AnandToday
AnandToday
Saturday, 02 Dec 2023 18:30 pm
AnandToday

AnandToday

આણંદ જિલ્લાની તમામ સરકારી શાળાના શિક્ષકોને સી.પી.આર. તાલીમ આપવામાં આવશે : પ્રથમ તબક્કે ૫,૬૫૭ શિક્ષકોને તાલીમ અપાઈ

આગામી તા. ૧૭ મી ડિસેમ્બરના રોજ બાકી રહેતા ૩,૫૧૬ શિક્ષકોને તાલીમ આપવામાં આવશે


આણંદ, રવિવાર
 નાની ઉંમરે બાળકો અને યુવાનોમાં વધતા જતા કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાને લઈ આવી ઘટના સમયે દર્દીનો જીવ બચાવી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટના સહયોગથી રાજ્યની તમામ સરકારી પ્રાથમિક/માધ્યમિક/ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના તમામ શિક્ષકોને સી.પી.આર. તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત આણંદ જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કાર્યરત શિક્ષકોની તાલીમનું શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના ભાગરૂપે જિલ્લાના ૯,૧૭૩ શિક્ષકો પૈકી પ્રથમ તબક્કામાં ક્લસ્ટર વાઇઝ ૫,૬૫૭ શિક્ષકોને સી.પી.આર. તાલીમ આપવામાં આવી છે, જ્યારે બાકી રહેતા ૩,૫૧૬ શિક્ષકોને આગામી તા. ૧૭ મી ડિસેમ્બરના રોજ તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ તાલીમ સમયે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી, ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલ, અગ્રણીશ્રીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અર્ચનાબેન પ્રજાપતિ તેમજ શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનીય છે કે, સી.પી.આર. પદ્ધતિમાં કાર્ડિયાક અરેસ્ટ સમયે છાતી પર અમુક નિયત જગ્યાએ, નિયત સમયે દબાણ આપવાનું હોય છે જેનાથી વ્યક્તિનો જીવ બચાવી શકાય છે. શિક્ષકોને આપવામાં આવનાર સી.પી.આર. તાલીમ આગામી સમયમાં જિલ્લાના લોકોને ઘણી મદદરૂપ સાબિત થશે.
*******