આણંદ ટુડે I મહુધા
સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ દેશના પ્રત્યેક ગામના નાગરિકો સુધી પહોંચે તે હેતુથી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આજે ખેડા જિલ્લામાં શુભારંભ થયો છે. જે અંતર્ગત મહુધા ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહિડાના હસ્તે મહુધા તાલુકાના મૂળજ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને લીલી ઝંડી આપી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં એનીમિયા તથા ટીબી નિદાન માટેના સ્ટોલ, આધાર કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, દીન દયાળ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પોષણ યોજના, વગેરે યોજનાના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંદેશનું જીવંત પ્રસારણ અને અન્ય ફિલ્મો નિહાળવામાં આવી.
આ પ્રસંગે સખીમંડળ, આરોગ્ય, પોષણ આહાર, વૃદ્ધ સહાય, યોજનાના મૂળજ ગામના લાભાર્થીઓએ પોતાને મળેલ લાભની વાત કરી અન્ય લોકોને સરકારની યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.
આ ઉપરાંત વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મૂળજ ગામની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ધરતી કહે પુકાર કે નાટક રજૂ કરવામાં આવ્યું હતું. તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આગામી ૨૧ ડિસેમ્બર સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ આ રથ મહુધા તાલુકાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરી સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતી પહોંચાડશે.
આ કાર્યક્રમમાં મહુધા તાલુકા વિકાસ અધિકારી શ્રી જ્યોતિબેન દેસાઈ, મૂળજ ગામના સરપંચશ્રી, અગ્રણીઓ તેમજ સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.