આણંદ ટુડે I આણંદ,
નવરાત્રિના આયોજનને ધ્યાને લઈ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લાના ગરબા આયોજકોની બેઠક મળી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ નવરાત્રિનો તહેવાર શાંતિપુર્ણ વાતાવરણમાં ઉજવાય, લોકોને હાલાકી ના પડે, ટ્રાફિકની સમસ્યા ના થાય તેમજ લોકોની સલામતીની સાથે લોકોની આરોગ્ય સુખાકારી જળવાય તેવું આયોજન કરવા ગરબા આયોજકોને સુચવ્યું હતું. વધુમાં તેમણે ગરબા સ્થળે સેનિટેશનની યોગ્ય વ્યવસ્થા કરવા અને સ્વચ્છતા જળવાઈ રહે તે જોવા ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું.
કલેકટરશ્રીએ ગરબા સ્થળે લોકોને આરોગ્ય સંબંધિત તાત્કાલિક સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગની ટીમ તૈનાત રાખવા પણ વધુમાં જણાવ્યું હતું.
આ તકે નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એસ. દેસાઈએ આયોજકોને લોકો માટે પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા, પાર્કિંગમાં સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા, તેમજ ખાણી-પીણીના સ્થળે કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા રાખવા જણાવી આયોજન સ્થળ પર સારી ક્વોલિટીના જ ફૂડનું વેચાણ થાય તે જોવા સુચવ્યું હતું.
શ્રી દેસાઈએ જિલ્લામાં યોગ્ય ટ્રફિક વ્યવસ્થા થાય તેમજ કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે જોવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રવીણ કુમાર, પ્રાંત અધિકારીશ્રીઓ, પોલીસ-આર.ટી.ઓ-આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ જિલ્લાના ગરબાના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.
*****