આણંદ ટુડે | આણંદ,
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ને ધ્યાને લઇ ભારતના ચૂંટણી પંચની સૂચનાને ધ્યાને લઈ મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્ય અને આણંદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાના મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે મતદાન જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો જિલ્લાભરમાં યોજવામાં આવી રહ્યા છે.
જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીએ એલ.ઈ.ડી. થી સજ્જ ઇ.વી.એમ. મોબાઇલ નિદર્શન વાનને કલેકટર કચેરી ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા જ્યારે ચૂંટણી યોજવામાં આવે છે, ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઇ.વી.એમ. નિદર્શનની કામગીરી કરવામાં આવે છે. જેના ભાગરૂપે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન યોજાયેલ ચૂંટણીમાં જે વિસ્તારમાં ઓછું મતદાન થયું હોય તેવા વિસ્તારમાં ઈ.વી.એમ. મોબાઇલ નિદર્શન વાન દ્વારા મતદાન અર્થે જાગૃતિ ફેલાવવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એલ.ઈ.ડી. થી સજજ આ ઈ.વી.એમ. મોબાઈલ નિદર્શન વાનમાં ઈ.વી.એમ.નું લાઈવ ડેમોસ્ટ્રેશન તથા ઓડિયો-વિઝ્યુઅલના માધ્યમથી લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવશે.
નોંધનીય છે કે, આ મોબાઈલ નિદર્શન વાન દ્વારા લોકોને ઈ.વી.એમ. અને વી.વી.પેટ શું છે તેની જાણકારી પૂરી પાડવાની સાથે ઈ.વી.એમ. મશીનથી મત આપવા તથા મત યોગ્ય ઉમેદવારને મળેલ છે કે કેમ ? તે અંગે વિડીયોના માધ્યમથી સમજાવવામાં આવશે.
*******