રાયન લારા બન્યા (2004)
*
* પદ્મશ્રીથી સન્માનિત, હીરાનું ઉત્પાદન અને નિકાસ કરતી કંપની હરિ ક્રિષ્ના એક્સપોર્ટ્સના સ્થાપક ચેરમેન, ઉદ્યોગપતિ સવજી ધનજી ધોળકિયાનો અમરેલી જિલ્લામાં જન્મ (1962)
*
* ચાર વખત લોકસભાના સાંસદ, ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા, મધ્યપ્રદેશ અને બિહારના રાજ્યપાલ રહેલ ભાજપના નેતા લાલજી ટન્ડનનો લખાનૌ ખાતે જન્મ (1935)
*
* હિન્દી ફિલ્મ લેખક અને દિગ્દર્શક સચિન ભૌમિકનું મુંબઈ ખાતે અવસાન (2011)
તેમણે 94 થી વધુ ફિલ્મો માટે વાર્તા અને પટકથા લખી
* સંગીત નાટક અકાદમી પુરસ્કારથી સન્માનિત ભારતીય શાસ્ત્રીય ગાયક અને વારાણસીના ધ્રુપદ ઉસ્તાદ પંડિત ઋત્વિક સાન્યાલનો બિહાર રાજ્યમાં જન્મ (1953)
તેઓએ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં પર્ફોર્મિંગ આર્ટ ફેકલ્ટીમાં વોકલ મ્યુઝિક વિભાગમાં પ્રોફેસર અને ડીન તરીકે સેવા આપી છે
* રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત હિન્દી ફિલ્મ નિર્દેશક, નિર્માતા, પટકથા લેખક અને ગીતકાર કેદાર શર્માનો પાકિસ્તાનમાં જન્મ (1910)
તેમની યાદગાર ફિલ્મોમાં ધૂપ છાંવ, દેવદાસ, ચિત્રલેખા, જોગન, કાજલ, નીલકમલ વગેરે છે
* મ્યુનિક ઓલિમ્પિક્સ (1972)માં ભાગ લેનાર ભારતીય ટ્રિપલ જમ્પર મોહિન્દર સિંઘ ગિલનો પાકિસ્તાનમાં જન્મ (1947)
ગિલે એશિયન ગેમ્સમાં એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યા હતા
* રણજીતરામ સુવર્ણચંદ્રક દ્વારા સન્માનિત ગુજરાતી કવિયત્રી અને વિવેચક હીરા રામનારાયણ પાઠક (હીરા કલ્યાણરાય મહેતા)નો જન્મ (1916)
તેઓ ૧૯૩૮થી ૧૯૭૨ સુધી એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રાધ્યાપક રહ્યા
ગુજરાતી અધ્યાપક સંઘના પ્રમુખ તેમજ થોડા વર્ષો માટે તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપ-પ્રમુખ રહ્યા હતા
તેમના લગ્ન ગુજરાતી લેખક રામનારાયણ વિ. પાઠક સાથે થયા હતા
* ભારતમાં સ્ટ્રીટ થિયેટર સાથેના તેમના કામ માટે જાણીતા સામ્યવાદી નાટ્યકાર અને દિગ્દર્શક સફદર હાશમીનો દિલ્હી ખાતે જન્મ (1954)
તે એક અભિનેતા, ગીતકાર અને સિદ્ધાંતકાર પણ હતા અને ભારતીય રાજકીય રંગભૂમિમાં એક મહત્વપૂર્ણ અવાજ માનવામાં આવે છે
* ભારતીય પુરાતત્વવિદ્, નવલકથાકાર અને સંગ્રહાલય નિષ્ણાત આર. ડી. બેનર્જી (રખાલદાસ બંદ્યોપાધ્યાય) નો પશ્ચિમ બંગાળ રાજ્યમાં જન્મ (1885)
*
* ક્રિકેટની દુનિયાને હંમેશ માટે બદલી નાખનાર ટેસ્ટમાં ભારતે ચોથા દાવમાં 4 વિકેટે 406 રનનો વિક્રમી પીછો કરીને સનસનાટીપૂર્ણ વિજય મેળવ્યો (1976)
વેસ્ટ ઇન્ડિયન સામે રમતા ચોથા દાવમાં સુનીલ ગાવસ્કરે 102, ગુંડપ્પા વિશ્વનાથએ 112, મોહિન્દર અમરનાથએ 85 અને બ્રિજેશ પટેલ 49* સાથે ભારતે બિશનસિંઘ બેદીની કપ્તાનીમાં 6 વિકેટે જીત મેળવી હતી
બ્રિજેશ પટેલ એ આખરે જુમાદીનના બોલમાં ચાર રન લઇ લેતા વિજય થયો હતો
ભારતીય પ્રભુત્વ ધરાવતા ઉત્તરીય હિલ્સની ભીડમાં લોકો તેમના હિરોને શાબાશી આપવા માટે નીચે મેદાનમાં દોડી આવ્યા હતા
સામેની ટીમના કપ્તાન કલાઈવ લોયડએ પોતાના સ્પિનરો માટે નારાજગી સાથે ગુસ્સે થતા તેમની નિંદા કરતા કહ્યું હતું કે, “જેન્ટલમેન, મેં તમને બોલિંગ કરવા માટે 400 રન આપ્યા હતા અને તમે વિપક્ષને ઓલ આઉટ કરવામાં નિષ્ફળ ગયા હતા. તમને વિકેટ મળે એ સુનિશ્ચિત કરવા મારે તમને ભવિષ્યમાં કેટલા રન આપવા પડશે?"
>>>> બાળકની જેમ વિચારવાની અને વયસ્કની જેમ વિચારવાની કોઈ નિશ્ચિત ઉંમર નથી હોતી. એવા અનેક લોકો હોય છે, જે ઉંમરમાં 50ના હોય પણ વિચારો બાળકો જેવા હોય. એવાં ઘણાં બાળકો હોય છે, જે તેમની ઉંમર કરતાં પુખ્ત વિચારો કરતાં હોય છે. બાળક જેવા હોવું અને વયસ્ક જેવા હોવું તે વચ્ચેનો ફરક કોઈ એક પરિસ્થિતિમાં કેવી રીતે પ્રતિક્રિયા આપવામાં આવે છે તેના પરથી નક્કી થાય છે. એક બાળક જ્યારે તેની આસપાસની દુનિયાને ઉંમરમાં મોટા લોકો કરતાં બહેતર રીતે સમજવાનું શરૂ કરે ત્યારે તે વયસ્ક છે તેમ કહેવાય.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)