આણંદ ટુડે | આણંદ,
લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે મતદારો તેમના વિસ્તારમાં ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોને જાણી શકે, ઓળખી શકે અને ઉમેદવાર દ્વારા સોગંદનામામાં રજુ કરવામાં આવેલ તમામ વિગતો સરળતાથી જોઈ શકે એટલું જ નહી પરંતુ તેનાથી માહિતગાર થઈ શકે તેવા શુભ આશયથી મતદારોને સક્ષમ બનાવવાના ઉદ્દેશ્યથી ભારતના ચૂંટણી પંચ દ્વારા “કેવાયસી (KYC) - તમારા ઉમેદવારને જાણો” નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.
જે અંતર્ગત આણંદ જિલ્લાના તમામ મતદારો તેમના વિસ્તારના ઉમેદવારથી માહિતગાર બની શકે તે માટે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લાના મતદારોને કેવાયસી એપ્લિકેશનના ઉપયોગ કરવા અનુરોધ કરતાં જણાવ્યું હતુ કે, આ એપ્લીકેશન દ્વારા ઉમેદવારે એફિડેવીટમાં રજૂ કરેલી તમામ વિગતો મતદારોને સરળતાથી મળી રહેશે.
ઉલ્લેખનીય છે કે, કેવાયસી (KYC) એપ્લિકેશન ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે મતદારોને યોગ્ય નિર્ણય લેવામાં સહાયક થાય છે. આ એપ્લિકેશન મતદારોને ઉમેદવારો વિશેની અગત્યની માહિતી પૂરી પાડે છે. મતદારો ઉમેદવારો વિશેની મહત્વપૂર્ણ માહિતીની ખાતરી આ એપ્લિકેશન દ્વારા સરળતાથી કરી શકે છે. આ એપ્લિકેશન મતદારોને ઉમેદવારો પાસે રહેલી મિલ્કતો અંગેની જાણકારી મેળવવામાં પણ કારગર બને છે, જેથી મતદારોને પોતાના વિસ્તારના પ્રતિનિધિઓને સમજદારીપૂર્વક પસંદ કરવામાં મદદ મળે છે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને iOS એમ બન્ને પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરી શકાય છે.
********