AnandToday
AnandToday
Saturday, 13 Jan 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 14 જાન્યુઆરી : 14 January 
તારીખ તવારીખ : વિજય ઠક્કર 
(આણંદ)

આ વર્ષે મકરસંક્રાંતિનો પર્વ આજે 14 જાન્યુઆરીએ નહિ ,આવતીકાલ 15મીએ ઉજવાશે

સામાન્ય રીતે દર મકર સંક્રાંતિનું પર્વ 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. પરંતુ કેટલાક વર્ષોમાં સૂર્ય મકર રાશિમાં 15 જાન્યુઆરીમાં પ્રવેશ કરવાથી આ વખતે મકરસંક્રાંતિને લઈને લોકોના મનમાં મૂંઝવણ છે કે આ વર્ષે આ તહેવાર 14 જાન્યુઆરી કે 15 જાન્યુઆરીએ ઉજવવો? ચાલો જાણીએ કે વર્ષ 2024માં મકરસંક્રાંતિ ક્યારે ઉજવવાની છે. જ્યોતિષ અને પંચાંગ અનુસાર હિંદુ કેલેન્ડર મુજબ ગ્રહોના રાજા સૂર્ય 15 જાન્યુઆરીએ મધ્યરાત્રિના 2.45 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં મકરસંક્રાંતિનો તહેવાર 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે.15 જાન્યુઆરીએ પુણ્યકાળ સવારે 7:15 થી સાંજના 5:44 સુધીનો રહેશે. આ સાથે, મહા પુણ્યકાલ સવારે 07.15 થી 09 વાગ્યા સુધી છે. આ સાથે મકરસંક્રાંતિનું મુહૂર્ત બપોરે 02.55 વાગ્યા સુધી છે.
મકરસંક્રાંતિ, ભારતના સૌથી પ્રાચીન તહેવારોમાંનો એક છે. સૂર્યદેવને સમર્પિત, ઉત્તરાયણ વસંતના આગમનને ચિહ્નિત કરે છે. ઉત્તરાયણ કે મકરસંક્રાતિ એટલે પતંગોત્સવ સાથે બીજું ઘણું બધું... કદાચ આ એક જ એવો તહેવાર છે જે હિન્દુ ધર્મમાં અંગ્રેજી મહિનાની નિશ્વિત તારીખ પ્રમાણે મનાવાય છે. ઉત્તરાયણનાં દિવસે પતંગ ચગાવાનો મહિમા છે ને ઊંધિયું - જલેબીની જ્યાફત માણવા સાથે હવે ફટાકડા ફોડવાનો પણ આ ઉત્સવ બની ગયો છે. ઉત્તરાયણ એ એક ખગોળીય ઘટના છે. વર્તમાન સમયમાં ભારતમાં જ નહિ દેશવિદેશમાં બધે જ આ ઉત્સવ પતંગ સાથે જોડાઈ ગયો છે. આ સમયે સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધન રાશીમાંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે. આ દિવસે કમૂર્તા સમાપ્ત થઈ જતા હોય છે.

* ભારતના પહેલા સફળ ફોર્મ્યુલા વન રેસના ડ્રાઈવર નારાયણન કાર્તિકેયનો કોઈમ્બતુર ખાતે જન્મ (1977)

* બોલિવૂડના ગીતકાર - લેખક અને ઉર્દૂ સાહિત્યકાર કૈફી આઝમીનો આઝમગઢ ખાતે જન્મ (1919)

* ગુજરાતી હાસ્ય લેખક વિનોદ ભટ્ટનો જન્મ (1938)

* ચિત્રકાર નટુભાઈ પરીખનો ખેડા (હવે આણંદ) જિલ્લાના બાંધણી ગામમાં જન્મ (1931)
દરેક દરિયા કિનારાના લેન્ડસ્કેપ પેઇન્ટિંગ કરવાનો તેમને અનોખો શોખ હતો 
પીજની શાળામાં કલાશિક્ષકની નોકરી કરી અને કલાનાં વધુ અભ્યાસ બાદ અમદાવાદમાં સી.એન. કલામહાવિદ્યાલયમાં કલાનાં વિવેચનનાં અધ્યાપક તરીકે જોડાયાં હતાં
તેમણે ‘કલાસંસ્કાર’, ‘કલાસર્જન’ અને ‘કલાવૃત્ત’ જેવાં કલાનાં પરિચયલક્ષી પુસ્તકો કલાજગતને આપ્યાં છે

* ભારતીય સાહિત્ય જગતમાં માનવીય જીવનમાં શોષણ અને સંઘર્ષનું અસરકારક આલેખન કરનારાં અને ‘સાહિત્ય અકાદમી ઍવોર્ડ’, ‘પદ્મ શ્રી’, ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’, રેમન મેગ્સેસે ઍવોર્ડ તથા ‘પદ્મ વિભૂષણ’ પુરસ્કારથી સન્માનિત બંગાળી ભાષાનાં સુપ્રસિદ્ધ સાહિત્યકાર મહાશ્વેતાદેવીનો ઢાકા શહેરમાં જન્મ (1926)

* ​રાષ્ટ્રપતિ દ્વારા ગણેશ શંકર વિદ્યાર્થી પુરસ્કાર અને રામનાથ ગોયન્કા એવોર્ડથી સન્માનિત એનડીટીવી હિન્દી ન્યૂઝ ટીવી ચેનલના ઉત્તર પ્રદેશના પત્રકાર કમાલ ખાનનું લખનઉ ખાતે અવસાન (2022)

* ગુજરાત સરકારે 10% EWS આરક્ષણને અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો (2019)

* પદ્મ ભૂષણથી સન્માનિત અમેરિકાના બેંકર (સીટી બેંક) વિક્રમ પંડિતનો નાગપુર ખાતે જન્મ (1957)

* ગુજરાતી કવિ, વિવેચક અને ભાષાશાસ્ત્રી નરસિંહરાવ દિવેટિયાનું મુંબઈ ખાતે અવસાન (1937)

* જીવવિજ્ઞાની, લેખક, માનવતાવાદી, દાર્શનિક અને ફિઝિશિયન આલ્બર્ટ શ્વાઈત્ઝરનો એલ્સાસમાં કૈઝર્સબર્ગમાં જન્મ (1875)

* મુઘલ બાદશાહ અકબરનાં નવ રત્નો પૈકીનાં એક અબુલ ફઝલનો આગ્રામાં જન્મ (1551)

* ગુજરાતનાં સાંસ્કૃતિક ઇતિહાસકાર ડૉ. પ્રિયબાળાબેન જીવણલાલ શાહનું અવસાન (2011)

* બોલિવૂડ ફિલ્મોના અભિનેત્રી દુર્ગા ખોટે (1905) અને સીમા બિસ્વાસ (1965)નો જન્મ

* ભારતમાં ડોમેસ્ટીક ક્રિકેટ રમનાર ડી. બી. દેવધરનો પુના ખાતે જન્મ (1892)

* ધર્મેન્દ્ર, હેમા માલિની, અશોક કુમાર, અસરાની, પ્રેમ ચોપરા, લલિતા પવાર, દીના પાઠક, પિંચુ કપૂર અભિનિત ફિલ્મ 'ડ્રીમગર્લ' રિલીઝ થઈ (1977)
ડિરેક્શન : પ્રમોદ ચક્રવર્તી
સંગીત : લક્ષ્મીકાંત પ્યારેલાલ

*****************