આણંદ ટુડે I આણંદ,
કમિશનર મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર હસ્તક આણંદ ખાતેની મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો - બેટી પઢાવો યોજના અમલમાં છે.
આ યોજના અંતર્ગત તા. ૧ લી જાન્યુઆરી-૨૦૨૪ થી તા. ૧૩ - જાન્યુઆરી સુધી આણંદ ખાતેની જનરલ હોસ્પિટલ અને જિલ્લાની સરકારી હોસ્પિટલ ખાતે દીકરીનો જન્મ થયો હોય તેવી દીકરીઓને વધામણા કીટ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
૫૦ જેટલી માતાઓને જનરલ હોસ્પિટલ, આણંદ ખાતે સંસદ સભ્યશ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ અને આણંદના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વધામણા કીટ વિતરણ કરવામાં આવ્યા હતા.
સંસદ સભ્ય શ્રી મિતેષભાઇ પટેલે જણાવ્યું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા દિકરી જન્મને પ્રોત્સાહન આપવા માટે આ યોજના બનાવવામાં આવી છે જે અંતર્ગત દીકરી જન્મને સન્માન સાથે આવકારવા માટે દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવી રહયું છે. તેમણે વધુમાં જણાવ્યું કે દીકરી જન્મી હોય તેવી માતાઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું છે કે અમે દીકરીઓને ખૂબ સારી રીતે ભણાવીશું જે આનંદ અને ગૌરવ ની વાત છે.
આણંદના સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ ,ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે દીકરી જન્મી હોય તેવા પરિવારને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, મામલતદાર શ્રી વાળા, સિવિલ સર્જન શ્રી ડોક્ટર અમર પંડ્યા, મહિલા અને બાળ અધિકારી ફરજાનાબાનુ એન.ખાન, તથા મહિલા મોરચા ભાજપ આણંદ આઈ.ટી સેલના ઇન્ચાર્જ યાસુબેન વાઘેલા તેમજ અન્ય અધિકારી/ કર્મચારીઓ અને ડોક્ટર્સ હાજર રહ્યા હતા.
****