સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ‘શ્રી રામોત્સવ’ અંતર્ગત પ્રભુ શ્રી રામના જીવન પ્રસંગો આધારિત પોસ્ટર મેકિંગ સ્પર્ધા
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં, અયોધ્યા ખાતે, નવનિર્મિત ભગવાન શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહના ઉપલક્ષ્યમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં પ્રભુ શ્રી રામના જીવન પ્રસંગોની રંગોળી, પોસ્ટરમેકીંગ, રામચરિત માનસગ્રંથની ચોપાઈગાન, કવિ સંમેલન, શ્રીરામ રથયાત્રા, શ્રી રામના જીવનના પ્રસંગોનું નાટ્યીકરણ વગેરે કાર્યક્રમો આગામી દિવસોમાં યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય યુનિવર્સિટીના સમગ્ર વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી પરિવાર આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બને તેમ જ શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે ભાવાવરણ રચાય તેવો છે. આ કાર્યક્રમો અંતર્ગત તા. ૧૯.૧.૨૦૨૪, શુક્રવારના રોજ જ્ઞાનોદય ના પ્રાંગણમાં શ્રી રામના જીવન પ્રસંગો આધારિત ભવ્ય પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આરંભે, સરદાર પટેલ યુનિવર્સિટીના કા.કુલપતિ શ્રી પ્રો. નિરંજનભાઈ પટેલ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ ઐતિહાસિક પ્રસંગે સૌને આવકારી પ્રસંગોચિત ઉદ્બોધનમાં સૌને ઉત્સાહપૂર્વક સમગ્ર કાર્યક્રમમાં સહભાગી થવા આવાહન કર્યું હતું. તેમજ, આ કાર્યક્રમોનો મૂળ ઉદ્દેશ જેમાં સઁસ્કાર અને સઁસ્કૃતિ નું સમન્વય કરી ને આજના યુવાનો ને આપણા મૂળ સુધી પહોંચવાની જરૂર છે એ સમજાવ્યું હતું. અતિથિ વિશેષ તરીકે શ્રી હરેશભાઈ શાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઉજવાય રહેલા શ્રી રામોત્સવ પ્રસંગની સરાહના કરી હતી અને દરેક ની અંદર રહેલા રામ ની પ્રતીતિ કરાવી હતી તેમજ આ દિવસ એ આપણા વડલાઓના બલિદાન નું પરિણામ છે એની યાદ અપાવી હતી. આજ ના યુવાઓ ને આપણી સગવડ એ કોઈ ની અગવડ ના બનવી જોઈ એ નું સૂત્ર આપ્યું હતું તથા સ્પર્ધકોને બિરદાવી, પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી રામના જીવન પ્રસંગો આધારિત ભવ્ય પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં સરદાર પટેલ યુનિવર્સિટીના વિભાગો અને સંલગ્ન કોલેજોના 36 વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. જેમાં શ્રી રામ ના જીવનના વિવિધ પ્રસઁગો જેવા કે સ્વંયવર, ભરત મિલાપ, શબરી મિલાપ, રામસેતુ, રાવણ દહન, રાજ્યાભિષેક વગેરે ને આવરી લીધા હતા. જે સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શ્રી ઉદીતભાઈ ભટ્ટ તથા શ્રી નિધિ બેન ભટ્ટ એ સેવા બજાવી હતી. વિજેતા સ્પર્ધકોને પુરસ્કાર તથા સર્વે પ્રતિભાગીને વાલ્મીકિ રામાયણ પુસ્તક અને પ્રમાણપત્રથી તા. 22/01/2024 ના રોજ મહાઆરતીના પ્રસંગે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સ્પર્ધાના સંયોજક તરીકે રસાયણ શાસ્ત્ર વિભાગના અધ્યાપિકા ડૉ.કોમલ વ્યાસ , મટીરીયલ સાયન્સ વિભાગના અધ્યાપક ડૉ જીગ્નેશ વાળંદ તેમ જ કોમ્પ્યુટર વિભાગના અધ્યાપક ડૉ. પ્રશાંત પિત્તલ્યા જહેમત ઉઠાવી હતી. સમગ્ર રામોત્સવ કાર્યક્રમના સંયોજક તરીકે ડૉ.ઋતા પરમાર અને ડૉ. નીપા ભરૂચા સક્રિય સહયોગ કરી રહ્યા છે.