AnandToday
AnandToday
Thursday, 25 Jan 2024 00:00 am
AnandToday

AnandToday

ચારૂસેટમાં રૂ. 1 કરોડના USA સ્થિત દાતા જીગરભાઈ પટેલને દાન ભાસ્કર એવોર્ડ

ચારૂસેટ હોસ્પિટલમાં ડિપાર્ટમેન્ટ ઓફ ડેન્ટલ કેરનું  નામાભિધાન અને તકતીનું અનાવરણ

આણંદ ટુડે | ચાંગા
 ચારૂસેટ કેમ્પસ માટે રૂપિયા 1 કરોડનું માતબર દાન આપનાર મૂળ પાળજના વતની અને હાલમાં USA સ્થિત વિખ્યાત હોટેલિયર અને ઉદાર દિલના દાતા જીગરભાઈ અશોક્ભાઈ પટેલને શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઉપક્રમે 25મી જાન્યુઆરીએ, ગુરૂવારે ચારૂસેટ કેમ્પસમાં  દાનભાસ્કર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચારુસેટ હોસ્પિટલમાં દાતા પરિવારના હસ્તે સ્વ. શ્રી ડાહ્યાભાઈ ફુલાભાઈ પટેલ અને સ્વ. શ્રી ઈશ્વરભાઈ ફુલાભાઈ પટેલ ડિપાર્ટમેન્ટ ઓફ ડેન્ટલ કેરનું નામાભિધાન અને દીપ પ્રાગટ્ય સાથે તકતીનું અનાવરણ  કરવામાં આવ્યું હતું.    
સમારંભના અધ્યક્ષસ્થાને કેળવણી મંડળ-ચારુસેટ ના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ,   માતૃસંસ્થા અને CHRFના પ્રમુખ શ્રી નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા–કેળવણીમંડળ–CHRFના મંત્રી ડો. એમ.સી. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ  શ્રી સી. એ.  પટેલ,  કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ,  કેળવણી મંડળના ટ્રસ્ટી અને CHRFના ઉપપ્રમુખ વીરેન્દ્રભાઈ પટેલ,  અગ્રણી દાતા મનુભાઈ પી. ડી. પટેલ,  કેળવણી મંડળના ટ્રસ્ટી વિષ્ણુભાઈ પટેલ, કેળવણી મંડળના સહમંત્રી શ્રીમતી મધુબેન પટેલ, ખજાનચી શ્રી ગીરીશભાઈ સી. પટેલ, ચારૂસેટ યુનિવર્સીટીના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, દિલીપભાઈ પટેલ,  વી. એમ. પટેલ, જશભાઈ પટેલ, ચારૂસેટ યુનિવર્સીટીના રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલ,  માતૃસંસ્થા–કેળવણી મંડળ-ચારુસેટ-CHRFના પદાધિકારીઓ,  હોદેદારો,  ચારૂસેટની વિવિધ કોલેજોના પ્રિન્સીપાલો, ડીન, વિભાગોના વડાઓ,  ફેકલ્ટી,  ચારૂસેટ હોસ્પિટલ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દાતા જીગરભાઇ પટેલના પરિવારજનો પત્ની મિત્તલબેન પટેલ, બંને પુત્રો  જૈમિત  અને હરિકૃષ્ણ, વિનોદભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, અલ્પેશભાઈ, ચંદ્રકાંતભાઈ  વગેરે ખાસ USA-UK, પાળજથી  હાજર રહ્યા હતા.  
પ્રારંભમાં કેળવણી મંડળના ટ્રસ્ટી અને CHRFના ઉપપ્રમુખ વીરેન્દ્રભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરતાં  આમંત્રિતો મહેમાનો અને મહાનુભાવોને આવકાર્યા હતા. 
ખજાનચી શ્રી ગીરીશભાઈ સી. પટેલે દાતા જીગરભાઈ પટેલ અને મહેમાનોનો પરિચય આપ્યો હતો. 
ત્યાર બાદ દાતા જીગરભાઇ પટેલ, મિત્તલબેન પટેલ  તેમજ મહેમાનોનું બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું.  
ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ પટેલે ચારુસેટની ચારેય સંસ્થાઓની સ્થાપનાથી લઈને હોસ્પીટલમાં ઉપલબ્ધ વિવિધ તબીબી સેવાઓ  વિષે વિગતવાર માહિતી આપી હતી. 
 દાનભાસ્કર એવોર્ડ વિષે ‘સમાજગોષ્ઠી’ ના તંત્રી ડો. શરદભાઈ પટેલે માહિતી આપી હતી. 
ઉલ્લેખનીય છે કે માતૃસંસ્થા, કેળવણી મંડળ અને CHRFની સહિયારી સમાજયાત્રા, સહિયારી શિક્ષણયાત્રા અને સહિયારી સ્વાસ્થ્યયાત્રામાં અત્યાર સુધીમાં 2000 થી વધુ દેશવિદેશના દાતાઓના સહયોગથી રૂ. 200 કરોડ ઉપરાંતનું ફંડ પ્રાપ્ત થયું છે. જેમાં રૂ. 1 કરોડ અને તેથી વધુ રકમનું દાન આપનારા 50 વિશિષ્ટ દાતાઓ સમાવિષ્ટ છે. જેઓને કેળવણી મંડળની પરંપરા મુજબ ‘દાનભાસ્કર’ એવોર્ડ અને સન્માનપુષ્પથી નવાજવામાં આવે  છે. આ 34મો   ‘દાનભાસ્કર’ એવોર્ડ સમારંભ છે. 
દાતા અને મૂળ પાળજના વતની જીગરભાઈ અશોકભાઈ પટેલનું જીવન એ એક એવા યુવાનની મહાકથા છે, જે અતૂટ નિશ્ચય, નોંધપાત્ર હિંમત અને પ્રખર બુદ્ધિથી જીવનના મુલ્યો પ્રત્યે ભરોસાપાત્ર પ્રતિબદ્ધતા ધરાવે છે.  તેમના પિતા શ્રી અશોકભાઈ  પટેલે   "ટોબેકો ઝોન" નામની તેમની એન્ટરપ્રાઇઝની સ્થાપનાના ત્રણ જ વર્ષમાં તેમણે તેને મિલિયન ડોલરના બિઝનેસમાં પરિવર્તિત કરી દીધું. 2008માં શ્રી અશોકભાઈ પટેલે કોલોનિયલ હાઇટ્સ, વર્જિનિયામાં ચોઇસ હોટેલ્સ બ્રાન્ડ હેઠળ "રોડવે ઇન" ની સ્થાપના કરીને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો.   2014માં તેમના સાહસોનું વિસ્તરણ કરીને તેમણે ત્રણ 7-Eleven સ્ટોર્સ હસ્તગત કર્યા, જે અમેરિકન કન્વીનિયન્સ સ્ટોર ચેઇનનો એક સેગમેન્ટ છે.   
દાનભાસ્કર એવોર્ડ અને દાતાના સન્માનપુષ્પનું વાંચન ચારૂસેટ યુનિવર્સીટીના રજીસ્ટ્રાર ડૉ. અતુલ પટેલે કર્યું હતું.  
ડો. એમ. સી. પટેલના હસ્તે  દાતા જીગરભાઈ અને મિત્તલબેનને સન્માનપુષ્પ અર્પણ કરાયું હતું અને શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. શ્રી સુરેન્દ્રભાઈ પટેલ અને શ્રી નગીનભાઈ પટેલના હસ્તે દાનભાસ્કર એવોર્ડ અર્પણ થયો હતો. 
 શ્રી નગીનભાઈ પટેલે કહ્યું કે  1895માં  સ્થપાયેલ સમાજ આજે અવિરત પ્રગતિ કરી રહ્યો છે અને ભવિષ્યમાં સંસ્થાના વિકાસમાં દાતાઓનો સદા સહકાર પ્રાપ્ત થતો રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ દાન બદલ અશોકભાઈના બનેવી જગદીશભાઈ (ચકલાસી)નો મહત્વનો ફાળો છે. 
દાતા પરિવાર તરફથી સન્માનનો પ્રતિભાવ વ્યક્ત કરતા જીગરભાઈએ જણાવ્યુ હતું કે  આ એવોર્ડ મારા પિતાને અર્પણ કરું છું જેમણે મને અન્યો માટે જીવવા અને સમાજ માટે સારા કાર્યો કરવા પ્રેરણા આપી છે. આ બધું ભગવાનની કૃપાથી થાય છે. આ દાન થકી ચારુસેટનો હિસ્સો બનતા ગૌરવ થાય છે અને વધુ અત્યાધુનિક તબીબી સેવાઓ દર્દીઓને ઉપલબ્ધ થાય તેવી આશા છે. 
વિનોદભાઈએ કહ્યું કે આજે ચારુસેટમાં મારા પિતા ઈશ્વરભાઈ અને કાકા ડાહ્યાભાઈના નામાભિધાન સાથે  ડેન્ટલ કેરની સુવિધા ઉપ્લબ્ધ થઇ છે તે આનંદની બાબત છે. જગદીશભાઈએ પ્રાસંગિક પ્રવચનમાં પરિવાર વતી સૌને અભિનંદન શુભેચ્છા આપી હતી.     
અધ્યક્ષસ્થાનેથી શ્રી સુરેન્દ્રભાઈ પટેલે કહ્યું કે  સામાન્ય રીતે એવોર્ડ 50 વર્ષથી વધુ વયના લોકોને મળે છે પણ આજે આ એવોર્ડ એક યુવાનને આપવામાં આવ્યો તેનો વિશેષ આનંદ છે. અમેરિકામાં ભણવું, ધંધો કરવો અને આ વયે સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવું મોટી વાત છે. વ્યક્તિ કોઈનું પડાવી વાપરે તે વિકૃતિ, પોતે કમાય અને વાપરે તે પ્રવૃત્તિ અને કમાઈને સમાજ માટે વાપરે તે સંસ્કૃતિ. આ સંસ્કૃતિ ટકાવવાનું જીગરભાઈએ આત્મસાત કર્યું છે. ચારુસેટની પ્રગતિમાં દાતાઓનું માતબર પ્રદાન છે. 
કેળવણી મંડળના સહમંત્રી શ્રીમતી મધુબેન પટેલે આભારવિધિ કરી હતી. સમારંભનું સંચાલન આસિસ્ટન્ટ પ્રોફેસર જયશ્રી મહેતા અને ડો. વિકાસ રાવલે કર્યું હતું.