AnandToday
AnandToday
Friday, 01 Dec 2023 18:30 pm
AnandToday

AnandToday

સ્વચ્છતા હી સેવા : શુભ યાત્રા સ્વચ્છ યાત્રા

મુસાફરોને બસમાં સ્વચ્છતા જાળવવા માટે અનુરોધ કરતા સાંસદશ્રી મિતેષભાઈ પટેલ

આણંદ નવા બસ સ્ટેશન ખાતે સ્વચ્છતાની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી

આણંદ, શનિવાર

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનથી શરૂ થયેલ દેશવ્યાપી “સ્વચ્છતા હી સેવા” અભિયાનના ભાગરૂપે સમગ્ર દેશમાં સ્વચ્છતા અંગેની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં સ્વચ્છતા ઝુંબેશને વ્યાપક બનાવવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા નાગરિકોની મુસાફરી સ્વચ્છ અને સુગમમય બની રહે તે માટે એક નવતર પહેલના ભાગરૂપે ”શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પઈનની શરૂઆત કરવામાં આવી છે. 

જે અંતર્ગત રાજ્યના તમામ બસ સ્ટેશનો ખાતે સ્વચ્છતાની વિવિધ કામગીરી હાથ ધરાશે. જેમાં વિવિધ એન.જી.ઓ, શાળા/કોલેજોના સહયોગથી શેરી નાટકો, સ્વછતા દોડ, રકતદાન શિબિર, વોલ પેઇન્ટિંગ અને બસ સ્ટેશનો ખાતે વૃક્ષારોપણ કરાશે. નિગમની બસો અને બસ સ્ટેશનો પ્લાસ્ટિક મુક્ત બને તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે તેમજ સોશિયલ મીડિયા પર હેશટેગ(#) શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન ચલાવાશે.

આ અભિયાનના ભાગરૂપે આજે આણંદ ખાતે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, આણંદ નગરપાલિકા પ્રમુખશ્રી જીગ્નેશભાઈ પટેલ તેમજ નિગમના અધિકારી-કર્મચારીઓની ઉપસ્થિતિમાં આણંદ સ્થિત નવા બસ સ્ટેશન ખાતે સ્વચ્છતાની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

આ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલે મુસાફરોને બસમાં સ્વચ્છતા જાળવવા માટે અનુરોધ કરતા જણાવ્યુ હતું કે, નિગમની તમામ બસમાં ડસ્ટબીન મુકવામાં આવી છે, એટલે કચરો બસમાં ના ફેંકતા મુસાફરોએ પ્રવાસ દરમિયાન કચરાને ડસ્ટબીનમાં જ નાખવો જોઇએ. બસ ઉપરાંત જાહેર સ્થળો, રસ્તા, બગિચા તમામ જગ્યાએ સ્વચ્છતા જાળવવી જોઈએ તેમ વધુમાં ઉમેર્યું હતું. આ ઉપરાંત તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના આહવાનને જીલી લઈને સ્વચ્છતા જળવાય તે માટે અઠવાડિયામાં એક કલાક અચુક શ્રમદાન કરવા અપીલ કરી હતી. 

આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ બસ અને બસ સ્ટેશનની સ્વચ્છતાનું નિરીક્ષણ કરીને નિગમના અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા. 
***