AnandToday
AnandToday
Friday, 13 Oct 2023 18:30 pm
AnandToday

AnandToday

આણંદ જિલ્લામાં સ્વચ્છતાની જાળવણી માટે હવે કડક હાથે કામ લેવાશે - ક્લેક્ટર

આણંદ શહેરના એલીકોન સર્કલથી એ.ડી.આઈ.ટી. સુધીના માર્ગ ઉપર ગંદકી જોઈ તુરત જ જિલ્લા કલેકટરશ્રીએ પ્રાંત અધિકારીશ્રીને કડક હાથે કામ લેવા સૂચના આપી

ગણતરીના કલાકોમાં જ એલીકોન સર્કલથી એ.ડી.આઈ.ટી. સુધીના માર્ગનું સફાઈ કાર્ય હાથ ધરાયું

આણંદ ટુડે I આણંદ,
"સ્વચ્છતા હી સેવા" અભિયાન અંતર્ગત સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ સફાઈના કાર્યને અભિયાન સ્વરૂપે અપનાવીને સરકારની સાથે લોકો પણ સ્વચ્છતા ઝુંબેશમાં સહભાગી બની રહયાં છે. ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશને સફળ બનાવવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે, જેને સાકાર કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવા અભિયાનનું આયોજનબધ્ધ કાર્ય હાથ ધરાયું છે. 

"સ્વચ્છતા હી સેવા" અભિયાન હેઠળ આણંદ જિલ્લામાં પણ સફાઈનું કાર્ય સઘન બને અને આણંદ જિલ્લો ગંદકી મૂકત બને તે માટે જિલ્લા સમાહર્તાશ્રી પ્રવિણ ચૌધરીએ કડક હાથે કાર્ય આરંભ્યુ છે. આ માટે તેમણે આણંદ શહેરી વિસ્તારોની મુલાકાત દરમિયાન જોવા મળેલ ગંદકી અને તેના માટે તેમણે લીધેલા કડક પગલાં દ્વારા તેમણે આણંદવાસીઓ સહિત સબંધિત વિભાગને પણ હવે સ્વચ્છતાની જાળવણી માટે કડક હાથે કામ લેવામાં આવશે તેનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. 

જિલ્લા કલેકટરશ્રી પ્રવિણ ચૌધરીએ આણંદ જિલ્લા કલેકટર તરીકેનો પદભાર સંભાળ્યો ત્યારથી સ્વચ્છતાના કાર્યને અગ્રીમતા આપી છે. એટલું જ નહી પરંતુ તા. ૧ લી ઓકટોબરથી રાજયભરમાં આરંભાયેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત આણંદ જિલ્લામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સબંધિત વિભાગોને સ્પષ્ટ સૂચના પણ આપી છે. આ ઉપરાંત તેઓ તેમની વિવધ વિસ્તારોની મુલાકાત દરમિયાન પણ સ્વચ્છતાના કાર્યને પ્રાધાન્ય આપી રહયા છે. કલેકટરશ્રીની આવી જ એક મુલાકાત દરમિયાન તેમના ધ્યાને એલીકોન સર્કલથી એ.ડી.આઈ.ટી. સુધીના રસ્તા ઉપર ખૂબ જ ગંદકી જોવા મળતાં તેમણે તુરત જ આણંદના પ્રાંત અધિકારીશ્રીને કડક હાથે કામ લઈ સબંધિત વિભાગને સૂચના આપવા જણાવ્યું હતુ.

જિલ્લા કલેકટરશ્રીની સૂચના અન્વયે તુરત જ પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટે તપાસ કરતાં આ રસ્તા માટે કરમસદ નગરપાલિકા, નોટિફાઇડ એરીયા વિઠ્ઠલ ઉદ્યોગનગર અને મોગરી ગ્રામ પંચાયત વચ્ચે હદ બાબતનો પ્રશ્ન હોય પ્રાંત અધિકારીશ્રીએ સી.આર.પી.સી. ની કલમ ૧૩૩ અન્વયે સંબંધિતોને નોટિસ પાઠવી સફાઈ કરવા તથા ખુલાસા સાથે હાજર રહેવા જણાવ્યું હતુ. 

આણંદ પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટના જણાવ્યા મુજબ કરમસદ નગરપાલિકા દ્વારા તુરંત જ આ વિસ્તારની સફાઈનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને આ કાર્ય આગામી ત્રણેક દિવસોમાં પૂર્ણ કરવાની સબંધિત અધિકારીશ્રીએ ખાત્રી આપી છે. હવે પછી આ વિસ્તારની હદને ધ્યાને લઈ એલિકોન સર્કલથી યોગી સર્કલ સુધી નોટિફાઇડ એરીયા વિઠ્ઠલ ઉદ્યોગનગર, યોગી સર્કલથી ગજાનંદ સુધી કરમસદ નગરપાલિકા અને ગજાનંદથી એ.ડી.આઇ.ટી. સુધી મોગરી ગ્રામ પંચાયત દ્વારા સફાઈ અને મેઇન્ટેનન્સની કામગીરી કરવા બાબતની આણંદ પ્રાંત અધિકારીશ્રી સમક્ષ થયેલ સમજુતી મુજબનુ એફીડેવીટ સબંધિત અધિકારીશ્રીઓને રજુ કરવા પણ જણાવવામાં આવ્યુ છે.  
*****