આણંદ ટુડે I આણંદ,
ઉત્તરાયણ પર્વ દરમિયાન ઉત્તરાયણના દિવસે તેમજ તેના અગાઉના અને પછીના દિવસો દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને તુરત જ સારવાર મળી રહે અને તેઓનો જીવ બચાવી શકાય તે માટે જિલ્લામાં શરૂ થનાર કરૂણા અભિયાનની સમિક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર શ્રી આર.એસ. દેસાઈના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રીએ તમામ સરકારી પશુ ચિકિત્સકો, વન વિભાગના કર્મીઓ અને સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલ આયોજનની સમીક્ષા કરીને સારવારના અભાવે કોઇપણ પક્ષીનું મૃત્યુ ન થાય તેની ખાસ તકેદારી રાખવા સુચવવા ઉપરાંત કરૂણા અભિયાન દરમિયાન ધ્યાને રાખવાની બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
શ્રી દેસાઈએ ગગનમાં વિહરતા પક્ષીઓ પતંગની દોરોથી ઘાયલ થતા હોય છે અને ઘણીવાર ઇજા થવાથી મૃત્યુ પામતાં હોય છે તેમ જણાવી આવા ઘાયલ પક્ષીઓની સારવાર માટે જિલ્લાના પશુ ચિકિત્સકો, વન વિભાગના અધિકારીઓની સાથે સેવાભાવી સંસ્થાઓ આ અભિયાનમાં જોડાઇ છે ત્યારે જિલ્લાના પ્રજાજનોને આજુબાજુમાં કે કોઇપણ જગ્યાએ ઘાયલ પક્ષી નજરે પડે તો હેલ્પલાઇન નં. ૧૯૬૨ પર સંપર્ક કરવા અથવા વોટસઅપ નં. ૮૩૨૦૦૦૨૦૦૦ ઉપર કરૂણા (Karuna) ટાઇપ કરીને મેસેજ કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રની માહિતી મળી રહેશે જેના ઉપર સંપર્ક કરી અબોલ પક્ષીઓના જીવ બચાવવાની કામગીરીમાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે.
તેમણે વધુમાં પતંગ રસિકોને પતંગ ચગાવતી વખતે વૃક્ષો અને ઇલેકટ્રીક થાંભલાઓથી પણ દૂર રહેવા, પર્યાવરણનું જતન કરવા, પક્ષીઓનો ગગનમાં વિહરવાનો સમય હોય ત્યારે અને ખાસ કરીને સવારના ૯-૦૦ (નવ) વાગ્યા પહેલાં અને સાંજના પાંચ વાગ્યા પછી પતંગ ન ચગાવવા તથા નિર્દોષ પક્ષીઓ ઘાયલ ન થાય રીતે પતંગ ચગાવવાનો આનંદ માણવાની અપીલ કરી હતી.
તેમણે સંબંધિત તમામ અધિકારીઓને કંટ્રોલ રૂમ સતત કાર્યરત રહે તે જોવા પણ સુચવીને ચાઇનીઝ દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગ પર મૂકવામાં આવેલ પ્રતિબંધનું ચુસ્તપણે પાલન કરવા અને તેનું વેચાણ કરતા વેપારીઓ સામે કડક પગલા લઈ કાયદેસરની કાર્યવાહી કરવા સુચવ્યું હતું. આ ઉપરાંત ઉત્તરાયણના દિવસે વધુ પડતો લીલો ચારો ખાવાથી પશુઓને આફરો ચડવો કે મૃત્યુ થવું જેવા બનાવોને અટકાવવા માટે જરૂરી કાર્યવાહી કરવા પોલીસ અને વન વિભાગના અધિકારીઓને જરૂરી સુચનો આપ્યા હતા.
આ બેઠકમાં નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે.જે. ચૌધરી, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ચિંતન પટેલ, વન વિભાગના અધિકારીઓ, એમ.જી.વી.સી.એલ., અને સંબંધિત વિભાગના અધિકારીઓ તથાસ સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
*****