AnandToday
AnandToday
Tuesday, 16 Jan 2024 18:30 pm
AnandToday

AnandToday

સ્વચ્છતા ત્યાં પ્રભુતા

આણંદ જિલ્લાના તીર્થ સ્થળો અને ધર્મસ્થાનોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

સ્વચ્છતા અભિયાન અંતર્ગત આણંદ શહેરના જાગનાથ મંદિરની સફાઈ કરવામાં આવી

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના મહાનુભાવો સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા

આણંદ, બુધવાર
દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાફ સફાઈ હાથ ધરી ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને પવિત્ર બનાવવા જન આંદોલન હાથ ધરવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનને સમગ્ર દેશે સહર્ષ વધાવી લીધું છે. જેના પરિણામે સમગ્ર દેશમાં તા.૧૪-૦૧-૨૦૨૪ એટલેકે મકરસંક્રાતીના પર્વથી ધર્મસ્થાનકોની સ્વચ્છતાનું કાર્ય હાથ ધરાયું છે, જે આગામી તા.૨૨-૦૧-૨૦૨૪ સુધી ચાલશે.

દેશભરની સાથે આણંદ જિલ્લામાં પણ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ ધર્મસ્થાનો ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપના, ચીફ ઓફિસરશ્રી એસ.કે.ગરવાલ સહિતના મહાનુભાવો દ્વારા આણંદ શહેરના જાગનાથ મંદિરની સફાઈ કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ જાગનાથ ગુરુકુલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિએ સ્વચ્છતાને તેના જીવનની ટેવ બનાવવી જોઈએ. બાળકો નાનપણથી જ સ્વચ્છાગ્રહી બને તે ખૂબ જ જરૂરી છે. તેમણે ગોપાલપુરા પ્રાથમિક શાળાના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ મોડલની કામગીરી ખૂબ જ સરાહનીય છે તેમ જણાવી જિલ્લાની તમામ શાળાઓને આ મોડલ અપનાવવા અપીલ કરી હતી.આ તકે જિલ્લા કલેકટરશ્રીએ વિદ્યાર્થીઓને સ્વચ્છતાનું મહત્વ સમજાવીને પોતાના ઘર અને શાળાને સ્વચ્છ રાખવા જણાવ્યું હતું.

નોંધનીય છે કે, આણંદ જિલ્લામાં આવેલ વિવિધ મહત્વના અને નાના મોટા તીર્થ સ્થળો / ધર્મસ્થાનો તથા તેના પરિસર અને પરિસરને જોડતા મુખ્ય રસ્તાઓ તેમજ દર્શનાર્થીઓની અવર-જવર રહેતી હોય તેવી તમામ જગ્યાઓ અને ધાર્મિક સ્થળોએ સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. આ ઉપરાંત જિલ્લાના યાત્રાધામો અને ધાર્મિક સ્થળો પર થતા કચરાનો યોગ્ય જગ્યાએ સુવ્યવસ્થિત રીતે નિકાલ થાય તે મુજબ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. 
*****