AnandToday
AnandToday
Thursday, 04 Jan 2024 18:30 pm
AnandToday

AnandToday

ખંભાતના ગોલાણા રોડ પર કેમીકલ ભરેલ ટેન્કર  લીકેજ થતા આગભભૂકી, અફ્ડાતફડી મચી !

એમ્બ્યુલન્સ અગ્નિશામક દળ ઘટના સ્થળે રવાના,બચાવ કામગીરી હાથ ધરી.અંતે મોકડ્રીલ નીકળી

કટોકટીના સંજોગોમાં કરવાની થતી કામગીરી સંદર્ભે ખંભાત ખાતે ઓફ સાઈટ મોકડ્રીલ યોજાઈ

આણંદ, શુક્રવાર 

અધિક નિવાસી કલેક્ટરશ્રી, આણંદની અધ્યક્ષતામાં તાજેતરમાં મળેલ ડીસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપની બેઠકમાં થયેલ ચર્ચા મુજબ મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, આણંદ દ્વારા ખંભાત તાલુકાના સોખડા ગામ પાસે આવેલ ગોલાણા રોડ પર ઓફ સાઈટ મોકડ્રીલ યોજાઈ હતી. 

આ મોકડ્રીલ અંતર્ગત કોઇ જ્વલનશીલ પ્રવાહી કે કેમીકલ ભરેલા ટેન્કરમાં કેમીકલ લીકેજ થતાં તેમાં આકસ્મિક આગ લાગી જાય તેવા કટોકટી ભર્યા સંજોગોમાં તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હાથ ધરવાની થતી આગ નિયંત્રણ અને બચાવ કામગીરી તથા આગથી દાઝી ગયેલ વ્યક્તિને સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડવા અને તે માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા, આગને નિયંત્રણ કરવા સૌથી ઝડપી ઉપલબ્ધ ફાયરબ્રીગેડની ટીમ અને આસપાસના અન્ય ઔદ્યોગિક એકમોની સહાય જેવી જરૂરી કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું.   

આ દરમિયાન ઘટના સ્થળે થયેલ કટોકટીની વેળાએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તથા અન્ય સંબંધીત વિભાગ-કચેરીને જાણ કરવી, ઘટનાની જાણ થતાં તાત્કાલીક ધોરણે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની બચાવ કામગીરી, આરોગ્ય અને સંબંધીત વિભાગ દ્વારા આવા સંજોગોમાં કરવામાં આવતી કામગીરી અને અન્ય બાબતોનું નિદર્શન કરાયું હતું. મોકડ્રીલમાં ઘટના સ્થળની આજુબાજુ આવેલા કારખાનાની ટુકડીઓ,  જય કેમીકલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લી.ની ફાયર બ્રીગેડ ટીમ, ખંભાત નગરપાલિકા ફાયર બ્રીગેડની ટીમ, ધુવારણ જી.એસ.ઈ.સી.એલ. ની ફાયર બ્રીગેડ ટીમ, ઓ.એન.જી.સી. ખંભાતની ટીમો દ્વારા આગ નિયંત્રણ કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

આ મોકડ્રીલ દરમિયાન જિલ્લા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના મદદનીશ નિયામક રીનાબેન રાઠવા, ઔધોગીક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી એસ.બી ચૌધરી, ડીઝાસ્ટર મામલતદાર જયેશ વસાવા, ડીપીઓ એન્જેલાબેન, જી.પી.સી.બી અધિકારી માર્ગીબેન, ખંભાત (રૂરલ) પી.આઇ. અને તેમની ટીમ, ટ્રાન્સપોર્ટ અધિકારી, સોખડા ગામના તલાટી, સિવિલ સર્જન ખંભાત અને તેમની ટીમ તથા સોખડા- કલમસરમાં આવેલ ફેકટરીનાં પ્રતિનિધિઓ જોડાયાં હતા.

*****************