આણંદ, મંગળવાર
કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR), નવી દિલ્હી દ્વારા વર્લ્ડ બેન્ક પુરસ્કૃત સેન્ટર ફોર એગ્રીકલ્ચરલ માર્કેટ ઈન્ટેલીજન્સ - નાહેપ કાસ્ટ પ્રોજેક્ટ કાર્યરત છે. આણંદ કૃષિ યુનિવર્સિટી અને ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીની સ્કુલ ઓફ કોમ્પ્યુટર, ડેટા અને મેથેમેટીકલ સાયન્સિઝ વિભાગના સંયુક્ત ઉપક્રમે એગ્રીકલ્ચરલ માર્કેટ ઈન્ટેલીજન્સ વિષય ઉપર તા. ૧૧ થી ૧૩ ડિસેમ્બર દરમિયાન યોજાનાર ત્રિ-દિવસીય આંતર રાષ્ટ્રીય કોન્ફરન્સનું આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કે. બી. કથીરીયાના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું છે.
આ ત્રિ-દિવસીય કોન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે ડૉ. કે. બી. કથીરીયાએ વર્તમાન સમયમાં બદલાતી વાતાવરણની પરિસ્થિતીઓ, ખેત પેદાશોના ભાવમાં અસમાનતા તેમજ અન્ય પાસાંઓને ધ્યાને લેતાં પ્રાઇસ ફોરકાસ્ટીંગની અગત્યતા જણાવી હતી. તેઓએ વધુમાં આણંદ કૃષિ યુનિવર્સિટી અને ઇસરો વચ્ચે વિવિધ પાકના ડેટાનું વિનિમય તેમજ સર્વેના માધ્યમથી વિવિધ પાકોમાં થતા નુકસાનને ધ્યાનમા રાખીને કરવામાં આવેલા એમઓયુ વિશે માહિતી આપી હતી.
કોન્ફરન્સમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવો દ્વારા એ.આઈ.ની વર્તમાન સમયમાં ઉપયોગિતા, માર્કેટ અને હવામાનની પરિસ્થિતિઓ તેમજ નવીનતમ ટેકનોલોજીને ખેડૂત સુધી ઝડપથી પહોંચાડવા અંગે શું કરી શકાય જેવા મુદ્દાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી.
આ ત્રિ-દિવસીય કાર્યક્રમમાં ૧૬ તાંત્રિક બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશ વિદેશના આશરે ૫૫૦ ડેલિગેટ્સ જોડાયાં છે. “ડ્રાઇવિંગ એગ્રીકલ્ચર ફોરવર્ડ: રીસન્ટ ટ્રેન્ડ્સ એન્ડ ઇનોવેશન્સઇન એગ્રીકલ્ચરલ માર્કેટ ઇન્ટેલિજન્સ” વિષય ઉપર વૈજ્ઞાનિકો, પ્રોફેસરો, વિદ્યાર્થીઓ, પ્રતિનિધિઓ તથા ઉદ્યોગ સાહસિકો સાથે વિચાર વિમર્શ અને મંતવ્યો રજૂ કરાશે.
આ કોન્ફરન્સના ઉદઘાટન સમારોહમાં ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ વેલફેરના કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ અને પ્રાઇસ ચેરમેન પ્રો. વિજય પોલ શર્મા, આઈસીએઆર,ન્યુ દિલ્હીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (એજ્યુકેશન) અને નેશનલ ડાયરેક્ટર નાહેપ ડૉ. આર. સી. અગ્રવાલ, વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી, ઓસ્ટ્રેલિયાના પ્રોફેસર ડૉ. અથુલા ગીનીગે, વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી,ઓસ્ટ્રેલિયાના સાઉથ એશિયાના રીજીયોનલ ડાયરેક્ટર ડૉ. નમ્રતા આનંદ, નેશનલ નાહેપ કાસ્ટ, આઇસીએઆર,ન્યુ દિલ્હીના નેશનલ કો-ઓર્ડીનેટર ડૉ.અનુરાધા અગ્રવાલ, આઈએબીએમઆઇના સંશોધન નિયામક, આચાર્ય અને ડીન ડૉ. એમ. કે. ઝાલા તેમજ યુનિવર્સિટીના અધિકારી-કર્મચારીઓ સહિત વૈજ્ઞાનિકો, પ્રોફેસરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
****