AnandToday
Wednesday, 22 Nov 2023 18:30 pm
AnandToday
ચારૂસેટ સંલગ્ન BDIPSના ઓપ્ટોમેટ્રી વિભાગની ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ઝળહળતી સિદ્ધિ
કોન્ફરન્સમાં બેચલર ઓફ ઓપ્ટોમેટ્રીની ત્રીજા વર્ષની વિદ્યાર્થીની ખદીજા દુધીયાવાલાએ VR FOR VISION :A TECHNOLOGY DRIVEN SOLUTION FOR LOW-VISION (VR ફોર વિઝન : લો-વિઝન માટે ટેક્નોલોજી આધારિત સોલ્યુશન)ના વિષય સાથે પોસ્ટર પ્રેઝન્ટેશનમાં પહેલું ઇનામ મેળવ્યું
આણંદ ટુડે I ચાંગા
ચાંગાસ્થિત ચારુસેટ યુનીવર્સીટી સંલગ્ન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પેરામેડિકલ સાયન્સ (BDIPS)ના ઓપ્ટોમેટ્રી વિભાગે ઇન્ટરનેશનલ ઓપ્ટોમેટ્રી કોન્ફરન્સમાં ભાગ લઇ ઝળહળતો પ્રશંસનીય દેખાવ કરી સંસ્થાનું નામ રોશન કર્યું હતું.
એસોસિએશન ઓફ સ્કૂલ્સ એન્ડ કોલેજ ઑફ ઓપ્ટોમેટ્રી (ASCO) દ્વારા ઇન્ટરનેશનલ ઓપ્ટોમેટ્રી કોન્ફરન્સ ASCON-3નું આયોજન ગાંધીનગરમાં કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી અને નિષ્ણાતો સાથે કુલ 700 થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જેમાં ચારુસેટના BDIPS ના બે અધ્યાપકો ઓપ્ટોમેટ્રી વિભાગના વડા જયદેવસિંહ પારગરા અને આસીસ્ટન્ટ પ્રોફેસર દેવાંશી દલાલ અને 3 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.
કોન્ફરન્સમાં બેચલર ઓફ ઓપ્ટોમેટ્રીની ત્રીજા વર્ષની વિદ્યાર્થીની ખદીજા દુધીયાવાલાએ VR FOR VISION :A TECHNOLOGY DRIVEN SOLUTION FOR LOW-VISION (VR ફોર વિઝન : લો-વિઝન માટે ટેક્નોલોજી આધારિત સોલ્યુશન)ના વિષય સાથે પોસ્ટર પ્રેઝન્ટેશનમાં પહેલું ઇનામ મેળવ્યું હતું જેને દેવાંશી દલાલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
દેવાંશી દલાલને લો વિઝન એસેસમેન્ટ અને મેનેજમેન્ટ પર આયોજિત વર્કશોપમાં અતિથિ વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને ASCO (FASCO) ના ફેલો તરીકેની માન્યતા પ્રાપ્ત થઈ હતી.
જયદેવસિંહ પારગરા ASCON-3 ટીમના કમિટી મેમ્બરમાં સામેલ હતા જેઓ સમગ્ર ભારતમાં ઓપ્ટોમેટ્રીના વિવિધ કોલેજોમાંથી અન્ય ફેકલ્ટીઓ સાથે ક્વિઝ અને સાંસ્કૃતિક કાર્યક્રમ વિશેના આયોજનની દેખરેખ રાખતા હતા. તેમણે ક્વિઝ માસ્ટર તરીકે કામગીરી કરી હતી અને ASCON-3ના સાંસ્કૃતિક કાર્યક્રમનું સંકલન કર્યું હતું જેમાં 17 થી વધુ કોલેજોએ ડાન્સ, ફેશન શો અને અન્ય જેવા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેમણે માઈગ્રેશન ઓફ કોસ્મેટીક્સ ઇન ટીયર ફિલ્મ વિષય સાથે પેપર પ્રેઝન્ટેશન કર્યું હતું. BDIPS ના વિદ્યાર્થીઓના પ્રતિસાદના આધારે તેમને વર્ષ 2023નો શ્રેષ્ઠ ફેકલ્ટીનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
ઓપ્ટોમેટ્રીની વિવિધ વિશેષતાઓમાં ખરેખર વિવિધતા ધરાવતી આ કોન્ફરન્સમાં હાજરી આપવા વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. કોન્ફરન્સમાં હાજરી આપવાનો ઉદ્દેશ્ય માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે ઓપ્ટોમેટ્રીના ક્ષેત્રમાં ભવિષ્યમાં આવનારા પરિવર્તનો અને ટેકનોલોજી વિષે વિદ્યાર્થીઓને વધુ એક્સપોઝર આપવાનો હતો. કોન્ફરન્સમાં ફેકલ્ટીઓ, ખાસ કરીને વિદ્યાર્થીઓએ સમગ્ર ભારતમાં વિવિધ ઓપ્ટોમેટ્રી કોલેજના વિવિધ ઓપ્ટિકલ ઉદ્યોગ, ઉદ્યોગસાહસિકો, વિદ્યાર્થીઓ સાથે આદાનપ્રદાન કરી માહિતી પ્રાપ્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ASCO ઈન્ડિયા એ ભારતમાં ઓપ્ટોમેટ્રી શિક્ષણને પ્રોત્સાહન આપવા, આગળ વધારવા અને શ્રેષ્ઠતા હાંસલ કરવા પ્રતિબદ્ધ સંસ્થા છે. ASCO ઓપ્ટોમેટ્રી વ્યવસાયને લગતા મુદ્દાઓ માટે અને ઓપ્ટોમેટ્રી શિક્ષણ અને પ્રેક્ટિસને સુધારવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કામ કરે છે. ASCO ઉદ્યોગ સાથે નેટવર્ક કરે છે અને શિક્ષણવિદો અને ઉદ્યોગ વચ્ચે સુમેળ બનાવે છે.