AnandToday
AnandToday
Monday, 25 Dec 2023 18:30 pm
AnandToday

AnandToday

સેનિટરી નેપકીન (પેડ) વેન્ડિંગ મશીન "તરૂણી નું ગૌરવ" 

ખેડા જિલ્લામાં ૧૦૦ જેટલા સેનિટરી નેપકીન (પેડ) વેન્ડિંગ મશીનો ઇન્સ્ટોલ કરાશે

ખેડા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા ૧૫માં નાણાપંચ તથા અન્ય ગ્રાન્ટમાંથી સેનિટરી નેપકીન (પેડ) વેન્ડિંગ મશીનો ઇન્સ્ટોલ કરવાનું આયોજન

ખેડા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વિવિધ શાળાઓ ખાતે તાલીમ કાર્યક્રમનું આયોજન કરી તરૂણીઓને જાગૃત કરવામાં આવશે

આણંદ ટુડે I નડીઆદ
માસિક ધર્મ એટલે સ્ત્રીના જીવન સંબધિત એક મહત્વની બાબત છે. જે સામાન્ય રીતે ૧૨ થી ૧૪ વર્ષની વચ્ચે આ પ્રક્રિયા શરુ થઇ જાય છે. કોઈ પણ યુવતી માટે તે માટે યોગ્ય સમજણ જરૂરી છે. આ બાબતમાં રૂઢીગત ચાલી આવતી પ્રથાને લીધે, પ્રજનન સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આ સમસ્યામાંથી બહાર લાવવા માટે એક સારી અને સ્વાસ્થ્યપ્રદ સમજણ ખુબ જરૂરી બની ગઈ છે. જેના માટે સેનિટરી નેપકીન (પેડ) એક સારો વિકલ્પ બની શકે છે. આ સેનિટરી નેપકીન (પેડ) ઘણા સુરક્ષિત હોય છે. સેનિટરી નેપકીન (પેડ) ના ઉપયોગ વગર ઇન્ફેકશન થી થતા પ્રજનન તંત્રના રોગો જેમ કે ગોનોરીયા, ફંગસ, અનિયમિત તેમજ ખુબ વધારે માસિક સ્ત્રાવ તથા કેન્સર જેવા ભયંકર રોગો પણ થઇ શકે છે. સેનિટરી નેપકીન (પેડ) ના ઉપયોગ થી ઇનફેક્શનના ખતરાથી બચી શકાય છે. જેના કારણે કિશોરીઓ શારીરિક તથા માનસિક રીતે હળવાશ અનુભવે છે. પરંતુ હજુ પણ સેનિટરી નેપકીન (પેડ) ની સરળ ઉપલબ્ધતા, વધુ કિંમત તેમજ તેને ખરીદવા જવા માટેનાં ખચકાટના કારણે શાળાએ જતી કિશોરીઓ સેનેટરી પેડનો ઉપયોગ નહિવત કરે છે. જેથી માસિક ધર્મ વખતે શાળાએ ન જવાનું પ્રમાણ પણ વધુ જોવા મળતું હોય છે. 

જો શાળામાં જ કિશોરીઓને સરળતાથી સેનિટરી નેપકીન (પેડ) મળી રહે તો, કિશોરીઓનાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થઇ શકે છે. આવા શુભ આશયથી ખેડા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયલ અગ્રવાલ દ્વારા ૧૫માં નાણાપંચ તથા અન્ય ગ્રાન્ટમાંથી જિલ્લાની સરકારી માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તેમજ વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ૧૦૦ જેટલા સેનિટરી નેપકીન (પેડ) વેન્ડિંગ મશીનો ઇન્સ્ટોલ કરવામાં આવી રહેલ છે. જેથી કિશોરીઓને જયારે સેનિટરી નેપકીન (પેડ) ની જરૂરિયાત હોય ત્યારે લઇ ઉપયોગ કરી શકે. તે બાબતે, તરૂણીઓમાં જાગૃતિ લાવવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વિવિધ શાળાઓ ખાતે તાલીમ કાર્યક્રમનું આયોજન કરી તરૂણીઓને જાગૃત કરવામાં આવશે. 

આ ઉમદા પ્રયાસ થકી કિશોરીઓમાં માસિક સ્વચ્છતા સંબંધી જાગૃતિ કેળવાશે અને તેમના શારીરિક, માનસિક સ્વાસ્થ્ય ઉપરાંત આત્મવિશ્વાસમાં અનેકગણો વધારો થશે.