આણંદ ટુડે
વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારૂતર વિદ્યા મંડળ સંચાલિત સીવીમ યુનિવર્સિટી દ્વારા પાંચ-દિવસીય કાર્યક્રમ ‘જ્ઞાનોત્સવ ૨૦૨૪’નો આજથી શુભારંભ થયો છે. આ જ્ઞાનોત્સવમાં આકર્ષક અને અવનવા પ્રદર્શનો, વર્કશોપ તેમ જ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ્ઞાનોત્સવમાં વિદ્યાર્થીઓ પોતાનામાં સમાયેલ કલા અને કૌશલ્યોથી અવગત થાય છે અને લોકો સમક્ષ પોતાની કલા અને કૌશલ્યો પ્રસ્તુત કરે છે, જેના કારણે તેમનામાં રહેલો આત્મવિશ્વાસ વધે છે. જ્ઞાનોત્સવ દ્વારા વિદ્યાર્થીઓને એવું મંચ પ્રદાન કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યમાં આવનારી તકો તથા પડકારોને ઓળખીને તેમની ખામીઓ સુધારી શકે છે અને કારકિર્દીના વિકાસમાં બહુ મોટો ફાળો આપે છે.
આ કાર્યક્રમના શુભારંભમાં ચારુતર વિદ્યા મંડળ અને યુનિવર્સિટીના જુદા જુદા હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઇ પટેલ, વાઈસ પ્રેસિડેન્ટ શ્રી મનીષભાઈ પટેલ, સેક્રેટરી શ્રી એસ. જી. પટેલ, માનદ સહમંત્રીઓ શ્રી આર. સી. તલાટી, શ્રી મેહુલભાઈ પટેલ, શ્રી વિશાલભાઈપટેલ તથા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. હિમાંશુ સોની, ઇન્ચાર્જ રજિસ્ટ્રાર મેડમ અગ્નેશ્વરી અઢીયા દ્વારા રિબિન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દીપ પ્રાગટ્ય સાથે જાહેર જનતા માટે જ્ઞાનોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો.
આ પ્રસંગે સહમંત્રી શ્રી મેહુલભાઈ પટેલે સીવીએમયુ પરિવારને શુભેચ્છા આપી હતી. અને તેમણે જણાવ્યું હતું કે, ગત વર્ષે જ્ઞાનોત્સવના કાર્યક્રમને દ્વિ-દિવસીય રાખવામાં આવ્યો હતો પણ લોકોના ઉત્સાહને જોઈને કાર્યક્રમને લંબાવીને ત્રિદિવસીય કરવામાં આવ્યો હતો. આ વખતે આ વાતને ધ્યાનમાં રાખીને પાંચદિવસીય જ્ઞાનોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 2023 ના જ્ઞાનોત્સવ કાર્યક્રમના ડેટા અનુસાર 23 થી 25 હજાર લોકોએ મુલાકાત લીધી હતી. આશા છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ લોકો મુલાકાત લેશે. સીવીએમયુની ટીમ દ્વારા આણંદ તથા તેના આસપાસના વિસ્તારની 100 જેટલી શાળાઓને નિમંત્રણ આપવામાં આવ્યું હતું, જેના પ્રત્યુત્તરમાં શાળાઓએ ચોક્કસપણે મુલાકાત લેવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી.
આજના પ્રથમ દિવસના અંતે 6000 જેટલા લોકોએ આ જ્ઞાનોત્સવની મુલાકાત લીધી હતી. જેમાં 4000 જેટલા શાળાના વિદ્યાર્થીઓ હતા. આવનાર બાકી દિવસોમાં અંદાજે 50000 જેટલા મુલાકાતીઓ મુલાકાત લઈ શકે છે, એવી ધારણા છે.
પ્રથમ દિવસે યોજાયેલ સાયન્સ ક્વિઝમાં 32 જેટલા શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
CVM યુનિવર્સિટીના વિજ્ઞાન, એન્જિનિયરિંગ, ફાર્મસી, આર્કિટેક્ચર, બાયોટેકનોલોજી, સાયકોલોજી અને ગણિતના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા વર્કિંગ અને નોન-વર્કિંગ મોડલ્સનો સમાવેશ થાય છે. જ્ઞાનોત્સવના એક્ઝિબિશન ઝોનમાં 100થી વધુ મોડલ સામેલ છે. આ ઝોનમાં કુલ 49 વર્કિંગ મોડલ અને 54 નોન-વર્કિંગ મોડલ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તમામ કોલેજોના વિદ્યાર્થીઓ તેમના ફેકલ્ટી મેન્ટર સાથે એક્ઝિબિશન ઝોન માટે સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. મુલાકાતીઓમાં સૌથી આકર્ષક નોન-વર્કિંગ મોડલ રામ મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ન્યુ પાર્લામેન્ટ મોડલ, ક્રેન્ક લીવર પ્રકારની ટ્રાઈસાઈકલ, એન્જિનિયરિંગ કેટેગરીના વર્કિંગ મોડલ ઝોનમાં, મુલાકાતીઓ વિવિધ રોબોટ્સ, ઈલેક્ટ્રિક ટુ વ્હીલર્સ, ઈનોવેટિવ ફૂડ ડ્રાયિંગ ટેક્નિક, રેઈન ડિટેક્શન અને ઓટોમેટિક સ્ટ્રીટ લાઈટ કંટ્રોલ સિસ્ટમ જોવામાં વધુ ઉત્સાહ દાખવ્યો હતો. વિજ્ઞાન કેટેગરીમાં વિદ્યાર્થીઓએ હાઇડ્રોજેલ, સ્માર્ટ કાર પાર્કિંગ સિસ્ટમ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને હેમોડાયલિસિસનું મોડેલ તૈયાર કર્યું છે. CVM યુનિવર્સિટીના ફાર્મસી વિદ્યાર્થીઓએ વિવિધ વર્કિંગ મોડલ્સનો ઉપયોગ કરીને વિવિધ ટેબલેટ મૂલ્યાંકન પદ્ધતિઓમાં યોગદાન આપ્યું હતું.
આ જ્ઞાનોત્સવમાં જર્નાલીઝ્મ અને માસ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા લાઈવ રિપોર્ટિંગનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓને લાઈવ ન્યૂઝ રિપોર્ટિંગનો અનુભવ કરવામાં આવ્યો હતો. એંકરિંગ, એડિટિંગ એન ફિલ્ડ-વર્ક વિશે માહિતી આપવામાં આવી હતી.
હેલ્થ સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા વિના મૂલ્ય હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સૌપ્રથમ મુલાકાતીઓની ઊંચાઈ અને વજન માપવામાં આવે છે પછી ટેસ્ટ કરીને તેઓ અંડરવેટ-ઓવરવેટ અને સાથે ન્યુટ્રીસન ટેસ્ટ કરી તેમને ડાયટીસન ડોકટર દ્વારા તેમને ઋતુ પ્રમાણેનો ખોરાક લેવા તેમજ કસરત કરવામાં માટે સલાહ અપાય હતી. સાથે નર્સિંગ કોલેજ દ્વારા CPR ની ટ્રેનીંગ અને ઇમરજન્સી હેલ્પનું શિક્ષણ આપવામાં આવ્યું હતું.
અન્યમાં મૂટ કોર્ટ એ વાસ્તવિક કોર્ટ અને તેની કામગીરીની પ્રતિકૃતિ છે. આમાં તેઓ નાટ્યાત્મક રીતે લાઇવ કેસ ચલાવશે. હાલના સમયમાં જે ચર્ચામાં છે. અને વાસ્તવિક અદાલતો કેવી રીતે કાર્ય કરે છે અને તે કેવી રીતે દેખાશે તે રીલ કોર્ટમાંથી વાસ્તવિક અદાલતનું પ્રદર્શન કરશે. કાનૂની સહાયમાં તેઓ PLV (પેરા લીગલ વોલેન્ટીયર્સ) વિદ્યાર્થીઓ દ્વારા કાનૂની મદદની જરૂર હોય તેવા લોકોને કાનૂની સહાય પૂરી પાડવામાં આવી હતી અને તેમને તેમના કાનૂની અધિકારો અને તેઓએ કેવી રીતે પ્રતિસાદ આપવો જોઈએ તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ગ્રાહકોને તેમના કાનૂની અધિકારો હેઠળ અને જો જરૂરી હોય તો જરૂરી પગલાં લેવા માટે સક્ષમ બનાવશે.
જ્ઞાનોત્સવના પ્રથમ દિવસની શરૂઆતમાં ખૂબ જ રસપ્રદ પ્રતિસાદ જોવા મળ્યો. જે આવનાર પાંચ દિવસ સુધી અવિરત રહેશે.