આણંદ ટુડે I આણંદ,
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન આણંદ જિલ્લાના પેટલાદ તાલુકા ખાતે કાર્યરત એસ.એસ.હોસ્પિટલ દ્વારા જિલ્લાના નાગરિકો કે જેઓ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવે છે તેઓને શ્રેષ્ઠ આરોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. એસ.એસ.હોસ્પિટલની ઉત્તમ આરોગ્ય સેવાનું એક ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું છે.
આણંદ જિલ્લાના ખંભાત તાલુકાથી સમુબેન અશોકભાઈ પરમાર તેઓના પાંચ દિવસના જુડવા બાળકોને કમળાની અસર થતાં બન્ને બાળકોને એસ.એસ.હોસ્પિટલ,પેટલાદ ખાતે ઓ.પી.ડી. માં સારવાર અર્થે લઈને આવ્યાં હતા. ઓ.પી.ડી. દરમિયાન બાળકોની આરોગ્ય તપાસ કરતા જાણવા મળ્યું કે બાળકોને કમળાની અસર મગજ સુધી પહોંચી ગઈ હતી. એટલું જ નહીં પરંતું વધુમા માતાનુ બ્લડ ગૃપ નેગેટીવ તથા બંને બાળકોનુ બ્લડ ગૃપ પોઝીટીવ હોવાનું પણ જાણવા મળ્યું હતું હતુ. જેથી બાળકો માટે લોહી માટેની (બ્લડ એક્સચેન્જ ટ્રાંસ્ફ્યુઝન) જરૂરીયાત ઊભી થઈ હતી પરંતુ આ પ્રક્રિયા નાના બાળકોમા ઘણી જટીલ હોવાથી મોટી હોસ્પિટલોમા જ કરવામા આવે છે.
સમુબેનના બન્ને બાળકોને એસ.એસ.હોસ્પિટલ,પેટલાદ ખાતે કાર્યરત એસ.એન.સી.યુ. (SNCU) વિભાગમા દાખલ કરવામાં આવ્યા અને ત્યારબાદ બાળકોને પાતળી નશમાં ઇન્જેક્શન આપ્યા બાદ ફોટોથેરાપીની સારવાર ચાલુ કરવામાં આવી હતી. બાળકોને લોહી બદલવા માટેની (બ્લડ એક્સચેન્જ ટ્રાંસ્ફ્યુઝન) માટે લોહીની સગવડ અને તે માટેની જટીલ પ્રક્રિયા પણ એસ.એસ.હોસ્પિટલ ખાતે જ વિનામૂલ્યે કરવામા આવી હતી. સમુબેનના બન્ને બાળકો પૈકી એકની હાલત ખેંચ આવવાને લીધે ગંભીર હોવાથી તે બાળકને દસ દિવસ વેન્ટીલેટર(CPAP) ઉપર રાખવામા આવ્યુ હતુ. બન્ને બાળકોને IV lg ઇન્જેક્શન કે જેની કિંમત ખુબ જ વધારે હોય છે તે પણ હોસ્પિટલ ખાતે વિનામુલ્યે આપવામાં આવ્યા હતા.
હોસ્પિટલના મુખ્ય જીલ્લા તબીબી અધિકારીશ્રી ડૉ. ગિરિશ કાપડીયાના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલના પીડીયાટ્રીક ડૉ. વિશ્વા ચૌહાણ તથા એસ.એન.સી.યુ. વિભાગના તમામ સ્ટાફની સખત મહેનત અને નિષ્ઠાપુર્વક કરવામાં આવેલી બાળકોની સારસંભાળના કારણે બન્ને બાળકો ૧૫ દિવસ પછી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઇ ગયાં હતા જેથી તેઓને તા.૦૪/૧૨/૨૦૨૩ના રોજ એસ.એસ.હોસ્પિટલ,પેટલાદ ખાતેથી રજા આપવામાં આવી હતી.
આમ જે સારવાર માટે માત્ર મોટી ખાનગી હોસ્પિટલમાં જઈને ખર્ચાળ સારવારનો જ સહારો લેવો પડે એવી સ્થિતિમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સમુબેનના બન્ને બાળકોની તમામ સારવાર વિનામૂલ્યે કરીને એસ.એસ.હોસ્પિટલ પેટલાદ દ્વારા સરકારની શ્રેષ્ઠ આરોગ્ય સેવાનું ઉત્તમ દષ્ટાંત પૂરૂં પાડ્યું છે.
***********