AnandToday
AnandToday
Thursday, 01 Feb 2024 00:00 am
AnandToday

AnandToday

ભાઈકાકા યુનિવર્સિટી કરમસદ ખાતે  સાઈબર ક્રાઈમ જાગૃતતા કાર્યક્રમ યોજાયો 

૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો.

આણંદ ટુડે | કરમસદ
આણંદ જિલ્લાના કરમસદ ખાતે આવેલ ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદની આંતરિક ફરિયાદ સમિતિ (કામના સ્થળે જાતીય સતામણીની ફરિયાદોના નિવારણ માટે) અને ઍન.ઍસ.ઍસ. યુનિટના સંયોજનથી સાઈબર ક્રાઈમ વિશે જાગૃતતા ફેલાવવા માટે કાર્યક્રમ યોજયો હતો. જેમાં સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, આણંદના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ તા. ૨૪ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ પ્રમુખસ્વામી મૅડિકલ કૉલેજના લૅક્ચર હૉલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૨૦૦ થી વધુ યુનિવર્સિટીના વિદ્યાર્થી અને સ્ટાફે ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક વિશ્વા શાહ, સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. શ્રી એચ.ડી. પુરોહિત તથા એ.એસ.આઈ. મુસ્તકીમ મલેક તથા સાઈબર પ્રમોટર વિજય જોષી દ્વારા સાઈબર અવેરનેસ બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ સાઈબર ક્રાઈમના કેસમાં તાત્કાલિક હૅલ્પ લાઈન નં. ૧૯૩૦ ડાયલ કરી ફરિયાદ કરવા વિશે જણાવ્યું હતું.
તેઓએ વિદ્યાર્થીઓને પોતાના સોશ્યલ મિડિયાના ઍકાઉન્ટ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ વગેરેની પ્રોફાઈલ લૉક કરવા જણાવ્યું હતું તથા ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટોગ્રાફસ ન મૂકવા માટે અપીલ કરી હતી. કારણ કે, તેનો દુરુપયોગ થતો હોય છે.
આ કાર્યક્રમમાં પ્રમુખસ્વામી મૅડિકલ કૉલેજના ડીન ડૉ. હિમાંશુ પંડ્યા, આંતરિક ફરિયાદ સમિતિના ચેરમેન ડૉ. પ્રજ્ઞા નાયર, મૅમ્બર સેક્રેટરી શ્રીમતી હેતલ દવે તથા મૅમ્બર્સ શ્રી કાર્તિક પંડ્યા, શ્રી આનંદ ઉપાધ્યાય, ડૉ. દક્ષા મિશ્રા, ડૉ. મનીષા ગોહેલ, ડૉ. અર્ચના સિંહા અને શ્રીમતી દીપલ ભટ્ટ હાજર રહ્યા હતા.