આણંદ ટુડે |આણંદ
આણંદ શહેર પાસેના વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટી દ્રારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે સંપર્ક જાળવી રાખવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે તારીખ ૨૧-૧-૨૦૨૪ના રોજ સવારે ૧૦ કલાકથી ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન "સંધાન" યોજવામાં આવ્યું હતું. જેમાં ૨૪૦૦ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે જાણીતા લેખક જય વસાવડા ઉપસ્થિત રહી વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના કા. કુલપતિ નિરંજન પટેલ, કુલસચિવ ભાઈલાલભાઈ પટેલ, વિશ્વ ઉમિયાધામ અમદવાદના પ્રમુખ આર. પી. પટેલ, આણંદના સાંસદ મીતેશ પટેલ, spu Alumni USAના ચેરમેન સી. ઝેડ. પટેલ, સંધાનના કન્વીનર મીતેશ જયસ્વાલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સરદાર પટેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી જે વિદ્યાર્થીઓએ વિવિધ ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાન મેળવ્યું છે તેવા વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણશાસ્ત્રી ડો.મહેશ યાજ્ઞિક, શિક્ષણશાસ્ત્રી ડૉ. મહેશ પાઠક, કોર્પોરેટ ક્ષેત્રે કાર્યરત પંકજ કોકટે, ડિફેન્સમાં સેવા આપનાર કેપ્ટન મીરા દવેનું સંન્માન કરવામાં આવ્યું હતું.
કા. કુલપતિ નિરંજન પટેલે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીનો આધાર છે. યુનિવર્સિટીના સફળ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજના વિદ્યાર્થીઓ માટે આદર્શ અને પ્રેરણારૂપ હોય છે. માનનીય પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૦૪૭ સુધીના વિકસિત ભારતના વિઝનને પૂર્ણ કરવા આજના યુવાનો રોડમોડેલ સાબિત થશે.
કુલસચિવ ડૉ. ભાઈલાલભાઈ પેટેલે યુનિવર્સિટીની સ્થાપનાથી લઈ આજ દિન સુધીમાં કરેલ વિકાસયાત્રાની વાત કરી હતી, જેમાં વિવિધ વિભાગોમાં મળતી સુવિધાઓ, યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવેલા વિવિધ કાર્યો વિશે માહિતી આપી હતી.
સાંસદ મીતેશ પટેલે જણાવ્યું હતું કે સરદાર પટેલ અને પૂજ્ય ભાઈકાકા દ્વારા જ્યારથી આ યુનિવર્સિટીની સ્થાપના થઈ છે ત્યારથી લઈ આજ દિન સુધીમાં ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી દુનિયાના અલગ અલગ ખૂણે સ્થાઈ થયાં છે, જે આજે માર્ગદર્શનનું કાર્ય કરી રહ્યા છે. આજે નવું ભારત બની રહ્યું છે તેમાં યુવાનો પોતાની શક્તિઓનો ઉપયોગ કરે અને વડાપ્રધાનના સ્વપ્નને પૂર્ણ કરવામાં મદદ કરે.
વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર. પી. પટેલે જણાવ્યું હતું કે આ સંમેલન એ જૂના સંબધોને વગોળવાનો અવસર મળ્યો છે. આજે વિશ્વમાં ગુજરાત અને સરદાર સાહેબને એક આગવું સ્થાન મળ્યું છે. આઝાદી વખતે સરદાર અને ગાંધીજીની ચેતનાથી યુવાનો આઝાદીની લડતમાં જોડાયા હતા અને આજે એ કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ કરી રહ્યા છે. જો આપણે સરદારના વિચારોને જીવનમાં ઉતારીએ તો બીજું કશું કરવાં જરૂર નથી અને આજે સરદારના એક નામ માત્રથી આખું વિશ્વ એકઠું થઈ શકે છે. આજે ઉમિયાધામે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાનું કાર્ય શરૂ કર્યું છે. વિશેષમાં જણાવતાં કહ્યું હતું કે આપની શક્તિ પ્રમાણે દાન આપતા રહો, એ દાન બુદ્ધીથી, શ્રમથી, ધનથી. શબ્દોથી અને કોઈને નડતર રૂપ ન થઈને પણ આપી શકાય છે.
SPU Alumni USAના ચેરમેન સી. ઝેડ. પટેલે અમેરિકામાંમાં યોજાતા ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનની માહિતી આપી હતી.
જય વસાવડાએ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે, માણસનું વ્યક્તિત્વ ડિગ્રીઓથી નહીં તેના વર્તનથી ખબર પડે છે. આજે આપણે જેટલો સમય સ્માર્ટ ફોનની સ્ક્રીનને ટચ કરીએ છીએ એટલો સમય સ્વજનોની સ્કીનને ટચ કરતાં નથી. આપણે જુદા જુદા સ્થળોએ જઈ જે રીતે વર્તન કરશું એજ રીતે લોકો ભારતને જોશે. રામ કથાઓના દ્રષ્ટાંતો આપી કહ્યું હતુ કે ખોટાનો જવાબ પણ સત્યથી આપવાનો છે. આપણે એકબીજા સાથે હળીમળી રહેવા માટે આપણે અહમ ઓગાળવો પડશે અને શિવમ પ્રગટાવો પડશે. આપણને જે ગમે છે એ બીજા સાથે કરો અને ન ગમે એ ના કરો એજ ધર્મ છે. દરેક યુનિવર્સિટીનોનું કાર્ય યોગ્ય વ્યક્તિની યોગ્ય પ્રતિભાને સંન્માન કરવાનું છે. આપણા દેશમાં ટેલેન્ટની કોઈ કમી નથી પરંતુ તકની કમી છે. અંતમાં તેઓએ કહ્યું હતું કે જે લોકોએ પોતાનું કન્ફર્ટ ઝોન છોડ્યું છે તેઓના જ ગુણ ગવાયાં છે. જીવન અલગ અલગ રંગો લઈને આવશે એને આપણે માણી લેવાનો છે.