AnandToday
AnandToday
Thursday, 21 Dec 2023 18:30 pm
AnandToday

AnandToday

પ્રેમ, શાંતિ અને આનંદનો સંદેશ

નડિયાદ યુનાઇટેડ ક્રિશ્ચિયન ફોરમ દ્વારા ક્રિસમસ રેલીનું ભવ્ય આયોજન કરાયું

ગુજરાત સરકારના પૂર્વ મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, પરિનભાઈ બ્રહ્મભટ્ટ સહીતના અગ્રણીઓ આ રેલીમાં જોડાયા

આણંદ ટુડે I નડિયાદ
નાતાલપર્વ નિમિત્તે નડિયાદ શહેરની પ્રજાને બાળ ઈસુના જન્મની વધામણીના સંદેશા સાથે પ્રેમ, આનંદ અને શાંતિનો સંદેશો આપવા નડિયાદ યુનાઇટેડ ક્રિશ્ચિયન ફોરમ દ્વારા  ભવ્ય ક્રિસમસ રેલીનું આયોજન નડિયાદ ઇપ્કોવાળા હોલથી એલિમ ચર્ચ સુંધી કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ ઈસુ જન્મની ઝાંખી કરવામાં આવી હતી. ધર્મજનો લાલ કપડામાં સજ્જ થઇ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા.
આ અંગે ક્રાઇષ્ટ ધ કિંગ ચર્ચ, મિશન રોડના સભાપુરોહિત ફા. જોસેફ અપ્પાઉએ જણાવ્યું હતું કે,આ રેલીમાં કેથોલિક, મેથોડિસ્ટ, સાલવેશન આર્મી, સી. એન. આઇ ચર્ચ સહીત તમામ મંડળીના આગેવાનો, ધર્મજનો શાંતિનો સંદેશ અને મુક્તિદાતા ઈસુની વધામણી માટે ક્રિસમસ રેલીમાં જોડાયા હતા.

ગુજરાત સરકારના પૂર્વ મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, પરિનભાઈ બ્રહ્મભટ્ટ સહીતના અગ્રણીઓ પણ આ રેલીમાં જોડાયા હતા અને નાતાલ પર્વની તમામ ખ્રિસ્તી ભાઈ બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી.

ડિસ્ટ્રીક્ટ સુપ્રીટેન્ડન્ટ સાયમન બેનર્ડ, મેથોડિસ્ટ ચર્ચ નડિયાદએ જણાવ્યું હતું કે, ઈસુ ખ્રિસ્ત આ જગત ઉપર શાંતિ ફેલાય તે માટે આવ્યા.શાંતિ માટે તેમણે વધસ્તંભ ઉપર પોતાનું જીવન અર્પી દીધું. આવા મુક્તિદાતાને વધાવવા તેમજ સમગ્ર માનવજાતને શાંતિનો સંદેશ પાઠવવા આ ક્રિસમસ રેલીનું આયોજન કરેલ છે.25 ડિસેમ્બર વિશ્વભરમાં ઈસુ જન્મને વધાવવા આનંદભેર ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે.જેની ઝાંખી રેલીમાં જોવા મળી હતી.

આ ભવ્ય ક્રિસમસ રેલી  એલિમ મેથોડિસ્ટ ચર્ચમાં આવી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
આ અંગે સેન્ટ મેરીઝના સભાપુરોહિત ફાધર આંબ્રોસ ડાભી જણાવ્યું હતું કે, ખ્રિસ્તી સમુદાય શાંતિ પ્રિય સમુદાય છે.રેલી દરમ્યાન ટ્રાફીકને અડચણરૂપ ન થાય તે રીતે સહુ જોડાયા હતા.સમાજમાં એકતા અને ભાઈચારો પ્રસરે અને દેશ સમૃદ્ધિના શિખરો સર કરે તેવી સમુદાય પ્રાર્થના કરી હતી. નડિયાદની તમામ ખ્રિસ્તી મંડળીઓ આ રેલીમાં જોડાઈ ઈસુ જન્મના વધામણાં કરવામાં આવ્યા હતા.