AnandToday
AnandToday
Friday, 01 Dec 2023 18:30 pm
AnandToday

AnandToday

નડિયાદ B.A.P.S મંદિર ના મુર્તિ પ્રતિષ્ઠા ઉપક્રમે વિરાટ મહિલા સંમેલન યોજાયું

બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા મહિલા સન્માન અને મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તિનો અદ્ભુત પરિચય 

આણંદ ટુડે I નડીઆદ,

નડિયાદ ખાતે નુતન બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર મુર્તિ પ્રતિષ્ઠા ઉપક્રમેતા.૨/૧૨/૨૦૨૩, શનિવારના રોજ સવારે મંદિર પરિસરમાં નુતન સભાગૃહ “કેશવ કથાકુંજ”માં મહાપૂજા વિધિ થાય બાદ, બપોરે આ સભાગૃહમાં સૌ પ્રથમ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવાનું સૌભાગ્ય મહિલા પ્રવૃત્તિને પ્રાપ્ત થયું હતું. 

બપોરે ૨.૩૦ કલાકે નડિયાદ મંદિર હેઠળની મહિલા પાંખના તમામ મંડળો કે જેમાં નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત બાલિકા, યુવતી, મહિલા સંયુક્ત મંડળોના તમામ મહિલાઓનું “વિરાટ મહિલા સંમેલન” યોજાયું હતું. ઉલ્લેખનીય છે કે નડિયાદ ઝોન હેઠળ ૮૨ બાલિકા મંડળોમાં ૧૫૬ કાર્યકરો,૩૭ યુવતી મંડળોમાં ૫૮ યુવતી કાર્યકરો અને ૯૦ મહિલા મંડળોમાં ૧૫૩ કાર્યકરો સેવાઓ આપી રહ્યા છે. 

ભારતવર્ષના ઈતિહાસમાં આજે પણ માતા સીતાજી , દ્રૌપદી, રાણી લક્ષ્મીબાઇ, દમયંતી, ભક્ત શબરીબાઈ, શિવાજીના માતા જીજીબાઈ, સનાતન સ્વામીનારાયણ સંપ્રદાયમાં મુક્તરાજ જીવુબા- લાડુબા, ઝમકુબા જેવા અનેક નારી રત્નોની ગાથા આજે પણ ગવાય છે, તેમ બી.એ.પી.એસ.ની  ગૌરવવંતી ગાથામાં સેંકડો મહિલા ભક્તોઓની સેવા, સમર્પણ અને ભક્તિનું સાતત્ય આજે પણ અત્યંત નોંધપાત્ર અને વંદનીય રહ્યું છે. નડિયાદ બી.એ.પી.એસ.સ્વામીનારાયણ મંદિરના નેજા હેઠળ ચાલતી મહિલા પાંખ દ્વારા જ સમગ્ર કાર્યક્રમનું આયોજન, સંચાલન અને પ્રસ્તુતિ થયા હતા. જેમાં ૭ વર્ષની બાલિકા થી લઈને ૬૦ વર્ષની મહિલા સામેલ થયા હતા. સંસ્થાની મધ્યસ્થ કાર્યાલય,અમદાવાદના મહિલા અગ્રેસર બહેનો પણ આ વિરાટ મહિલા સંમેલનમાં હાજર રહ્યા હતા.સમગ્ર ખેડા ઝોનમાં મહિલા પ્રવૃત્તિની સેવા સંભળાતા ૧૭ સંયોજક બહેનો અને ૩૭ નિર્દેશિકા બહેનોએ સેવા આપી હતી.

મહિલા સંમેલન દરમિયાન બાલિકા,કિશોરી અને યુવતીઓ દ્વારા ભરત નાટ્યમ, નૃત્ય નાટીકા, ગરબા સહિતના  સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયેલ હતા. આ ઉપરાંત “ગુરુનો મહિમા વિશ્વે વહાવીએ” એ વિષય આધારિત કાર્યક્રમો,સંવાદ અને વિડિઓ નિદર્શન પણ આ મહિલા સંમેલનમાં રસપ્રદ રહ્યા હતા. નડિયાદમાં નુતન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના નિર્માણમાં મહિલાઓની સેવા અને સમર્પણની ગાથાઓ પણ રજૂ  થઈ હતી. નડિયાદની અનેક માતાઓએ પોતાના દીકરાને બી.એ.પી.એસ. સંસ્થામાં ત્યાગશ્રમની દિક્ષા માટે સમર્પિત કર્યા છે, આવી સમર્પિત અને નિષ્ઠવાન માતાઓનું આ મહિલા સંમેલનમાં સન્માન કરવામાં આવ્યું હતું. ૯૦ યુવતીઓ દ્વારા સ્વાગત નૃત્ય રજૂ થયું જેમાં મરાઠી રાજસ્થાની, પંજાબી, અને ગુજરાતી ભાષામાં અલગ અલગ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ૨૦ યુવતીઓ દ્વારા ભરત નાટ્યમ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. નડિયાદ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો અંતર્ગત : ઉત્તરસંડા,  અલીન્દ્રા,  ડભાણ, મહેમદાવાદ અને મહુધા વિસ્તારના ૫૦૦૦ ઉપરાંત મહિલાઓએ આ સંમેલનનો લાભ લીધો હતો.આ પ્રસંગે શિવાનીબેન ગોયેલ અગ્રવાલ, ડી.ડી.ઓ., ચિત્રાબેન રત્નુ, ચીફ જયુડિ. મેજિસ્ટ્રેટ, કિન્નરીબેન શાહ, નડિયાદ નગર પાલિકા પ્રમુખ, શિલ્પાબેન ભારાઈ, ડી.વાય.એસ.પી.બ્રહ્મા કુમારિઝના પૂર્ણિમાદીદી,ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી જ્હાનવીબેન વ્યાસ શાસના અધિકારી ધારાબેન સહિત અનેક અગ્રણી મહિલાઓ આમંત્રણને માન આપી પધાર્યા હતા, જે સૌનું અભિવાદન કરવામાં આવ્યું હતુ રવિવાર, તા ૦૩ ડિસેમ્બર ૨૦૨૩ની સાંજે  ૫ વાગ્યાથી, સાક્ષર ભૂમિ નડિયાદમાં સ્વામિનારાયણ સત્સંગના ઈતિહાસ અને વર્તમાનને વર્ણવતી  ઐતિહાસિક સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ “ગાથા નગર નડિયાદની”, બાળકો અને યુવકો દ્વારા રજુ થશે.