નવા સ્માર્ટ પ્રિ-પેઇડ વીજ મીટર લગાવવાનો કોઈ આર્થિક બોજો ગ્રાહક પર નહીં આવે : કાર્યપાલક ઇજનેર
આણંદ, સોમવાર
મધ્ય ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઇજનેરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે મધ્ય ગુજરાત વીજ કંપનીના આણંદ જિલ્લામાં સ્માર્ટ પ્રિ-પેઇડ વીજ મીટરની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે. તે અંતર્ગત આણંદ શહેરમાં સ્માર્ટ પ્રિ-પેઇડ વીજ મીટરના સર્વેની કામગીરી ટૂંક સમયમાં જ ચાલુ કરવામાં આવશે. હાલ આ પ્રોજેક્ટમાં ટ્રાન્સફોર્મર સ્થળના સર્વેની કામગીરી ચાલી રહી છે.
આ પ્રોજેક્ટ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવનાર છે. જેમણે આ અંગેની કામગીરી Intellismart નામની કંપનીને આપેલ છે. કંપનીના જે ટીમના સભ્યો ગ્રાહકના સ્થળે જઈ હયાત વીજ મીટર, મીટર બોક્ષ તથા સર્વિસ કેબલ અંગેની સર્વેની નોંધણી કરશે. તેઓને અધિકૃત સહી-સિક્કા વાળા ઓળખપત્ર આપવામાં આવેલ છે.
સર્વેની કામગીરી થયા બાદ હયાત મીટર બદલીને નવા સ્માર્ટ પ્રિ-પેઇડ મીટર લગાવવામાં આવશે. નવા સ્માર્ટ પ્રિ-પેઇડ વીજ મીટર જે ગ્રાહકને ત્યાં લગાવવામાં આવશે તે મીટર બદલવા અંગેનો કોઈ આર્થિક બોજો ગ્રાહક પર નહીં આવે. સ્માર્ટ પ્રિ-પેઇડ વીજ મીટરથી ગ્રાહકનું વીજ વપરાશનું બિલ વધતું નથી. કોઈ વધારાના ચાર્જ લાગતા નથી તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.
**