આણંદ, શનિવાર
શાળા કોલેજમાં જતી દિકરીઓને રોડ રોમીયોનાં ત્રાસ કે શાળા કોલેજની અંદર સગીર દિકરીઓને પ્રેમજાળમાં ફસાવી શોષણ કરાતી હોવાની ધટનાઓ બનતી હોય છે, પરંતુ કિશોરીઓ બદનામી કે ડરનાં કારણે આ વાત કોઈને કહી શકતી નથી, ત્યારે કિશોરી આવી ઘટનાઓ કે પછી અન્ય કોઈ મુંઝવણ અંગે જાહેરમાં આવ્યા વિના પોતાની ફરીયાદ કરી શકે તે માટે આણંદ ટાઉન પોલીસની SHE ટીમ દ્વારા એક નવતર પહેલ હાથ ધરીને આણંદ શહેરની ૪ શાળાઓમાં કંપલેઈન બોકસ મુકવામાં આવ્યા છે, આ કંપલેઈન બોક્ષમાં આવતી ફરિયાદનું પોલીસની SHE ટીમ દ્વારા કિશોરીની ઓળખ જાહેર કર્યા વગર નિવારણ લાવવામાં આવશે.
આ અંગે આણંદ SHE ટીમનાં ઈન્ચાર્જ જસીબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રવિણકુમાર અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે. એન. પંચાલની સુચના અને ટાઉન પી.આઈ જી.એન. પરમારનાં માર્ગદર્શન હેઠળ આણંદ શહેરની દરેક શાળા અને કોલેજોમાં કંપલેઈન બોક્ષ મુકવામાં આવનાર છે. જેમાં વિદ્યાર્થીનીઓ પોતાની ફરિયાદ કરી શકશે. જેનું પોલીસની SHE ટીમ દ્વારા નિરાકરણ માટે પ્રયાસ કરવામાં આવશે અને તેમાં ફરીયાદ કરનાર કિશોરીની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
શાળા કોલેજોમાં અંદર કે બહાર બનતી ઘટનાઓ અંગે ઘણી વખત વિદ્યાર્થીનીઓ કોઈ વ્યક્તિના ડર કે પરિવારની બદનામીના ડરના કારણે ફરિયાદ કરી શકતા નથી. આ સ્થિતિમાં સ્કૂલ, કોલેજોમાં અંદર અને બહાર કોઈ દબાણ, ધમકીની ઘટના કે રોડ રોમીયોના ત્રાસ અંગે વિદ્યાર્થીનીઓ નિર્ભય બનીને ફરિયાદ કરી શકે તે માટે શહેરની તમામ શાળા કોલેજમાં કંપલેઈન બોક્ષ મુકવામાં આવશે. જેના ભાગરૂપે પ્રથમ તબક્કામાં આણંદ શહેરની કસ્તુરબા વિદ્યાલય, સાલ્વેશન આર્મી શાળા, ગામડી પ્રાથમિક શાળા સહિત ચાર જેટલી શાળાઓમાં કંપલેઈન બોક્ષ મુકવામાં આવ્યા છે. SHE ટીમ દ્વારા શાળાની વિદ્યાર્થીનીઓ, આચાર્યો અને શિક્ષકોને આ કંપલેઈન બોક્ષમાં વિશે માહિતી આપવામાં આવી છે. ઉપરાંત ધોરણ ૮ થી ૧૨ સુધી અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પણ કંપલેઈન બોક્ષ અંગે સમજ આપવામાં આવી છે. વિદ્યાર્થીનીઓએ કોઈ પણ સમસ્યા હોય કે પછી કોઈનાં દ્વારા હેરાનગતી કરવામાં આવતી હોઈ પારિવારીક પ્રશ્નો હોય તો તે અંગે ફરીયાદ લખીને કંપલેઈન બોક્ષમાં નાખવા આણંદ પોલીસની SHE ટીમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
પ્રતિકાત્મક તસવીર સોર્સ બાય google
*******