આણંદ ટુડે I આણંદ
આણંદના BAPS સ્વામિનારાયણ મંદિરમાં વર્ષ ૨૦૨૩ના દિવાળી – નુતન વર્ષના ચોપડા પૂજન તથા અન્નકૂટ ઉત્સવની ભક્તિ સભર ઉજવણી કરવામાં આવેલ હતી.પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી પૂજ્ય સંતો દ્વારા આ ઉત્સવનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સેવા- સમર્પણના જીવંત પ્રતિક સમાન આ ઉત્સવની સેવામાં બાળકો-કિશોરો-યુવકો-બાઈ-ભાઈ સંતોના માર્ગદર્શન મુજબ મહિના અગાઉથી જોડાયા હતા. તા.૧૩/૧૧/૨૦૨૩ના રોજ અન્નકૂટ ઉત્સવમાં ઠાકોરજી સમક્ષ વિવિધ વાનગીઓને જુદા જુદા સ્તરમાં સંતોના માર્ગદર્શન અનુસાર સંતો, યુવકોએ કલાત્મક રીતે ગોઠવી દીધી હતી. જોત જોતામાં ૧૪૪૬ વાનગીઓનો સમાવેશ કરતો ભવ્ય કલાત્મક અન્નકૂટ ઠાકોરજી સમક્ષ પ્રસ્તુત હતો. ૧૦.૦૦ વાગ્યે થાળના પદોનું ગાન શરૂ થયું ત્યારે ભગવાન સાક્ષાત જમતા હોય તેવું દિવ્ય વાતાવરણ ઊભું થયું હતું. મંદિરના મધ્ય શિખર નીચે પરબ્રહ્મ પુરૂષોત્તમ ભગવાન શ્રી સ્વામીનારાયણને પરમહંસ સંતો થાળ જમાડી રહ્યા છે તેવી ખૂબ સુંદર પ્રતિકૃતિ સમગ્ર અન્નકૂટ મધ્યે પ્રસ્તુત કરવામાં આવી હતી.નુતન વર્ષની શરૂઆતમાં “યથા દેહે, તથા દેવે” ઉક્તિ અનુસાર ભગવાન સમક્ષ તમામ વાનગીઓનો થાળ પ્રસ્તુત થયો હતો. શુદ્ધ શાકાહારી વાનગીઑનો વિશાળ રસ થાળ માનવ મનને શાકાહારી બનવાની શુભ પ્રેરણા આપે છે. જેથી આપણી સનાતન ધર્મની મૂળભૂત સંસ્કૃતિનું જતન થાય છે. નવું વર્ષ શરૂ થતાં જ આપણે ભગવાન સમક્ષ સેવા – સમર્પણના ભાવથી, મને મળેલું તમામ ભગવાનનું જ આપેલું છે અને એ આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ એ ભાવનાથી અન્નકૂટ ઉત્સવ ઉજવાય છે. જેમાં સમજણ સાથે ભક્તિ ભાવ ભળેલો હોય છે. આ સાથે ગોવર્ધન પુજા પણ શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક કરવામાં આવી હતી. બપોરે ૧૧.૦૦ વાગ્યે અન્નકૂટની મુખ્ય આરતી બાદ દર એક કલાકે આરતી કરવામાં આવી હતી. આણંદના BAPS મંદિરના કોઠારી પૂ. ભગવદ્ચરણસ્વામીએ સૌ ભાવિક જનતાને દીપાવલી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તથા વિક્રમ સંવત ૨૦૮૦નું નુતન વર્ષ સૌ વ્યક્તિ તથા સૌ પરિવારોને તને, મને, ધને સુખદાયી ફળદાયી નીવડે તે માટે ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીત ગુરુપરંપરા તથા ગૃરુહરી પરમ પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજના ચરણકમળમાં પ્રાર્થના કરી છે.
આજે અન્નકૂટના દર્શને ખાસ વિધાન સભા નાયબ દંડક શ્રી રમણભાઈ સોલંકી, સાંસદ શ્રી મિતેશભાઇ, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ બાપજી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, આણંદ નગર પાલિકા પ્રમુખ શ્રી જીજ્ઞેશભાઈ સહિત મોટી સંખ્યમાં હરિભક્તો, ભાવિકો પધાર્યા હતા.