AnandToday
AnandToday
Tuesday, 16 Jan 2024 00:00 am
AnandToday

AnandToday

કરમસદ ખાતે અત્યઆધુનિક જયા રિહેબિલીટેશન સેન્ટર અને રીસર્ચ ઈન્સ્ટિયૂટની સ્થાપના કરાશે

ચારૂતર આરોગ્ય મંડળ, કરમસદે જયા ફાઉન્ડેશન મુંબઈ સાથે જયા રિહેબિલીટેશન સેન્ટર અને રીસર્ચ ઈન્સ્ટિયૂટની સ્થાપના કરવા માટે એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા

જયા ફાઉન્ડેશન આ આધુનિક સૅન્ટર શરૂ કરવા માટે પ્રથમ તબક્કામાં ૧૫ કરોડનું માતબર દાન પૂરુ પાડશે.

આ સેન્ટરની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ સ્ટ્રોક, કરોડરજ્જુની ઈજાઓ, મગજનો લકવો, હાઈપર ઍક્ટિવ ડિસઓર્ડર વગેરેના દર્દીઓની વિકલાંગતા ઘટાડવા માટે સારવાર પૂરી પાડવાનો છે.

આણંદ
ચારૂતર આરોગ્ય મંડળના ચૅરમેન શ્રી અતુલભાઈ પટેલ, ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. ઉત્પલા ખારોડ અને જયા ફાઉન્ડેશનના ચેરમેનશ્રી અરવિંદભાઈ શાહે “જયા રિહેબિલિટેશન સેન્ટર અને રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ'ની સ્થાપના કરવા માટે  ૧૬ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા હતા.
આ પ્રસંગે ચારૂતર આરોગ્ય મંડળના માનદમંત્રીશ્રી જાગૃત ભટ્ટ, ભાઈકાકા યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉ. હરિશ દેસાઈ, ભાઈકાકા યુનિવર્સિટી સંચાલિત યુનિવર્સિટીના પ્રિન્સિપાલ, શ્રી કૃષ્ણ હૉસ્પિટલ કરમસદના મૅડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. જીતેશ દેસાઈ, આણંદ ભાજપના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, પેટલાદ તાલુકાના ધારાસભ્ય શ્રી રાજેશ પટેલ, ખંભાતના ભૂતપૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના દંડક શ્રી રમણભાઈ સોલંકી, જીલ્લા પુરવઠા અધિકારી શિવાનીબેન શાહ, જયા ફાઉન્ડેશનના શ્રીમતિ જયાબેન શાહ, શ્રી મુકેશભાઈ જોષી, શ્રી રિકેશ પટેલ, શ્રી અજય પટેલ, તથા અન્ય કુટુંબના સભ્યો, ભાઈકાકા યુનિવર્સિટીના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં મંડળના માનદ મંત્રીશ્રી જાગૃત ભટ્ટે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સર્વ મહાનુભાવોનો આભાર માની સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે શ્રી અતુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, જયા ફાઉન્ડેશન આ આધુનિક સૅન્ટર શરૂ કરવા માટે પ્રથમ તબક્કામાં ૧૫ કરોડનું માતબર દાન પૂરું પાડશે. જેના માટે અમે શ્રી અરવિંદભાઈ અને જયાબેનના ખૂબ જ આભારી છીએ. આ આધુનિક સૅન્ટર (જયા રિહેબિલિટેશન સેન્ટર અને રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ)નો લાભ ફક્ત ગુજરાતના જ નહીં પણ પાડોશી રાજ્યોના દર્દીઓ મેળવી શકશે.
શ્રી અરવિંદભાઈએ જણાવ્યું કે, હું અને મારી પત્ની જયા છેલ્લા ૫૦ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છીએ. અને અમે માનવસેવા કરવા માટે કટિબદ્ધ હતા જેથી વર્ષ ૨૦૦૫માં અમે બિદડા ખાતે સૌપ્રથમ રિહેબિલિટેશન શરૂ કર્યું. આ સેન્ટરને સુંદર કામગીરી માટે વર્ષ ૨૦૧૧માં રાષ્ટ્રપતિ ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. ત્યારબાદ અમે પાલીતાણા ખાતે વર્ષ ૨૦૧૮માં રિહેબિલિટેશન સેન્ટર શરૂ કર્યું છે. જેમાં ૧૦૦૦થી વધુ જૈન સાધુ સાધ્વીઓ લાભ લઈ રહ્યા છે. મધ્ય ગુજરાતમાં અમે કરમસદમાં રિહેબિલિટેશન સેન્ટર શરૂ કરવાનું નક્કી કર્યું જેથી આજરોજ સેન્ટર શરૂ કરવા માટે એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ભાઈકાકા યુનિવર્સિટી સાથે સ્ટુડન્ટ ઍક્સચેન્જ પ્રોગ્રામ પણ શરૂ કરવા માટે ઇચ્છા ધરાવીએ છીએ.
જયા ફાઉન્ડેશનના શ્રી મુકેશભાઈએ જણાવ્યું કે, આ રિહેબિલિટેશન સેન્ટર દરેક વ્યક્તિને ઉપયોગી પૂરવાર થશે. આ સેન્ટરમાં રોબોટિક એ.આઈ. ટૅકનોલૉજી પણ વિકસાવવામાં આવશે.
ભાઈકાકા યુનિવર્સિટી સંચાલિત કે. ઍમ. પટેલ ઈન્સ્ટિટ્યુટ ઑફ ફીઝિયોથેરાપી કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. આર. હરિહરાએ જણાવ્યું કે, આ સેન્ટરની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ સ્ટ્રોક, કરોડરજ્જુની ઈજાઓ, મગજનો લકવો, હાઈપર ઍક્ટિવ ડિસઓર્ડર વગેરેના દર્દીઓની વિકલાંગતા ઘટાડવા માટે સારવાર પૂરી પાડવાનો છે. સાથે સાથે વિકલાંગતા ધરાવતા દર્દીઓ સ્વતંત્ર રીતે પોતાની રોજીંદી જીંદગી જીવી શકે તે માટે તેમને શિક્ષણ પૂરી પાડવું તથા વિવિધ મનોરંજન પ્રવૃત્તિમાં ભાગ લેવડાવવો વગેરેનો સમાવેશ થાય છે. આ અત્યાધુનિક સૅન્ટરમાં એક જ છત નીચે ફીઝિયોથેરાપી, ઑક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, ઑર્થોટિક અને પ્રોસ્થેટિક ઉપકરણો વગેરે સહિત વાજબી દરે પુનઃવસનની વિસ્તૃત સંભાળ પૂરી પાડવામાં આવશે.
કાર્યક્રમના અંતે ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. ઉત્પલા ખારોડે હાજર રહેલ તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.