આણંદ ટુડે I ખંભાત (સલમાન પઠાણ - ખંભાત)
ખંભાત કૉલેજ કેમ્પસ ખાતે આવેલ શ્રી શરદ કુમાર હાંસોટી અને મંજુલાબેન હાંસોટી વાણિજ્ય અનુસ્નાતક એમ કોમ વિભાગ ના વિદ્યાર્થીઓ માટે જિલ્લામાં પ્રથમ વખત માઇગ્રેટરી બર્ડ ફોટોગ્રાફી સ્પર્ધા એમ કોમ વિભાગ ના વડા ડૉ. હસન રાણા અને પ્રિન્સિપાલ ડૉ. વશિષ્ઠ દ્વિવેદી ના સંયુક્ત માર્ગદર્શન અને વિદ્યાનગર સ્થિત નેચર કલબ સંસ્થાના ઉપક્રમે યોજાઈ હતી.
આ પ્રસંગે પક્ષીવિદ અને વ્યવસાયે વકીલ એવા ડૉ. બંકિમચંદ્ર વ્યાસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, શિયાળાની ઠંડી ની શરૂઆત થતાં જ જુદા જુદા દેશ માંથી અને હજારો કિલોમીટર નું અંતર કાપીને યાયાવર પક્ષીઓ આણંદ જિલ્લાના મહેમાન બને છે. ખંભાત કોલેજ એમ કોમ વિભાગ નો આ પ્રયત્ન આધુનિકતા અને વૈભવની આંધળી દોડમાં વિદ્યાર્થીઓને પ્રકૃતિ અને કુદરતને નજીક થી નિહાળવાનો એક પ્રયત્ન છે. વિદ્યાર્થીઓ માં પ્રકૃતિ ની જાળવણી અને એના વિકાસ માટેના ગુણો કેળવાય છે. જે દ્વારા તંદુરસ્ત સમાજ અને શક્તિશાળી રાષ્ટ્ર નું નિર્માણ શક્યા બને છે.
નેચર ક્લબના મેહુલભાઈ પટેલે જણાવ્યું કે આણંદમાં અત્યાર સુધીમાં સાઇબિરીયા, રશિયા, આફ્રિકા, મોંગોલિયા, અને હિમાલય ની પર્વત માળાઓ માંથી ખુબ ઠંડી પડે ત્યારે પક્ષીઓ થોડા સમય માટે આણંદ જિલ્લાને પોતાનું રહેઠાણ બનાવે છે. વિદ્યાર્થીને જુદા જુદા દેશ ના પક્ષીઓની વર્તણુક, પક્ષીનો ખોરાક, પક્ષીનો રંગ, અવાજ, અને એની પ્રજનનની પદ્ધતિઓ, હિંસક પક્ષીઓ, સમૂહમાં રેહતા પક્ષીઓ, પક્ષીઓના લિંગ ઓળખવાની પદ્ધતિ વગેરે બાબતે વિદ્યાર્થીઓને ખુબ ઉંડાણપૂર્વક સમજાવ્યું હતું. મેહુલ પટેલ દ્વારા ભાગ લીધેલ વિદ્યાર્થી સમૂહોના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીની દિપાલી પ્રજાપતિ એ જણાવ્યું હતું કે, વર્ષોથી ખંભાતમાં આવા પક્ષીઓ આવે છે પણ એમને ઓળખતા આવડતું ન હતું. પણ આ સ્પર્ધાના માધ્યમથી ખંભાતમાં આવતા જુદા જુદા દેશ ના પક્ષીઓની ઓળખ સરળ બનશે.
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ડો. મિત્તલ ગોસ્વામી અને પ્રાધ્યાપક ઉન્નતી કડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી કીર્તન પટેલ, હરપાલ, ભાવેશ, પંચાલ, પ્રતિપાલ, કેયુર નો સહકાર પ્રાપ્ત થયો હતો.