AnandToday
AnandToday
Sunday, 24 Dec 2023 18:30 pm
AnandToday

AnandToday

સ્વચ્છતાલક્ષી શ્રેષ્ઠ કામગીરી બદલ આણંદની ત્રણ કચેરીઓ સન્માનિત

આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાના સુશાસન દિવસની ઉજવણી

આણંદ ટુડે I આણંદ,
ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇના જન્મદિને પ્રતિ વર્ષ તા. ૨૫ મી ડિસેમ્બરના દિવસને સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે ઊજવવામાં આવે છે. જેના ભાગરૂપે આણંદ કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી આર. એસ. દેસાઇની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના સુશાસન દિવસની ઊજવણી કરવામાં આવી હતી.
 
આ ઊજવણીના ભાગરૂપે આણંદ જિલ્લામાં સ્વચ્છતા પખવાડીયા અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરીને ધ્યાને લઈ શ્રેષ્ઠ સ્વચ્છતાલક્ષી કામગીરી કરનાર જિલ્લાની ત્રણ કચેરીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. 

સ્વચ્છતાલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર કચેરીઓમાં જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી અને પોલીસ વિભાગની એસઓજી ટીમને નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા સન્માનપત્ર આપી સન્માનવામાં આવી હતી. આ સન્માનપત્ર જિલ્લા કલેકટર કચેરી વતી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી શિવાંગી શાહે, જિલ્લા પંચાયત કચેરી વતી નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિકા પરમારે અને એસઓજી ટીમ વતી મયંકભાઇએ સ્વીકાર્યું હતું.  

આ પ્રસંગે કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત સૌએ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ સુશાસન દિવસની રાજ્યકક્ષાની ઊજવણીનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. 

જિલ્લા કક્ષાની સુશાસન દિવસની ઉજવણી પ્રસંગે જિલ્લાના સંબંધિત વિભાગોના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 
*********