AnandToday
AnandToday
Monday, 20 Nov 2023 00:00 am
AnandToday

AnandToday

તબીબી શૈક્ષણિક ક્ષેત્રમાં સંયોજન સાધવા માટે

પેન્સિલવેન્યા હાઉસ અમેરિકાના પ્રતિનિધીઓએ ભાઈકાકા યુનિવર્સિટી કરમસદની મુલાકાત લીધી

આરોગ્ય, તબીબી અને નર્સિંગ ક્ષેત્રે શિક્ષણ અને અધ્યાપકોના આદાન-પ્રદાન વિશે વિવિધ પાસા ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવી.

આણંદ ટુડે I આણંદ
ઈન્ડો અમેરિકન કૉમ્યુનિટી ઑફ સ્કેન્ટનના પ્રમુખ શ્રી અલ્પેશ પટેલ તથા પેન્સિલવેન્યા હાઉસના પ્રતિનિધિઓ એરોન કૌફર (નાણાં, આરોગ્ય, પરિવહન સમિતિના સભ્ય) અને ઍલેક જોસેફ રીન્કવેજ (ગ્રાહક સુરક્ષા, ટૅકનોલૉજી અને ઉપયોગીતા, સ્થાનિક સરકાર સમિતિના સભ્ય) સાથે મળીને તબીબી શિક્ષણ, પશુપાલન, સૌર ઉર્જા ક્ષેત્રે સહયોગ સાધવા માટે ૧૪ નવેમ્બરથી એક અઠવાડિયા માટે ભારતના પ્રવાસે આવ્યા છે.
 તારીખ ૨૦ નવેમ્બર, ૨૦૨૩ના રોજ તબીબી શૈક્ષણિક ક્ષેત્રે સહયોગ સાધવા માટે ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદની આ પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી.

ભાઈકાકા યુનિવર્સિટી સંચાલિત પ્રમુખસ્વામી મૅડિકલ કૉલેજના ડીન ડો. હિમાંશુ પંડયા અને નર્સિંગ ઈન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ શ્રી શૈલેષ પંચાલ દ્વારા પ્રતિનિધિ મંડળને આવકારી પ્રમુખસ્વામી મૅડિકલ કૉલેજના વિવિધ વિભાગો – પ્રયોગશાળાઓ, યુનિવર્સિટીના નૉલેજ સેન્ટર અને ક્લિનીકલ સ્કિલ લૅબોરેટરીની મુલાકાત કરાવી હતી.
ભાઈકાકા યુનિવર્સિટીના મૅનેજમેન્ટ સેન્ટરમાં યુનિવર્સિટીના પ્રમુખશ્રી શ્રી અતુલભાઈ પટેલના વડપણ હેઠળ આરોગ્ય, તબીબી અને નર્સિંગ ક્ષેત્રે શિક્ષણ અને અધ્યાપકોના આદાન-પ્રદાન વિશે વિવિધ પાસા ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવી. આ ચર્ચામાં પેન્સિલવેન્યા હાઉસના પ્રતિનિધીઓ તથા ચારુતર આરોગ્ય મંડળના માનદમંત્રી શ્રી જાગૃત ભટ્ટ, બોર્ડના સભ્ય શ્રી અમિતભાઈ પટેલ, યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉ. હરિશ દેસાઈ, શ્રી કૃષ્ણ હૉસ્પિટલના મૅડિકલ સુપ્રિટેન્ડન્ટ શ્રી જીતેશ દેસાઈ, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી રમણલાલ સોલંકી, ધ ખેડા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકના ચેરમેનશ્રી તેજસભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

એરોન કૌફરે જણાવ્યું હતું કે, પેન્સિલવેન્યામાં નર્સિસ પેરા મૅડિકલ સ્ટાફ અને ફિઝિશ્યનની મોટાપાયે ઉણપ છે જેથી પેન્સિલવેન્યાની ગવર્નમેન્ટ ગુજરાત સરકાર અને મૅડિકલ તથા પેરા મંડિકલ શૈક્ષણિક સંકુલો વગેરે સાથે સહયોગ સાધવા માગે છે. જેમાં ભાઈકાકા યુનિવર્સિટીનો પણ સહયોગ પ્રાપ્ત થશે તેવી આશા દર્શાવી હતી.

શ્રી અતુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભાઈકાકા યુનિવર્સિટીમાં ૧૦૯ પી.જી. મૅડિસિનની સીટ છે અને ૧૫૦ જેટલી ગ્રેજ્યુએટ કક્ષાની મૅડિસિનની સીટ છે તેમાં ૧૫ ટકા એન.આર.આઈ.ની સીટ ફાળવવામાં આવી છે. તે જ મુજબ નર્સિંગ ઈન્સ્ટિટ્યૂટમાં ૯૦ ટકા વિદ્યાર્થિનીઓ માટે અને ૧૦ ટકા વિદ્યાર્થીઓ માટે સીટ ફાળવેલ છે. મોટા ભાગની નર્સિંગની વિદ્યાર્થિનીઓ આર્થિક રીતે પછાત કુટુંબમાંથી આવે છે. આવી વિદ્યાર્થિનીઓને વિદેશમાં ભણવાની તક મળે તે પણ ઓછી ફીમાં તથા ઓછા વ્યાજદરે તો તેઓનું ભવિષ્ય ઉજ્જવળ થઈ શકે તેમ છે. જે અંગે પેન્સિલવેન્યાના પ્રતિનિધિ મંડળે ગંભીર ચર્ચા વિચારણા કરવી જરૂરી છે.
તેઓએ વધુમાં જણાવ્યું કે નર્સિંગ ઈન્સ્ટિટ્યૂટમાં હાલમાં વિદ્યાર્થીઓની ક્ષમતા ૩૦ જેટલી છે પરંતુ વિદ્યાર્થીઓનો ધસારો જોતાં ૮૦ જેટલી નર્સિંગની સીટની વ્યવસ્થા કરવા નર્સિંગ ઈન્સ્ટિટ્યૂટનું નવીનીકરણ કરવામાં આવનાર છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે પ્રેક્ટિકલ જ્ઞાન પણ પૂરું પાડે છે. પેન્સિલવેન્યા હાઉસ સાથે પરસ્પર સમજૂતીથી વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના આદાન-પ્રદાનની તકો ઉપલબ્ધ થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ભારતભરમા ક્વૉલિફાઈડ ડૉક્ટરો તથા નર્સિસની ભારે અછત છે. યુનિવર્સિટી સંચાલિત શ્રી કૃષ્ણ હૉસ્પિટલમાં પણ નર્સિસની અછત રહેતી હોય છે.

યુ.એસ.ના પાંચમા સૌથી વધુ વસ્તી ધરાવતા રાજય પેન્સિલવેન્યાએ હાલમાં જ ઑક્ટોબર માસને હિન્દુ હૅરિટેજ મહિના તરીકે જાહેર કર્યું. અને દિવાળીને રાષ્ટ્રીય રજા તરીકે સ્વીકારતું બીલ પણ સેનેટમાં પસાર કરવામાં આવ્યું છે.

સમગ્ર મુલાકાતના આયોજન અંગે જીલ્લાની શ્રેષ્ઠ ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેનશ્રી તથા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.