AnandToday
AnandToday
Sunday, 04 Feb 2024 18:30 pm
AnandToday

AnandToday

ચારૂસેટ કેમ્પસ ચાંગાનો 24મો સ્થાપના દિન ઉજવાયો

રિસર્ચ, પેટન્ટ તેમજ યુનિવર્સિટીના વિકાસમાં યોગદાન બદલ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ વિવિધ એવોર્ડસથી સન્માનિત  

ચારૂસેટ કેમ્પસના 24મા સ્થાપના દિન નિમિત્તે  એવોર્ડ્સ યાદી

વિશ્વનાં  ટોપ 2% સાયન્ટિસ્ટમાં સમાવેશ થવા બદલ  ચારૂસેટના 4 પ્રોફેસરને 'રિસર્ચ એચિવમેન્ટ એવોર્ડ'

 પેટન્ટ પ્રાપ્ત કરનાર ચારૂસેટના 7 પ્રોફેસરને  'પેટર્ન એપ્રીશિએશન એવોર્ડ'
 
99 રિસર્ચ પ્રોજેક્ટ્સ માટે 55 ફેકલ્ટી મેમ્બર્સને 'રિસર્ચ એપ્રીશિએશન એવોર્ડ

વિશ્વની શ્રેષ્ઠ જર્નલ્સમાં 270 રિસર્ચ પેપર પબ્લિશ કરનાર 333 ફેકલ્ટી મેમ્બર્સને 'રિસર્ચ એપ્રીશિએશન એવોર્ડ'
      
20 વર્ષથી કાર્યરત 44 સ્ટાફ મેમ્બર્સને 'ઇન્ડ્યુરિંગ કમિટમેન્ટ અવૉર્ડ'


આણંદ ટુડે | ચાંગા
શિક્ષણ, સંશોધન અને નવીનીકરણના પર્યાય સમાન ચાંગા સ્થિત  ચારૂસેટ કેમ્પસનો 24મો સ્થાપના દિન તારીખ 3 જી  ફેબ્રુઆરી, શનિવારે ચારૂસેટમાં ઉજવવામાં આવ્યો હતો. સમારંભના મુખ્ય અતિથિ પદે આણંદ સ્થિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDBB)ના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ડો મિનેશ શાહ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ચારૂસેટ અને કેળવણી મંડળના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ,  કેળવણી મંડળ, માતૃસંસ્થા, અને CHRF ના માનદ્ મંત્રી તેમજ ચારૂસેટના ફાઉન્ડિંગ પ્રોવોસ્ટ  ડો. એમ. સી. પટેલ, માતૃસંસ્થા અને CHRF ના પ્રમુખ શ્રી નગીનભાઈ પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. આર.વી. ઉપાધ્યાય, રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલ, કેળવણી મંડળના વાઈસ પ્રેસિડન્ટ શ્રી અશોક પટેલ, કેળવણી મંડળના જોઈન્ટ સેક્રેટરી શ્રી મઘુબેન પટેલ, કેળવણી મંડળના જોઈન્ટ સેક્રેટરી  શ્રી વિપુલ પટેલ, કેળવણી મંડળના ટ્રેઝરર  શ્રી ગિરીશ પટેલ, ગવર્નીંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તેમજ વિવિધ વિદ્યાશાખાઓના ડીન, કોલેજોના પ્રિન્સિપાલ, વિભાગોના વડાઓ, સ્ટાફ મેમ્બર્સ  ઉપસ્થિત રહ્યા હતા.
સમારંભની શરૂઆતમાં ચારૂસેટના રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલે  સ્વાગત પ્રવચન અને ઉપસ્થિત મહેમાનોનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ તેમણે ચારૂસેટની વિકાસગાથા અને ઉપલબ્ધીઓ વર્ણવી હતી અને જણાવ્યું કે આ વર્ષે ચારૂસેટ કેમ્પસ પોતાના સ્થાપનાની રજતજયંતી ઉજવાશે ત્યારે કેમ્પસમાંઉજવણીના ભાગરૂપે વિવિધ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે.
ચારૂસેટ યુનિવર્સિટીના IQAC કોર્ડીનેટર ડો. મયુર સુતરિયાએ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ચારૂસેટના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ મેમ્બર્સને તેઓએ યુનિવર્સિટીના વિકાસમાં આપેલા  યોગદાન બદલ એનાયત થનાર  વિવિધ ચાર  કેટેગરીનાં એવોર્ડ્સ  વિષે માહિતી આપી હતી.
એવોર્ડ એનાયત સમારંભ અંતર્ગત   પ્રથમ કેટેગરીમાં જેમનો વર્ષ 2023માં વિશ્વનાં ટોપ 2% સાયન્ટિસ્ટમાં સમાવેશ થયેલ છે એવા ચારૂસેટના પ્રોફેસર ડો. સી. કે સુમેશ, ડો. વી. પ્રકાશ, ડો. અર્પણ દેસાઈ અને ડો. પ્રતીક પાટણીયાને  સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ 'રિસર્ચ એચિવમેન્ટ એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિશ્વના ટોપ સાઈટેડ સાયન્ટિસ્ટનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવે છે. દ્વિતીય કેટેગરીમાં 'પેટર્ન એપ્રીશિએશન એવોર્ડ' હેઠળ જેમની વર્ષ 2023 માં પેટન્ટ મંજુર કરવામાં આવી છે તેવા ચારૂસેટના ઇન્વેન્ટર્સને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તૃતિય કેટેગરીમાં રિચર્સ પ્રોજેક્ટ હેઠળ  'એક્સ્ટ્રામ્યુરલ સપોર્ટ ફ્રોમ ગવર્નમેન્ટ એન્ડ નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન' હેઠળ ફંડ પ્રાપ્ત કરનાર તેમજ રિસર્ચ પેપર પબ્લિકેશન હેઠળ શ્રેષ્ઠ રિસર્ચ પેપર પ્રકાશિત  કરનાર અધ્યાપકો અને સંશોધકોને 'રિસર્ચ અપ્રીશિએશન એવોર્ડ’  થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે ચતુર્થ કેટેગરીમાં કેમ્પસમાં છેલ્લા 20 વર્ષથી કાર્યરત સ્ટાફ મેમ્બર્સને 'ઇન્ડ્યુરિંગ કમિટમેન્ટ અવૉર્ડ' થી સન્માનિત કરવામાં આવ્યા હતા. 'Know Your University' ક્વિઝ કોમ્પિટિશનના વિજેતા શ્રી કૃતેન પટેલને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
મુખ્ય અતિથિ ડો. મિનેશ શાહે ચારૂસેટની  શિક્ષણ, સંશોધન, અને સમાજઉપયોગી પ્રવૃતિઓની પ્રશંસા કરી દેશના વિકાસ માટે રૂરલ ડેવલપમેન્ટ, ડિજિટલ રિવોલ્યૂશન, અને સંશોધન પર ભાર મુકવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારત પાસે સશક્ત હ્યુમન રિસોર્સ છે જે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવશે. તેઓએ વાઈટ રિવોલ્યૂશનના પ્રણેતા શ્રી ત્રિભોવનદાસ અને ડો. વર્ગીસ કુરિયનના યોગદાનને યાદ કરી NDDB અને  AMUL ની વિકાસયાત્રા અને યોગદાનની વાત કરતાં જણાવ્યું હતું કે કોઈપણ સંસ્થાના વિકાસ માટે સબળ લીડરશીપ અને પ્રોફેશનલ મેનેજમેન્ટનો ફાળો અત્યંત મહત્વનો છે.
ચારૂસેટના પ્રમુખ શ્રી સુરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સંશોધન થકી જ કોઈ  યુનિવર્સિટી શ્રેષ્ઠ બની શકે છે. તેમણે ઉપસ્થિત સર્વેને શ્રેષ્ઠ યોગદાન આપી ચારૂસેટ યુનિવર્સિટીને સફળતાનાં શિખરે લઈ જવા આહવાન કર્યું હતું.
આભારવિધિ રિસર્ચના ડીન ડો. શૈલેષ ખાંટે કરી હતી. સમારંભનું સફળ આયોજન ફેકલ્ટી ઓફ હ્યુમનિટીઝના ડીન ડો. ભાસ્કર પંડ્યા, ફેકલ્ટી ઓફ ફાર્મસીના ડીન ડો. સમીર પટેલ અને ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સિસના ડીન ડો. ધ્રુવ દવેના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ચરોતરને શિક્ષણ ક્ષેત્રે  વૈશ્વિક નકશા પર મુકવા શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ દ્વારા ચારૂસેટ કેમ્પસની  કલ્પના કરવામાં આવી હતી. આ કલ્પનાને ખરા અર્થમાં સાકાર કરતા કેળવણી મંડળ દ્વારા વર્ષ ૨૦૦૦ ચંદુભાઈ એસ.  પટેલ ઇન્સ્ટિટ્યૂટ  ઓફ ટેક્નોલોજીની સ્થાપના કરવામાં આવી અને આજે ચારૂસેટ કેમ્પસ ફક્ત 24 વર્ષના ટૂંકા સમયગાળામાં શિક્ષણ, સંશોધન અને નવીનીકરણ થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત બન્યું છે. નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સીલ (NAAC) દ્વારા “A+” ગ્રેડ  તેમજ ગુજરાત સરકાર દ્વારા 'સેન્ટર ઓફ એક્સલન્સ' પ્રાપ્ત કરવા ઉપરાંત  નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) અને ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશનલ રેટિંગ  ફ્રેમવર્ક (GSIRF) દ્વારા જેની ગણના ગુજરાતની શ્રેષ્ઠ પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાં થાય છે તે ચારૂસેટમાં વિવિધ અભ્યાસક્રમો હેઠળ 10000 થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ચારૂસેટ રાષ્ટીય કક્ષાએ પ્રથમ હરોળની ૨૦ યુનિવર્સીટીમાં સ્થાન પામવાનું ધ્યેય ધરાવે છે. તેમજ લાંબા ગાળે ચારૂસેટ વૈશ્વિક યુનિવર્સીટી બનવાની નેમ સેવે છે.

--