આણંદ ટુડે I આણંદ,
પેટલાદ સ્થિત સ્વામી સચ્ચિદાનંદ વિદ્યા સંકુલની વેસ્ટર્ન ઇંગ્લીશ મીડિયમ સ્કુલ, પેટલાદના ૧૭ માં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પદ્મ ભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ અને ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં સંકુલના વિકાસમાં ફાળો આપનાર દાતાશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક નાટીકાઓ અને મનમોહક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીએ શાળાના બાળકોને જણાવ્યું હતું કે મિત્રતામાં મિત્રનો સાથ આપવો એ ખૂબ જ જરૂરી છે, પરંતુ જે મિત્રને કુટેવ અને કુમાર્ગ પર જતા અટકાવે છે તે જ સાચો મિત્ર હોય છે. તેમણે આજના બાળકો આપણા દેશનું એવું યુવાધન છે જે દેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવશે તેમ જણાવી ઉપસ્થિત વાલીઓને અનુરોધ કરતાં કહયું હતુ કે, આજના વાલીઓ માટે ખૂબ જ જરૂરી છે કે તેઓ પોતાના બાળકની સાથે મિત્રતા કેળવે અને બાળકની મનોસ્થિતિ સાથે તાલમેલ કેળવીને તેનો સાથ આપે જેથી બાળક ભૂલથી પણ કોઈ કુટેવમાં ના સપડાઈ જાય. વાલીઓ પોતાના બાળકોના મિત્ર બનશે તો બાળક કોઈ ડર રાખ્યા વિના પોતાના મનની વાત કરી શકશે જેથી બાળકની કુટેવના માર્ગે જવાની શક્યતાઓ નહિવત થઇ જશે.
મંત્રીશ્રીએ જિલ્લામાં ડ્રગ્સના દુષણને નાથવા આણંદ પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરી હતી. તેમજ અન્ય તમામ ગુનાઓ સામે જે રીતે જિલ્લા પોલીસ દ્વારા મહિલાઓ અને નાગરિકોની પડખે ઊભા રહીને જિલ્લામાં કાયદા અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરવામાં આવ્યું છે તે માટે જિલ્લા પોલીસ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીએ સંતુલિત દાંપત્યજીવનનો આધાર સ્ત્રી અને પુરુષ બંનેની પરસ્પર સમજણ અને સહકાર પર નિર્ભર કરે છે પરંતુ સફળ દાંપત્યજીવનમાં સ્ત્રીઓનું યોગદાન ખૂબ જ મહત્વનું હોય છે તેમ જણાવ્યું હતું. સ્વામીશ્રીએ શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી સાંસ્કૃતિક નાટિકાઓ અને મનોરંજક કૃતિઓની પ્રશંસા કરી શાળાના બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને દાતાઓને શાળામાં યોગદાન આપવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રવીણકુમાર, પ્રાંત અધિકારીશ્રી પી.આર.જાની, દાતાઓશ્રી, ટ્રસ્ટીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં શાળાના બાળકો તથા તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
**************