AnandToday
AnandToday
Sunday, 12 Nov 2023 00:00 am
AnandToday

AnandToday

દીપોત્સવીના પાવન પર્વે આણંદ અક્ષરફાર્મમાં દિવ્ય માહોલમાં ચોપડા પૂજન કાર્યક્રમ યોજાયો

કાર્યક્રમના અંતે "સહજ આનંદ" મ્યુઝીક અને ફાયર શો ખૂબ આકર્ષણનું કેન્દ્ર બન્યો

આવતીકાલ સોમવારના રોજ આણંદ મંદિરે  ભવ્ય અન્નકૂટ ઉત્સવ યોજાશે

આણંદ ટુડે
વિક્રમ સંવત ૨૦૭૯ના દીપોત્સવીના પાવન પર્વે આણંદ અક્ષરફાર્મમાં તા.૧૨/૧૧/૨૩ના સાંજે ૫ થી ૭ દરમિયાન શ્રી અક્ષર પુરુષોત્તમ મહાપૂજા વિધિ સાથે ચોપડા પૂજન, લક્ષ્મી પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. કોઠારી પૂજ્ય ભગવતચરણ સ્વામી સાથે સૌ હરિભક્તો પૂજન વિધિમાં જોડાયા હતા. વિદ્વાન પુરોહિત શ્રી કનુભાઈ શાસ્ત્રીએ વેદોક્ત વિધિ પૂર્વક વૈદિક મંત્રોચ્ચાર સાથે સમૂહ મહાપૂજા વિધિમાં સૌને જોડ્યા હતા. અક્ષરફાર્મની હરિયાળી ભૂમિ પર યોજાયેલ આ કાર્યક્રમમાં વિવિધ લાઈટોથી શોભતા વૃક્ષો, સ્વર અને પ્રકાશના સંયોજન સાથેનું સમગ્ર વાતાવરણ દિવ્ય બન્યું હતું. વિશેષમાં કાર્યક્રમના અંતે "સહજ આનંદ" મ્યુઝીક અને ફાયર શો ખૂબ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ગુરુવર્યો બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજે વિશેષ કરીને ચોપડા પૂજન કાર્યક્રમને પ્રત્યેક મંદિરોમાં વ્યાપક બનાવ્યો છે. આજે અક્ષર મંદિર ગોંડલ ખાતે પણ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે ચોપડા પૂજન કરીને સૌને તન મન અને ધનથી સુખી થવાના શુભ આશીર્વાદ આપ્યા છે ત્યારે આણંદ ખાતે પણ સૌ હરિભક્તો ચોપડા પૂજનના કાર્યક્રમમાં સામેલ થઈને ધન્ય બન્યા છે. આ પ્રસંગે સૌની સુખાકારી માટે કોઠારી પૂજ્ય ભગવતચરણ સ્વામીએ ઠાકોરજી સમક્ષ ખાસ પ્રાર્થના કરી તા.૧૩/૧૧/૨૩, સોમવારના રોજ આણંદ મંદિરે યોજાનાર ભવ્ય અન્નકૂટના દર્શને પધારવા સૌને આમંત્રિત કર્યા હતા.