આણંદ,
બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારને પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા શ્રમિક અન્નપુર્ણા યોજના અમલી બનાવાઈ છે. જે અંતર્ગત શ્રમિકો અને તેમના પરિવારને માત્ર રૂ. ૫ માં પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. જેમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચા, ગોળ તેમજ સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્નનો પણ સમાવેશ કરવામાં આવે છે.
આ યોજના અંતર્ગત આણંદ જિલ્લામાં આગામી તા. ૧૦/૧૧/૨૦૨૩ ના રોજ ૪ નવા ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવનાર છે. જેમાં આણંદ શહેરના ૧૦૦ ફૂટ રોડ પર આવેલ ભવનાથ મહાદેવ મંદિર પાસે, આણંદ શહેરની બોરસદ ચોકડી પાસેના ત્રી-પાંખીયા ઓવર બ્રીજ પાસે, વલ્લભવિદ્યાનગરના મોટાબજાર ખાતે ઇસ્કોન મંદિર સામે તેમજ બોરસદ એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક એમ કુલ ૪ ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવનાર હોવાનું ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, આણંદના પ્રોજેક્ટ મેનેજરની યાદીમાં જણાવાયું છે.
*****