આણંદ, સોમવાર -
દર વર્ષની જેમ આ વખતે પણ ઉતરાયણના પર્વ નિમિતે ઘાયલ પક્ષીઓની સારવાર માટે તા.૧૦ થી તા. ૨૦ જાન્યુઆરી સુધી રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આણંદ શહેર જિલ્લામાં ઉતરાયણ નિમિત્તે ઘણા અબોલ પક્ષીઓ પતંગ-દોરીથી ઘાયલ થાય છે. જેને ધ્યાને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાજિક વનીકરણ વિભાગ, પશુપાલન વિભાગ અને ૧૯૬૨ એમ્બ્યુલન્સ વાન અને ફરતા પશુ દવાખાના દ્વારા કરુણા અભિયાન હેઠળ ઘાયલ પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી હતી. આ અભિયાન હેઠળ આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અબોલ પક્ષીઓના જીવ બચાવવા માટે પશુ પાલન, વન વિભાગ દ્વારા અલગ અલગ સ્થળે ૧૨ સારવાર કેન્દ્રો અને ૩૭ જેટલા રેસ્ક્યું કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા હતા.
પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલે પક્ષીઓની સારવાર કરી રહેલ ડોક્ટરોની ટીમની પેટલાદ પશુ દવાખાના ખાતે રૂબરૂ મુલાકાત લઈ તેમની આ કામગીરીને બિરદાવી હતી.
તા. ૧૦ મી જાન્યુઆરીથી શરૂ થયેલ કરુણા અભિયાન દરમિયાન ઉતરાયણના દિવસે આણંદ જિલ્લામાં કુલ ૧૧૩ પક્ષીઓની સારવાર કરી નવજીવન આપવામાં આવ્યું હોવાનું નાયબ પશુપાલન નિયામક ડો. એસ.બી. ઉપાધ્યાએ જણાવ્યું છે. ડોક્ટર ઉપાધ્યાય એ વધુમાં ઉમેર્યું હતું કે ગત વર્ષે ૨૨૬ પક્ષીઓ ઘાયલ થયા હતા, જ્યારે આ વર્ષે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી અપીલ આણંદ જિલ્લાના નગરજનોએ સ્વીકારી લીધી હોય તેમ ગત વર્ષની સરખામણીમાં ૫૦ % ઓછા પક્ષીઓ ઘાયલ થયા હતા.
ઉતરાયણના પર્વ દરમિયાન એમ્બ્યુલન્સ વાન સાથે વેટરનરી ડોક્ટરની ટીમ પણ ખડે પગે રહી જિલ્લાના સારવાર કેન્દ્રોમાં કબૂતર ૭૫, સમડી ૦૫, પોપટ ૦૪, કબુત બગલો ૦૨, બ્લેક આઇબીસ ૦૫, ટિટોડી ૦૨, ઘુવડ ૦૧, ગીઘ ૦૧, બતક ૦૨, મોર ૦૧, બગલો ૦૧, ગાજ હંસ ૦૧, ચકલી ૦૧, ચીબરી ૦૧, કાકણસાર ૦૭, પીડી ચાંચ ઢોક ૦૧, નકટો ૦૨ અને અન્ય ૦૧ ઘાયલ પક્ષીઓ સહિત કુલ ૧૧૩ પક્ષીઓની નિષ્ણાત ડોક્ટર દ્વારા નિઃશુલ્ક સારવાર કરી અબોલ પક્ષીઓનો અમૂલ્ય જીવ બચવામાં આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
*****