AnandToday
AnandToday
Wednesday, 29 Nov 2023 18:30 pm
AnandToday

AnandToday

બોરસદ તાલુકાના ગોરેલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ

ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરાયો

આણંદ, ગુરૂવાર 

 વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રત્યેક વ્યક્તિ સુધી સરકારના યોજનાકિય લાભો પહોંચાડીને તેમના વિકાસને આકાર આપવાની સાથે વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. જે અંતર્ગત આણંદના બોરસદ તાલુકામાં આવેલ ગોરેલ ગામની પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ હતી. 

આ કાર્યક્રમના પ્રારંભમાં વિકસિત ભારત માટેનો સંકલ્પ વિડીયો, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો રેકોર્ડેડ વિડિયો અને વિકસિત ભારત ઉપર નિર્મિત ફિલ્મને કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારી- પદાધિકારીઓ, મહાનુભાવો સહિત ગ્રામજનોએ નિહાળી હતી. 

કાર્યક્રમના ભાગરૂપે મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત ગોરેલ ગામના ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી યોજના તેમજ સ્વ-સહાયજૂથના લાભાર્થીઓએ તેમને મળેલા સરકારી યોજનાના લાભ વિશે પ્રતિભાવ રજૂ કરી સરકાર પ્રત્યે આભારભાવ પ્રગટ કર્યો હતો. 

કાર્યક્રમમાં જલજીવન મિશન અંતર્ગત ગોરેલ ગ્રામ પંચાયતને હર ઘર જલ ગ્રામ જાહેર થવા બદલ ગામના સરપંચને અભિનંદન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેમજ પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના હેઠળ ગામની ત્રણ મહિલાઓને ગેસ સ્ટવ અને સિલિન્ડર આપવામાં આવ્યાં હતાં. ગામની સગર્ભા મહિલાઓને પોષણ મળી રહે તે માટે ટી.એચ.આર. પેકેટ તથા ગામના ટી.બી.ના દર્દીને પોષણ કીટ આપવામાં આવી હતી. 

મહાનુભાવોના હસ્તે વિવિધ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શાળાના રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થનાગીત, સ્વાગતગીત રજુ કરવામાં આવ્યું હતું તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ અનવ્યે ધરતી કહે પુકાર નાટક રજૂ કરવામાં આવ્યું હતું.  

આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ગ્રામજનોને અનેકવિધ યોજનાઓના લાભ સરળતાથી મળી રહે તે હેતુથી શાળાના પટાંગણમાં વિવિધ વિભાગોના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતાં જેની મહાનુભાવો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં ગામના સરપંચ દ્વારા આભારવિધી કરવામાં આવી હતી. 

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી મિહિરભાઇ પટેલ, ડેપ્યુટી સ્ટેમ્પ કલેક્ટરશ્રી ડી.એ.ઝાલા, મામલતદારશ્રી નીતીનભાઇ દેસાઇ, તાલુકા વિકાસ અધિકારીશ્રી ભાવેશભાઇ પટેલ, વિસ્તરણ અધિકારીશ્રી, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી લક્ષ્મીબેન પરમાર, આર.સી.એચ.ઓ આણંદ, ટી.એચ.ઓ. બોરસદ સહિત અન્ય સંબંધીત વિભાગના અધિકારી-કર્મચારીશ્રી, શાળાના આચાર્યશ્રી, અગ્રણી સર્વશ્રી રાજેશભાઇ પટેલ, જગતભાઇ પટેલ, દત્તેશભાઇ અમીન સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓ, શાળાના બાળકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયાં હતાં. 

**********