નડીઆદ
ખેડા જીલ્લામાં ઈસુ જન્મને વધાવવા આજે ઉત્સાહભેર ક્રિસમસની ઉજવણી કરવામાં આવી હતી.નડિયાદ સહિતના તાલુકા મથકો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં 25 મી ડિસેમ્બર ઈસુખ્રિસ્તના જન્મની વધામણી સાથે પ્રાર્થના તેમજ પરસ્પર મેરી ક્રિસમસની શુભેચ્છાઓ દ્વારા કેથોલિક, મેથોડિસ્ટ, સાલ્વેશન આર્મી, સીએન. આઇ સહિતના ચર્ચમાં ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી.
આ અંગે ક્રાઇષ્ટ ધ કિંગ ચર્ચના પુરોહિત ફાધર પિયુષે જણાવ્યું હતું કે,ક્રિસમસ ની ઉજવણીએ તારણહાર પ્રભુ ઈસુના જન્મની ઉજવણી હોઈ ખ્રિસ્તયજ્ઞ અને સાપ્તાહિક ઉજવણી દ્વારા તહેવાર ઉજવાય છે.દરેક વ્યક્તિ પરિવારમાં માતાપિતાનું મહત્વ સમજે, દરેક લગ્ન સંબંધથી જોડાનાર એકમેકને સમજે અને બાળકનું પ્રેમપૂર્વક જતન કરે તો સંસાર આનંદમય બની જાય.
સભાપુરોહિત ફાધર જોસેફ અપ્પાઉ, ફાધર નટુ દ્વારા ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરી ઈસુ જન્મની પરસ્પર શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
નાતાલ પૂર્વે ઠેર ઠેર સાંજના સમયે ક્રિશ્ચિયન સમુદાય વિવિધ કાર્યક્રમો તેમજ ગીતો ગાઈ એડવાન્સમાં નાતાલની શુભેચ્છા પાઠવી હતી.રાત્રી તેમજ સવારના ખ્રિસ્તયજ્ઞનમાં ઈસુ જન્મના ગીતો અને ઈસુ ચુંબન કરવામાં આવ્યું હતું.
ચરોતર માં ખ્રિસ્તી પરિવારોની વિશેષ સંખ્યા હોઈ ચર્ચો,હોસ્પિટલ, જાહેર માર્ગો અને મકાનોને ડેકોરેટર કરાયાં છે.
આ અંગે બિશપ રત્નસ્વામીએ જણાવ્યું હતું કે 'ક્રિસમસ દરેકના જીવનમાં આનંદ લાવે,વિશ્વમાં શાંતિ અને આનંદ ફેલાય, વેરઝેર ભૂલી સહુ સાચા માનવ બને તેવી શુભેચ્છાઓ
૨૦૦૦ વર્ષ પહેલા બેથલેહેમ શહેરના દાઉદ નગરના નાઝરેથ ગામમાં બાળ ઈસુનો જન્મ સાધારણ ગભાણમાં થયો હતો. આ દિવસે કડકડતી ઠંડી હતી. માતા મરીયમ અને પિતા યુસુફ ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે પ્રસુતિ માટે નગરમાં ભટકતા હતા. પરંતુ તેઓને નગરમાં કયાંય જગ્યા ન મળી અને તેમાં તેઓએ ગભાણમાં આસરો લીધો અને ત્યાં બાળ ઈસુનો જન્મ થયો.એટ્લે પ્રતીકરૂપે દરેક ખ્રિસ્તી પરિવાર ઘર બહાર તેમજ ચર્ચમાં ગભાણ બનાવે છે.
તમામ ચર્ચ અને ઘરોમાં ઈસુ જન્મ સ્થળ ગમાંણ બનાવવા,ઠેર ઈસુ જન્મની એંધાણી સ્ટાર લગાવવા,ડાન્સ અને ગરબા આયોજન સાથે ગરીબોને દાન, ભેટ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.