આણંદ ટુડે I આણંદ,
આણંદ જિલ્લામાં નિર્માણ પામેલ પોલીસ આવાસના લોકાર્પણ પ્રસંગે આણંદ ખાતે પધારેલા ગુજરાતના ગૃહ રાજય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કાર્યક્રમ બાદ આણંદના નવા બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકાત લીધી હતી.
મંત્રીશ્રી હર્ષ સંઘવીએ નવા બસ સ્ટેન્ડની મુલાકાત દરમિયાન મુસાફરો માટે બેસવાના બાંકડા, પીવાના પાણીની સુવિધા, પંખાની સુવિધા, સ્વચ્છતા સંદર્ભે શૌચાલયની સુવિધાની સાથે તેની સ્વચ્છતા જળવાય રહે તેમજ બસ સ્ટેન્ડ અને ત્યાં આવતી બસોની સફાઈ થાય છે કે કેમ તે સંદર્ભેની જાણકારી મેળવી પ્રવાસીઓને સારી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે તાકિદ કરી હતી.
ગૃહ રાજય મંત્રીશ્રીએ નવા બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકાત લઈ નિરીક્ષણ કરી ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના અધિકારીશ્રીઓને બસસ્ટેન્ડમાં તાત્કાલિક નવા બાકડાઓ મુકવા તથા જ્યાં પણ પંખા નથી ત્યાં નવા પંખા લગાવવા, શૌચાલયની સફાઈ થાય તે માટેની વ્યવસ્થિત સુવિધા તથા મુસાફરોને પીવાનું પાણી મળી તે માટેની સુદ્રઢ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા અને તેની આસપાસ નિયમિત સફાઈ રાખવા અંગે સૂચના આપી હતી.
ગૃહ રાજય મંત્રીશ્રી હર્ષ સંઘવીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રીઓ શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રવીણ કુમાર તથા અગ્રણીશ્રી રાજેશભાઇ પટેલ ઉપસ્થિત રહયાં હતા.
*******