AnandToday
AnandToday
Monday, 18 Dec 2023 18:30 pm
AnandToday

AnandToday

ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટી (સી.વી.એમ.યુ) નો આજે પ્રથમ પદવીદાન સમારોહ યોજાશે

63 ગોલ્ડમેડલ સહિત સ્નાતક-અનુસ્નાતકની 1394 પદવી એનાયત કરાશે

પ્રસિદ્ધ ઉદ્યોગપતિ શ્રી પંકજ પટેલ હાજરી આપશે

આણંદ ટુડે I આણંદ
આજે 19મી ડિસેમ્બરે વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારૂતર વિદ્યા મંડળ સંચાલિત સીવીએમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાશે. પદવીદાન સમારોહ  વિદ્યાર્થીઓના પ્રયત્નો અને સફળતાની ઉજવણીનો પ્રસંગ છે.  જેમાં વિદ્યાર્થીઓ શિક્ષણની સિદ્ધિ માટે પુરસ્કાર મેળવે છે અને ભવિષ્યમાં સફળ અને પ્રતિબદ્ધ રહેવા માટે પ્રેરિત થઈ શકે છે. આ સાથે સમાજમાં શિક્ષણની મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રકાશિત કરી શકે છે. 
     સીવીએમ યુનિવર્સિટીના આ પદવીદાન પ્રસંગે સ્નાતક તથા અનુસ્નાતક અને પીએચડીની વિવિધ ફેકલ્ટીની કુલ 1394 પદવી એનાયત કરવામાં આવશે. જેમાં વિવિધ 7 ફેકલ્ટી(સ્ટ્રીમ) નો સમાવેશ થાય છે. શૈક્ષણિક વર્ષ 2022 અને 2023 બેચના ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારને મેડલ દ્વારા સન્માનીત કરવામાં આવશે. શાસ્ત્રી મેદાન ખાતે યોજાનાર સમારોહમાં મુખ્ય મહેમાન Zydus Lifescience ના ચેરમેન તથા IIMA ના  બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરપર્સન શ્રી પંકજ પટેલ હાજર રહેશે. આ સાથે ખ્યાતનામ ઉદ્યોગપતિ એવા L & T ના ચેરમેન શ્રી એ.એમ.નાઈકની વિશેષ ઉપસ્થિતિ રહેશે. ચારુતર વિદ્યા મંડળ અને CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઇ પટેલ તથા અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમ યોજાશે. 
આ પ્રસંગે કુલ 655 સ્નાતક ડિગ્રી, 735 અનુસ્નાતક ડિગ્રી અને 4 પીએચડી ડિગ્રી એનાયત કરવામાં આવશે. સૌથી વધુ સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે. પદવીદાન સમારોહમાં બે કેટેગરીમાં ગોલ્ડમેડલ એનાયત કરાશે. જેમાં ફેકલ્ટી પ્રમાણે અને બીજુ પ્રોગ્રામ પ્રમાણે, ગત વર્ષના પણ ગોલ્ડમેડલ સહિત કુલ 63 ગોલ્ડમેડલ આપવામાં આવશે. 
શૈક્ષણિક વર્ષ 2022 અને 2023ના ઉતીર્ણ વિદ્યાર્થીઑ સાથે  તા. 18 ડિસેમ્બરની મોડી સાંજે યુનિવર્સિટીના બોર્ડ મેમ્બર અને ટ્રસ્ટીઓએ સંવાદ કર્યો હતો, ચેરમેન સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા.  વિદ્યાર્થીઓએ તેમના શૈક્ષણિક કાર્યકાળ દરમ્યાન હકારાત્મક અનુભવ વર્ણવતા યુનિવર્સિટીના સુમેળ અને વિકાસશીલ વાતાવરણ વિશે વાત કરી હતી. પ્રતિભાવ આપતાં વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતું કે, યુનિવર્સિટીએ તેમને ભવિષ્યમાં આવનાર પડકારો માટે સુસજ્જ કર્યા છે, તદુપરાંત આધુનિક ઇન્ડસ્ટ્રિયલ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તાલીમ આપી છે અને નવી તકો માટે સક્ષમ બનાવ્યા છે. વધુમાં વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમે ભવિષ્યમાં યુનિવર્સિટીની  સેવા માટે હરહંમેશ તત્પર રહીશું, તેવી લાગણી રજૂ કરી હતી. 
સીવીએમ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહનું 19મી ડિસેમ્બરે સવારે 9.00 ક્લાકથી શાસ્ત્રી મેદાન ખાતે મુખ્ય શમિયાણામાં યોજવામાં આવશે.  ત્યારબાદ બપોર પછી  વિવિધ કોલેજના ઓડિટોરિયમ ખાતે દરેક વિદ્યાર્થીઓ માટે ઓનસ્ટેજ ડિગ્રી એનાયત કરવાનું આયોજન કરાયું છે. જેમાં કોમર્સ મેનેજમેંટ અને લૉ ફેકલ્ટીની ડિગ્રી બીજેવીએમ કોલેજ ખાતે, સાયન્સ ફેકલ્ટીની ડિગ્રી શાસ્ત્રીમેદાનના મુખ્ય શમિયાણા ખાતે, એજ્યુકેશન, એન્જીનિયરીંગ, ફાર્મા સ્યુટિકલ સાયન્સ અને આર્કિટેક્ચર ફેકલ્ટીની ડિગ્રી સેમકોમ કોલેજ  ખાતે, તથા આર્ટ્સ ફેક્લ્ટીની ડિગ્રી બીવીએમ ઓડિટોરિયમ ખાતે એનાયત કરવામાં આવશે. પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓ માટે શાંતિના પ્રતિક તરીકે શ્વેત  ડ્રેસ કોડ થીમ  નક્કી કરાયો છે.