આણંદ ટુડે I આણંદ,
ઉત્તરાયણ પર્વ સંપૂર્ણ આનંદથી ઉજવીએ એની સાથે સાથે અબોલ અને નિર્દોષ પક્ષીઓના અમુલ્ય જીવને બચાવવાની પણ આપણી નૈતિક ફરજ છે. આણંદ જિલ્લામાં વન વિભાગ અને સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા “કરૂણા અભિયાન“ અંતર્ગત ઇજાગ્રસ્ત પક્ષીની સારવાર અને બચાવની કામગીરીનું આયોજન કરવામા આવ્યુ છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરીત સારવાર થઈ શકે તે માટે જાણકારી આપવા હેતુથી વોટસએપ નંબર તથા હેલ્પ લાઇન નંબર સેવા શરૂ કરવામાં આવી છે.
ઘાયલ પક્ષીની સારવાર માટે ટોલ-ફ્રી નંબર - ૧૯૬૨ ઉપર ફોન કરીને સંપર્ક કરવાથી અને હેલ્પ લાઇન વોટસઅપ નં. ૮૩૨૦૦૦૨૦૦૦ ઉપર કરૂણા (Karuna) મેસેજ કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રની માહિતી મળી રહેશે. આ ઉપરાંત ઘવાયેલા એક પણ પક્ષીનું સારવારના અભાવે મૃત્યુ ન થાય તે માટે જિલ્લા કક્ષાએ પણ કંટ્રોલ શરૂ કરવામાં આવ્યા છે.
જે અનુસાર ફોન નં. ૦૨૬૯૨-૨૬૪૮૫૫ તથા ૦૨૬૯૨-૨૬૪૮૫૪ ઉપર સંપર્ક કરવાથી પણ વન વિભાગ કંટ્રોલરૂમને ઘાયલ પક્ષીઓની જાણકારી આપી શકાશે. આ ઉપરાંત આણંદ તાલુકામાં (૯૫૮૬૪૦૪૧૭૧), આંકલાવ (૯૮૯૮૨૭૬૪૬૫), બોરસદ (૯૫૧૦૪૯૨૧૩૭), ખંભાત (૯૯૨૫૮૯૧૫૪૧), પેટલાદ (૯૦૩૩૯૭૧૬૦૬), ઉમરેઠ (૭૦૬૯૩૨૪૭૨૭), સોજીત્રા (૯૦૩૩૯૭૧૬૦૬), તારાપુર (૭૦૨૦૩૦૩૯૬૬) ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે સંપર્ક કરી શકાશે
આ ઉપરાંત વન વિભાગની માર્ગદર્શીકા મુજબ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જેમ કે, ફકત ઉત્તરાયણના દિવસે જ અને તેમાં પણ સવારના ૯ કલાકથી સાંજના ૫ કલાક દરમિયાન જ પતંગ ચગાવવાનો આગ્રહ રાખવો, ચાઇનીઝ કે સિંથેટીક દોરીનો ઉપયોગ ન કરવો, ઘાયલ પક્ષીને જોતા એના મોઢામાં પાણી કે ખોરાક ન મુકવો કે જાતે જ સારવાર કરવાનો પ્રયત્ન ના કરવો, પરંતુ પક્ષીની સારવાર માટે તુરંત જ નજીકના સારવાર-બચાવ કેન્દ્રનો સંપર્ક સાધવો, ઘાયલ પક્ષીની આંખને કપડાથી ઢાકી બાસ્કેટ કે કાણાવાળા પુઠા રાખી સત્વરે પક્ષીને સારવાર કેન્દ્રમાં લઈ જવુ અને ઘરના ધાબા કે આજુ-બાજુના વૃક્ષોમાં ફસાયેલી દોરી અને ગુચડાનો નિકાલ કરવો જોઇએ. આ પાવન પર્વના દિવસ દરમિયાન ફટાકડાં ફોડવાનુ અને લાઉડ સ્પીકર વગાડવાનું સદંતર ટાળવુ જોઇએ.
************