AnandToday
AnandToday
Tuesday, 26 Dec 2023 00:00 am
AnandToday

AnandToday

ખેડા જિલ્લાનું કનીજ ગામ  ૧૦૦ ટકા "નળ સે જળ" યુક્ત ગામ બન્યું

વાસ્મો યોજના હેઠળ ગામમાં તમામ ઘરોમાં નળ થી જળ આવી પહોંચ્યું 

આણંદ ટુડે I નડીઆદ
“નલ સે જલ” કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પેયજળ ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબદ્ધ છે. આ યોજના અંતર્ગત વ્યક્તિદીઠ નિયમિત રીતે ઓછામાં ઓછું ૧૦૦ લિટર પીવાલાયક પાણી ગ્રામ્ય વિસ્તારોમાં મળતું થાય તેવી વ્યવસ્થા ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ યોજનાનો મુળભૂત ઉદ્દેશ્ય ગ્રામ પંચાયતોને અને ગામના લોકોને પોતાના ગામની આંતરિક પાણી પુરવઠા યોજના સંભાળી શકે તથા ગામમાં સ્વચ્છતાલક્ષી ટેવો વિકસાવવાનો છે. ગુજરાતભરના ગામડાઓના લોકો પેયજળ બાબતે અને સ્વચ્છતાની સુવિધાઓનું વ્યવસ્થાપન કરવા માટે જાતે પગલાં લઇ શકે તે રીતે આ કાર્યક્રમનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. 

આ કાર્યક્રમ હેઠળ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કનીજ ગામમાં વાસ્મો યોજના હેઠળ ગામમાં ૧૦૦% ઘરોમાં નળ થી જળ આવી પહોંચ્યું છે. કનીજ ગામમાં ૨,૦૦,૦૦૦ લીટરની પાણીની ટાંકી, સોમેશ્વર લાટમાં ૧,૦૦,૦૦૦ લીટર પાણીની ટાંકી, મોટી ભાગોળમાં ૧,૦૦,૦૦૦ લીટર પાણીની ટાંકી વાસ્મો યોજના અંતર્ગત બનાવવામાં આવી છે. જેથી ગામમાં છેવાડાના ફળિયા સુધી નળ થી જળ પહોંચ્યું છે.

વાસ્મો યોજના હેઠળ ગામમાં સમયસર નળથી પાણી આવે છે. એના માટે અમે સરકારનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે :- ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્રસિંહ જાદવ


ગામના ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્રસિંહ જાદવ જણાવે છે કે, કનીજ ગામમાં પહેલા સિમેન્ટની પાઈપલાઈન હતી અને જો પાઈપલાઈનમાં કચરો આવે કે લીકેજ થાય તો ગામમાં પાણી બંધ રહેતું હતું. પણ આજે વાસ્મો યોજના હેઠણ સમગ્ર ગામમાં પીવીસી પાઈપલાઈન ગામમાં દરેક ગ્રામવાસીઓના ઘરે લગાવવામાં આવી છે. તેમજ ગામમાં આ ત્રણ મોટી પાણીની ટાંકી બનવાથી આમારું ગામ વિકાસ તરફ આગળ  વધી રહ્યો છે. ગામમાં ખેતી માટે રોજિંદા જીવન માટે પાણી ખુબ જરૂરિયાત રહે છે. અને ગામ લોકો પણ પાણીની કિંમત જાણે છે. તેથી આ ગામમાં પાણીનો બગાડ પણ લોકો કરતા નથી.

પીવાનું શુદ્ધ પાણી દિવસમાં બે વાર આવે છે.સૌ ગ્રામવાસીઓ માટે મોટી રાહત થઈ છે.-શિલ્પાબેન ગુર્જર

કનીજ ગામના રહેવાસી શિલ્પાબેન ગુર્જર જણાવે છે કે, પહેલા અમે શાળાએ ભણતા ત્યારે અમને શિખવાડવામાં
 આવ્યું હતું કે “જળ એ જ જીવન”. નાના હતા ત્યારથી જ ૮-૧૦ કિ.મી. દુર પાણી ભરવા જવુ પડતું હતું. જો કોઇ કારણસર બિમારી આવે તો ઘરના વડીલોને આ સમસ્યાનો સામનો કરતા હતા. પાણીની સમસ્યાના કારાણે કેટલાક લોકો શહેર તરફ સ્થળાંતર કરી ચુકયા છે. અમે એક સમયે આ ગામ છોડી દેવાનું વિચાર્યુ હતું. પણ અમને સરપંચશ્રી દ્વારા જાણવા મળ્યું કે ગામમાં ૨,૦૦,૦૦૦ લીટર પાણીની ટાંકી બનવાની છે. જેથી કનીજ ગામના રહેવાસીઓને પાણીની તકલીફ રહેશે નહિ. ગામમાં ૨,૦૦,૦૦૦ લીટર પાણીની ટાંકી બની અને ગામમાં પાણી પણ આવી ગયું ત્યારે તકલીફ થોડી ઓછી થઈ. પણ આજે ગુજરાત સરકાર, ખેડા જિલ્લા પંચાયત, સરપંચશ્રી અને વાસ્મોના સહયોગથી ગામમાં ત્રણ પાણીની ટાંકી છે. કનીજ ગામમાં ૧૦૦% ઘરોમાં નળ થી જળ આવે છે. ગામમાં પીવાનું શુદ્ધ પાણી દિવસમાં બે વાર આવે છે. જેનાથી સૌ ગ્રામવાસીઓ માટે મોટી રાહત થઈ છે. 

  
વર્ષ-૨૦૨૨માં ખેડા જિલ્લો ૧૦૦ ટકા નળ કનેકશન ધરાવતો જીલ્લો જાહેર

જલ જીવન મિશન અંતર્ગત ખેડા જીલ્લાના તમામ ઘરોમાં વ્યકિતગત નળ જોડાણો દ્વારા શુઘ્ઘ અને પૂરતા પ્રમાણમાં પુરૂ પાડવામાં આવી રહયું છે. આ કાર્યક્રમ અંતર્ગત ખેડા જીલ્લાના કુલ ૩૧૬ ગામોની યોજના બનાવીને આશરે ૧,૫૦,૦૦૦ જેટલા નળ કનેક્શનો આપીને ખેડા જિલ્લામાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરેલ છે. હાલ ખેડા જીલ્લાને વર્ષ-૨૦૨૨માં ૧૦૦ ટકા નળ કનેકશન ધરાવતો જીલ્લો જાહેર કરેલ છે. 

વિકસીત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વાસ્મો કચેરી પણ ઉત્તમ કામગીરી કરી રહી છે. વાસ્મો દ્વારા રથના રૂટના ગામોમાં સ્ટોલ કરી ગ્રામજનોને પીવાનાં પાણી વિશે આઇ.ઇ.સી. મટીમટીરીયલ પુરુ પાડવામાં આવી રહ્યું છે. તેમજ ફિલ્ડ ટેસ્ટ કીટ દ્વારા પાણી ચકાસણી કરી પીવાનાં પાણીના ફાયદા જણાવવામાં આવી રહેલ છે.