આણંદ ટુડે I આણંદ,
મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમ - ૨૦૧૬ અંતર્ગત ઘન કચરાને એકત્ર કરી નગરપાલિકા દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવામાં આવે છે, પરંતુ અમુક વ્યક્તિ કે સંસ્થા દ્વારા આ ઘનકચરાને ઢગલા કરીને તેમને બળાતું હોવાનું ધ્યાનમાં આવેલ છે. આ કચરાની અંદર પ્લાસ્ટિક કે ઇલેક્ટ્રોનિક કચરો પણ હોય છે, જેને જાહેરમાં ખુલ્લામાં બાળવાથી માનવ સ્વાસ્થ્યને નુકસાન કરતા વાયુઓ ઉત્સર્જિત થઈ શકે છે. જેના પરિણામે ગંભીર બિમારીઓ થવાની શક્યતા છે. આથી આણંદ જિલ્લાના નાગરિકોની જાહેર સુખાકારીને ધ્યાને લઈ જાહેરમાં કચરો બાળવા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોય આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ એક જાહેરનામા દ્વારા આણંદ જિલ્લાની હદમાં આવેલ તમામ વિસ્તારો, જાહેર માર્ગો, ફૂટપાથ તથા જાહેર સ્થળો ખાતે કચરો કે કોઈપણ પ્રકારનો વેસ્ટ સળગાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.
આ હુકમ સમગ્ર આણંદ જિલ્લાના વિસ્તાર માટે લાગુ પડશે, આ હુકમ તા. ૩૧/૧૨/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ હુકમનો હુકમનો ભંગ કરનાર વ્યક્તિ કાયદાની જોગવાઈને આધિન સજાને પાત્ર થશે.
*****