AnandToday
AnandToday
Monday, 11 Mar 2024 18:30 pm
AnandToday

AnandToday

આણંદ જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં કરમસદ અને તારાપુર ખાતે  અનઅધિકૃત વ્યક્તિ દ્વારા માસ કોપી કરાવતા પકડાયા

સ્થળ સંચાલક સહિત તમામ સ્ટાફ તાત્કાલિક અસરથી બદલવામાં આવ્યો - જિલ્લા શિક્ષણાધિકારી, કામિનીબેન ત્રિવેદી

આણંદ, 
આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષાઓ શરૂ થઈ ચૂકી છે, બોર્ડની પરીક્ષાના આજે બીજે દિવસે ધોરણ ૧૨ ભૂગોળ વિષયના પેપર દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદીએ કરમસદ ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ હાઇસ્કુલની અચાનક મુલાકાત લેતા બારી ખાતેથી કોઈ વ્યક્તિ બહારથી વિદ્યાર્થીને લખાવી રહ્યો હોય તેવું માલુમ પડ્યું હતું. જેથી શિક્ષણાધિકારીને વહેમ જતાં તેમણે તે વિદ્યાર્થીની નજીક જઈ બારી બહાર જોયું તો કોઈ વ્યક્તિ દોડીને બહાર જઈ રહ્યો હતો, જે તેમની નજરમાં ચડતા તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
તેવી જ રીતે તારાપુર ખાતે આવેલી સાર્વજનિક હાઇસ્કુલ ખાતે પણ  બહારથી  અનઅધિકૃત વ્યક્તિ અંદર આવીને વિદ્યાર્થીને લખાવી રહી છે તેવું સ્થળ ખાતે ઉપસ્થિત બોર્ડની સ્કોડ ઓબ્ઝર્વર  અને સરકારી પ્રતિનિધિને માલુમ પડતા કચેરીને જાણ કરેલ હતી. જેથી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદીએ તાત્કાલિક અસરથી આ બંને સ્કૂલો ખાતેથી આગામી તમામ પેપર માટે સ્થળ સંચાલક સહિત તમામ સ્ટાફ બદલી નાખવામાં આવ્યો છે અને  નોટિસ આપીને ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરને આગળની કાર્યવાહી અર્થે જાણ કરવામાં આવી છે. 

આવતીકાલથી આ બંને સેન્ટર પર સઘન પોલીસ વ્યવસ્થા વધારવા માટે પણ જાણ કરવામાં આવી છે. 
તેમણે વધુમાં જણાવ્યા મુજબ આણંદ જિલ્લાની તમામ શાળાઓ ખાતે આગામી દિવસોમાં યોજાનાર પરીક્ષામાં આ પ્રકારની ગેરરીતિ ન થાય તે જોવા પણ તેમણે ખાસ અપીલ કરી છે.
***