આણંદ ટુડે I સુરત
ગ્રામીણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ થાય અને તેમનું આર્થિક ઉત્થાન થાય એ હેતુથી ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય, રાજ્યના ગ્રામ વિકાસ વિભાગ અને ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ.ના સંયુક્ત ઉપક્રમે સુરત શહેરના અડાજણ ખાતે સરસ મેળાનું તા.૭મી નવેમ્બર આયોજન થયું છે.
સરસ મેળામાં વિભિન્ન રાજ્યોમાંથી આવેલી ગ્રામીણ મહિલાઓ હસ્તકલા, હેન્ડલૂમ સહિતની કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ કરે છે. અહીં સ્ટોલ નં-૨૧, ‘માતા સાહિબ કૌર’ની મુલાકાત લેતા જ પંજાબી વસ્ત્રોની ખુબસુરતી જોઈ શકાશે. ચિકનકારી કુર્તા-પ્લાઝો, ફુલકારી દુપટ્ટા, શરારા, અફઘાની સલ્વાર જેવી રૂ. ૬૦૦ થી ૩૦૦૦ સુધીની વિવિધ વેરાયટી કોઈનું પણ મન મોહી લે તેવા છે. પંજાબના પટિયાલાથી આવેલા ૩૫ વર્ષીય સીમા રાની સિંગ વિવિધ મેળાનો લાભ લઈ ચૂક્યા છે.
સુરતમાં વેચાણના અનુભવ વિષે જણાવતા તેમણે કહ્યું કે, સુરત સાથે વ્યવસાયનો આ મારો બીજી અનુભવ છે. વેચાણ માટે આ શહેર દેશભરમાં સૌથી શ્રેષ્ઠ છે. અહીંના લોકો ખૂબ ઉત્સાહી છે. ટેક્સટાઇલ માટે દુનિયાભરમાં જાણીતા સુરતના લોકોને કાપડની પરખ હોવાથી વસ્તુની યોગ્ય કિંમત મળે છે. વિવિધ શહેરોમાં વેચાણ અર્થે જવાનો અનુભવ હોવાથી મને અહીંથી મળતો પ્રતિસાદ ખૂબ ગમે છે.
વધુમાં સીમા રાની જણાવે છે કે હું શરૂઆતમાં આજીવિકા અર્થે સિલાઈ કરતી હતી. પછી એક મિત્ર સાથે પ્રથમ વખત પ્રદર્શન મેળામાં ગઈ હતી. અને ત્યાંથી જ મને પ્રદર્શન મેળા થકી મારા સીવેલા કપડાઓનાં વેચાણનો વિચાર આવ્યો. અને મેં નાના પાયે શરૂઆત કરી. જેમાં આજે મારી સાથે અન્ય ૧૦૦ બહેનો જોડાઈને રોજગારી મેળવી છે.આ વર્ષે અત્યાર સુધીમાં તેમનાં જૂથે ૧.૨૦ લાખનો વકરો કર્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા યોજાતા સરસ મેળામાં વિનામૂલ્યે અપાતા સ્ટોલ, ભોજન-નિવાસ તેમજ અવરજવરની સુવિધા માટે સરકારને આભાર વ્યક્ત કરતા સીમા રાનીએ કહ્યું કે, કેન્દ્ર-રાજ્યના સહયોગથી ચાલતી વિવિધ યોજનાઓથી નાના લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે.
. . . . . . . . . . . .