AnandToday
AnandToday
Wednesday, 10 Jan 2024 18:30 pm
AnandToday

AnandToday

આણંદ જિલ્લામાં ખેલ મહાકુંભ ૨.૦ નો શુભારંભ

તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાની ૨૪ સ્પર્ધાઓનું આયોજન

આણંદ ટુડે I આણંદ
 રાજ્યના બાળકો અને યુવાઓને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહન આપવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સ્તરે ખેલ મહાકુંભ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં શાળા અને ગ્રામ્યકક્ષાએથી તાલુકા, જિલ્લા, ઝોન તેમજ રાજ્યકક્ષાની સ્પર્ધાઓ યોજવામાં આવે છે. ખેલ મહાકુંભ ૨.૦ ની સ્પર્ધાઓમાં ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઇ પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપી રહ્યા છે.

           રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અંતર્ગત આણંદ જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી દ્વારા આણંદ જિલ્લામાં ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓનો યોજાઈ રહી છે. જ્યારે આગામી તા.૨૦ જાન્યુઆરી ૨૦૨૪ થી જિલ્લાકક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાનાર છે. જે માટેનું કાર્યક્રમ https://khelmahakumbh.gujarat.gov.in/calendar  લીંક ઓપન કરી જોઈ શકાશે. જિલ્લામાં અન્ડર-૯, અન્ડર-૧૧, અન્ડર-૧૪, અન્ડર-૧૭, ઓપન એઈજ ગ્રુપ, ૪૦ વર્ષથી ઉપર અને ૬૦ વર્ષથી ઉપર એમ ૭ વયજૂથમાં કુલ ૨૪ રમતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. કોઇ પણ ખેલાડી આ સ્પર્ધાઓ પૈકી વધુમાં વધુ બે રમતોમાં ભાગ લઇ શકશે. 

            ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત શાળા/ગ્રામ્ય કક્ષાએ વિજેતા જાહેર થયેલી ટીમ કે ખેલાડી તાલુકાકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ રહ્યાં છે. તાલુકાકક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલી ટીમ કે ખેલાડીઓ જિલ્લાકક્ષાની જ્યારે જિલ્લાકક્ષાએ વિજેતા થયેલ ટીમ કે ખેલાડીઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શકશે. 

       ઉલ્લેખનીય છે કે ખેલ મહાકુંભમાં તા. ૨૦/૦૧/૨૦૨૪ થી તા. ૧૩/૦૨/૨૦૨૪ સુધી સીધી જિલ્લાકક્ષાની સ્પર્ધાઓ યોજાશે જેમાં જિલ્લાના તમામ વયજુથના સ્પર્ધકો ભાગ લઈ શકશે. 

               ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ પ્રથમ ૧ થી ૩ ક્રમે વિજેતા જાહેર થનાર ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.  
************